તવાંગ પર ચીનની આવી પહેલી પ્રતિક્રિયા, જણાવ્યું શા માટે થઈ હતી અથડામણ?
મોદી સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતીય સૈનિકોએ અરુણાચલ પ્રદેશના તવાંગમાં ચીની સૈનિકોની ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો અને તેમને ભગાડી દીધા હતા. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે આ અથડામણમાં કોઈ ભારતીય સૈનિક શહીદ થયા નથી અને કોઈ ગંભીર રીતે ઘાયલ થયું નથી.
અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ચીની સેના અને ભારતીય સેના વચ્ચે થયેલી અથડામણને લઈને ચીની સેના તરફથી પહેલી પ્રતિક્રિયા આવી છે. આ અથડામણને લઈને ચીને ભારતીય સેના પર દોષનો ટોપલો ઢોળ્યો છે. ચીની સેનાએ કહ્યું છે કે ભારતીય સૈનિકોએ ગેરકાયદેસર રીતે વિવાદિત સરહદ પાર કરી હતી, જેના કારણે અથડામણ શરૂ થઈ હતી. જો કે, મોદી સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતીય સૈનિકોએ અરુણાચલ પ્રદેશના તવાંગમાં ચીની સૈનિકોની ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો અને તેમને ભગાડી દીધા હતા. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે આ અથડામણમાં કોઈ ભારતીય સૈનિક શહીદ થયા નથી અને કોઈ ગંભીર રીતે ઘાયલ થયું નથી.
ચીની સેનાના પ્રવક્તાએ પોતાના નિવેદનમાં કહ્યું કે ભારતીય સૈનિકો ગેરકાયદેસર રીતે સરહદ પાર કરીને ચીની સૈનિકોના રસ્તામાં આવી ગયા જેના કારણે બંને તરફથી વિવાદ વધી ગયો. ચીની સેનાએ કહ્યું કે અમે પ્રોફેશનલ રીતે માપદંડો હેઠળ જોરદાર જવાબ આપ્યો, ત્યારબાદ સરહદ પર સ્થિતિ સ્થિર થઈ.
ચીનના વરિષ્ઠ સૈન્ય અધિકારી અને પીએલએના વેસ્ટર્ન થિયેટર કમાન્ડના પ્રવક્તા લોંગ શાઓહુઆએ કહ્યું કે ભારતે સરહદ પર તૈનાત તેના સૈનિકો પર કડક નિયંત્રણ રાખવું જોઈએ અને ચીન સાથેના સરહદી વિસ્તારોમાં શાંતિ પુનઃસ્થાપિત કરવી જોઈએ. તેમણે કહ્યું કે 9 ડિસેમ્બરે ભારતીય સૈનિકોએ ગેરકાયદેસર રીતે સરહદ પાર કરીને નિયમિત પેટ્રોલિંગ કરી રહેલા ચીની સૈનિકોના કામમાં અવરોધ ઉભો કર્યો હતો, ત્યારબાદ અથડામણ શરૂ થઈ હતી.
ચીની સેના પહેલા ચીનના વિદેશ મંત્રાલય દ્વારા તવાંગમાં અથડામણને લઈને સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. જો કે, ચીન તરફથી નિવેદનમાં માત્ર એટલું જ કહેવામાં આવ્યું હતું કે પ્રદેશમાં સ્થિતિ ‘સ્થિર’ છે. નિવેદનમાં ચીની તરફથી તેના સૈનિકોને ઈજાઓ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું કે ચીન-ભારત સરહદ પર વર્તમાન સ્થિતિ સ્થિર છે. બંને પક્ષો સરહદ સંબંધિત મુદ્દાઓ પર રાજદ્વારી અને સૈન્ય ચેનલો દ્વારા વાતચીત કરી રહ્યા છે.
જણાવી દઈએ કે 9 ડિસેમ્બરે વાંગમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. સોમવારે ભારતીય સેના દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું કે ચીની સૈનિકોના ઘૂસણખોરીના પ્રયાસને આપણા સૈનિકોએ નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમિયાન બંને પક્ષના સૈનિકોને ઈજા થઈ છે.
ચીને રચ્યું હતું ષડયંત્ર
આ અથડામણ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ચીન દ્વારા એક સુનિયોજિત કાવતરું હતું, જેના હેઠળ 300 ચીની સૈનિકો ભારતીય ચોકીને હટાવવા માટે યાંગત્સે વિસ્તારમાં પહોંચ્યા હતા. આ દરમિયાન ચીની સૈનિકો પાસે કાંટાળી લાકડીઓ અને ડંડાઓ હતા. જો કે, ચીની સૈનિકોના હુમલા પહેલા ભારતીય સેનાએ મોરચો સંભાળી લીધો અને બંને પક્ષો વચ્ચે અથડામણ થઈ હતી.