Fact Check: 2 મિનિટ 20 સેકન્ડના આ વીડિયોમાં ભારતીય જવાનોએ ચીની સૈનિકોની ઉભી પુંછડીએ ભગાડ્યા! જાણો હકીકત
આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ચીની સૈનિકો ભારતીય સીમામાં ઘુસી ગયા હતા, ત્યારબાદ ભારતીય જવાનોએ ચીની સૈનિકોને કાંટાળા તાર લપેટેલા દંડાથી મેથીપાક ચખાડ્યો હતો અને ચીની સૈન્યને ભગાડી મુક્યુ હતું.
ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયાના સમાચારે ગઈકાલથી જોર પક્ડયુ છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક જુનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો તવાંગમાં ભારત અને ચીનના જવાનો વચ્ચે થયેલી ઝપાઝપીનો છે પણ આ વાત તદ્દન ખોટી છે. હાલમાં વાયરલ થઈ રહેલો વીડિયો વર્ષ 2020નો છે. ગલવાન ઘાટીમાં બનેલી ઘટના બાદ ભારતીય સેનાના જવાનોએ ચીની સૈનિકોને ઉભી પુંછડીએ દોડાવ્યા હતા. તે સમયનો વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જુન 2020નો છે. આ વીડિયોને અધિકૃત રીતે ચીનની ચેનલે રિલિઝ પણ કર્યો હતો.
આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ચીની સૈનિકો ભારતીય સીમામાં ઘુસી ગયા હતા, ત્યારબાદ ભારતીય જવાનોએ ચીની સૈનિકોને કાંટાળા તાર લપેટેલા દંડાથી મેથીપાક ચખાડ્યો હતો અને ચીની સૈન્યને ભગાડી મુક્યુ હતું. વીડિયોમાં ચીની સૈનિકો જોર જોરથી ‘બચાવો બચાવો’ની બુમો પાડી રહ્યા હતા.
જાણો ભારત-ચીન સરહદ વિવાદ વિશે
ભારત-ચીન સરહદ લગભગ 3500 કિલોમીટર લાંબી છે. આ સરહદ ત્રણ સેક્ટરમાં વહેંચાયેલી છે. પશ્ચિમી ક્ષેત્ર (જમ્મુ-કાશ્મીર-લદ્દાખ) 1597 કિમી લાંબું છે. મધ્યમ ક્ષેત્ર (હિમાચલ અને ઉત્તરાખંડ) 545 કિમી લાંબો છે. આ સિવાય પૂર્વીય ક્ષેત્ર (અરુણાચલ અને સિક્કિમ) 1346 કિલોમીટર લાંબો છે. ચીન અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો કરે છે, જ્યારે અક્સાઈ ચીન પર ભારતનો દાવો છે.
ચીને અરુણાચલના વિસ્તારોના નામ બદલી નાખ્યા
2006થી અરુણાચલને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ચીને અરુણાચલના વિસ્તારોના નામ બદલી નાખ્યા છે. વર્ષ 2017માં ચીને અરુણાચલ પ્રદેશના 6 વિસ્તારોના નામ બદલી નાખ્યા હતા. આ પછી 2021માં ચીને 15 વિસ્તારોના નામ બદલી નાખ્યા. ચીને અરુણાચલના વિસ્તારોના ચીન-તિબેટીયન નામ રાખ્યા. ઓક્ટોબરમાં આને લગતો કાયદો પણ બનાવવામાં આવ્યો હતો. ચીન અરુણાચલને દક્ષિણ તિબેટનો ભાગ ગણાવે છે.