અમરેલીમાં ₹634 કરોડનું મોટું સાયબર કૌભાંડ પકડાયું, SD Pay અને Apna Pay એપ્સ દ્વારા છેતરપિંડી – જુઓ Video
અમરેલીમાં SD Pay અને Apna Pay મોબાઇલ એપ્લિકેશન દ્વારા આચરાયેલા ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ થયો છે. નાણાં બમણા કરવાની લાલચ આપીને લાખો લોકોને છેતરવામાં આવ્યા હતા. SIT દ્વારા 6 આરોપીઓની ધરપકડ કરાઈ છે અને વધુ તપાસ ચાલુ છે, જેમાં પીડિતોની સંખ્યા વધવાની શક્યતા છે.
અમરેલી જિલ્લામાં અત્યાર સુધીના સૌથી મોટા સાયબર કૌભાંડનો પર્દાફાશ થયો છે. SD Pay અને Apna Pay નામની મોબાઇલ એપ્લિકેશન મારફતે આશરે ₹634 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડમાં SIT ટીમે કંપનીના ડિરેક્ટર સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે.
આરોપીઓએ લોકોને નાણાં બમણા કરવાની અને રોકાણ પર દૈનિક કેશબેક આપવાની લાલચ આપીને ફસાવ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે, SD Pay એપ્લિકેશનના 10 લાખથી વધુ ડાઉનલોડ્સ અને યુઝર્સ હતા. મળતી માહિતી મુજબ, આશરે દોઢથી પોણા બે લાખ લોકો આ કૌભાંડનો ભોગ બન્યા હતા.
કરોડોના વ્યવહારો માટે SD Hub, Shiv Dharti Communication અને Upay Digi જેવી કુલ સાત બોગસ કંપનીઓ ઊભી કરવામાં આવી હતી. આ કંપનીઓના 15 બેંક ખાતાઓમાં ₹635 કરોડના ટ્રાન્ઝેક્શન અને જમા રકમ મળી આવી છે. NCCRP પોર્ટલ પર દેશભરમાંથી 83 ફરિયાદો પણ નોંધાઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, જેમાં કૌભાંડની રકમ અને પીડિતોની સંખ્યા વધવાની શક્યતા છે.

