રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે કેવી રીતે વેઈટિંગ ટિકિટ કન્ફર્મ થશે ? આ પદ્ધતિ થશે ઉપયોગી
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે એમ પણ કહ્યું હતું કે રેલવે વેઇટિંગ લિસ્ટ ટિકિટો ઈસ્યુ કરે છે. જેથી રિઝર્વેશન રદ કર્યા પછી ખાલી પડેલી સીટનો મહત્તમ ઉપયોગ કરી શકાય. વધુમાં, વેઇટિંગ લિસ્ટ રેલવેને મુસાફરોની માંગ પેટર્નનું વધુ સારી રીતે મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે.
ભારતીય રેલવેની વિકલ્પ યોજના મુસાફરો માટે ઉપયોગી વિકલ્પ સાબિત થઈ રહી છે, ખાસ કરીને એવા મુસાફરો માટે કે જેઓ વેઈટીંગ લિસ્ટને કારણે પરેશાન છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન, 57,209 મુસાફરોને વિકલ્પ યોજના હેઠળ વૈકલ્પિક ટ્રેનોમાં બેઠકો આપવામાં આવી હતી. આ સ્કીમ 2016 માં વેઇટલિસ્ટ મુસાફરોને કન્ફર્મ સીટો પ્રદાન કરવા અને ઉપલબ્ધ સીટોનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે શરૂ કરવામાં આવી હતી.
રેલવે મંત્રીએ આપ્યો જવાબ
રેલવે પ્રધાને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સભ્ય ફૌઝિયા ખાનના પ્રશ્નોના જવાબમાં આ માહિતી આપી હતી. ફૌઝિયા ખાને સરકારને વિકલ્પ યોજનાની સફળતાના દર અને ઉચ્ચ માંગવાળા માર્ગો પર તેના વિસ્તરણ વિશે પ્રશ્નો પૂછ્યા હતા. રેલવે મંત્રીએ કહ્યું કે આ યોજના અખિલ ભારતીય સ્તર પર લાગુ છે અને આ હેઠળ, ફક્ત તે મુસાફરોને જ લાભ મળે છે જેમણે ટિકિટ બુકિંગ સમયે વિકલ્પ યોજના પસંદ કરી હોય છે.
આ વિકલ્પ યોજના શું છે?
IRCTCની વિકલ્પ યોજના એવી છે કે, મુસાફરોને તેમની મૂળ ટ્રેનમાં કન્ફર્મ સીટ ન મળે તો તે જ રૂટ પર ચાલતી વૈકલ્પિક ટ્રેનોમાં સીટો પૂરી પાડે છે. જો કે તે સીટની બાંયધરી આપતું નથી, તે કન્ફર્મ ટિકિટ મેળવવાની શક્યતાઓ વધારે છે. ટિકિટ બુક કરતી વખતે, જો કોઈ પેસેન્જરને વેઇટિંગ લિસ્ટ ટિકિટ મળે છે, તો તે વિકલ્પ સ્કીમ પસંદ કરી શકે છે. જો વિકલ્પ યોજના હેઠળ અન્ય ટ્રેનમાં સીટ ઉપલબ્ધ હોય તો મુસાફરને જાણ કરવામાં આવે છે.
રેલવે આ બાબતનું રાખે છે ધ્યાન
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એમ પણ કહ્યું હતું કે, રેલવે વેઇટિંગ લિસ્ટ ટિકિટો ઈસ્યું કરે છે જેથી રિઝર્વેશન રદ કર્યા પછી ખાલી પડેલી સીટોનો મહત્તમ ઉપયોગ કરી શકાય. વધુમાં, વેઇટિંગ લિસ્ટ રેલવેને માંગ પેટર્નનું વધુ સારી રીતે મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે. તેમણે કહ્યું કે ભારતીય રેલવે નિયમિતપણે પ્રતિક્ષા યાદીની સ્થિતિ પર નજર રાખે છે. મુસાફરોને મહત્તમ સુવિધા પૂરી પાડવા માટે, રેલવે વધારાના મુસાફરોની જરૂરિયાતોને પહોંચી વળવા તહેવારો અને રજાઓ દરમિયાન વિશેષ ટ્રેનો પણ ચલાવે છે.
મુસાફરોને કેવી રીતે લાભ મળે ?
વિકલ્પ યોજના દ્વારા, મુસાફરો વધારાના વિકલ્પ તરીકે બીજી ટ્રેનમાં મુસાફરી કરી શકે છે. જે મુસાફરોને તાત્કાલિક મુસાફરી કરવી હોય તેમના માટે આ સુવિધા ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત, આ યોજના રેલવેને ખાલી બેઠકોનો વધુ સારો ઉપયોગ કરવામાં પણ મદદ કરે છે. નાણાકીય વર્ષ 2023-24માં 57,209 મુસાફરોને વિકલ્પ યોજના હેઠળ બેઠકો પ્રદાન કરવી આ યોજનાની સફળતા દર્શાવે છે.
ભારતીય રેલવે મુસાફરોને વધુ સારી સેવાઓ પ્રદાન કરવા અને મુસાફરીનો અનુભવ સરળ બનાવવા માટે આવી યોજનાઓ પર સતત કામ કરી રહી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય વેઇટિંગ લિસ્ટની સમસ્યાને ઘટાડવાનો અને મુસાફરોને મુસાફરી માટે વિકલ્પ આપવાનો છે. ઉચ્ચ માંગવાળા રૂટ પર તેના વિસ્તરણથી આવનારા સમયમાં વધુ મુસાફરોને ફાયદો થવાની શક્યતા છે.