હાલના કેટલાય સાંસદોને બેસાડી દેવાશે ઘરે, ત્રીજી ટર્મ માટે નવી ટીમ સાથે ચૂંટણી લડશે PM મોદી
લોકસભાની આગામી ચૂંટણી માટે ભાજપે દરેક બેઠક પ્રમાણે રણનીતિ તૈયાર કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટી આ વખતે હાલના ઘણા સાંસદોની ટિકિટ કાપવાના મૂડમાં છે. છેલ્લા બે વર્ષથી ભાજપના સાંસદો પાસેથી તેમના કામ અંગે સતત અહેવાલો માંગવામાં આવ્યા હતા. પાર્ટીના કાર્યકરો પાસેથી ફીડબેક લેવાની સાથેસાથે સર્વે એજન્સીઓ પાસેથી દરેક સંસદીય મતવિસ્તારના અહેવાલો પણ માંગવામાં આવ્યા હતા.

કેન્દ્રમાં સતત ત્રીજી વખત સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહેલા ભાજપે પોતાના લોકસભા ઉમેદવારોના નામ ફાઇનલ કરવા માટે સખત મહેનત કરી છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ જે સાંસદોનું પ્રદર્શન તેમના મતવિસ્તારમાં સારૂ રહ્યું નથી તેમની ટિકિટ કોઈપણ સંકોચ વિના કાપી નાખવામાં આવશે. વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા જ કહી ચુક્યા છે કે, દરેક બેઠક પર કમળ ચૂંટણી લડી રહ્યું છે. ઓછામાં ઓછા વર્તમાન 60-70 સાંસદોની ટિકિટ કપાઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણ વખત જીતેલા ઘણા જૂના સાંસદોની જગ્યાએ, નવા ચહેરાઓને તક આપવામાં આવશે. જો કે વધુ ઓબીસી સાંસદોની ટિકિટ કાપવામાં નહીં આવે. છેલ્લે 2019માં લોકસભા ચૂંટણીમાં ભાજપના 303 OBC ઉમેદવારોમાંથી 85 જીતીને સાંસદ બન્યા હતા. નમો એપ પર દરેક બેઠકના લોકો પાસેથી તેમના સાંસદો વિશેના ફીડબેક મેળવવામાં આવ્યા હતા. પોતપોતાના વિસ્તારોમાં ભાજપના ત્રણ સૌથી લોકપ્રિય નેતાઓના નામ પણ નમો એપ પર પૂછવામાં આવ્યા હતા.
દરેક સંસદીય મતવિસ્તારમાંથી મેળવાયો હતો અહેવાલ
છેલ્લા બે વર્ષથી ભાજપના સાંસદો પાસેથી તેમના કામ અંગે સતત અહેવાલો માંગવામાં આવ્યા હતા. સર્વે એજન્સીઓ પાસેથી દરેક સંસદીય મતવિસ્તારના અહેવાલો માંગવામાં આવ્યા હતા. ભાજપ શાસિત રાજ્યોમાં દરેક સંસદીય ક્ષેત્રમાં કેન્દ્રીય મંત્રીઓને વિશેષ કામગીરી સોંપવામાં આવી હતી. આ મંત્રીઓને લોકસભા બેઠકોની મુલાકાત લેવા અને સાંસદો વિશે રિપોર્ટ લેવા માટે કહેવામાં આવ્યું હતું. મંત્રીઓ અને સંગઠન પાસેથી મળેલા અહેવાલને રાજ્ય કક્ષાની ચૂંટણી સમિતિની બેઠકમાં મૂકવામાં આવ્યો હતો. આ સાથે જ સંગઠન મહાસચિવો દ્વારા આરએસએસની પ્રતિક્રિયા પણ આપવામાં આવી હતી.
ભાજપે રાજ્યની ચૂંટણી સમિતિઓની બેઠકમાં દરેક સંસદીય બેઠક માટે ઉમેદવારોના નામોની પેનલ તૈયાર કરવા જણાવ્યું હતું. દિલ્હીમાં ગઈકાલે યોજાયેલી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પહેલા દરેક રાજ્યના કોર ગ્રૂપે, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને સંગઠન મહાસચિવ બીએલ સંતોષ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં લોકસભાની દરેક બેઠક માટે સંભવિત ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી.
ભાજપે દરેક બેઠક દીઠ તૈયાક કરી રણનીતિ
કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પહેલા ગુરુવારે વડાપ્રધાનના નિવાસસ્થાને પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની લાંબી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉમેદવારોના નામ પર પણ ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં રાજ્યવાર ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. ભાજપે દરેક બેઠક પ્રમાણે રણનીતિ તૈયાર કરી છે. દરેક બેઠક જીતવા માટે શ્રેષ્ઠ અને જીતી શકે તેવા ઉમેદવાર કોણ હોઈ શકે તે જોવાનો માપદંડ હતો.