પ્રથમ લોકસભાના સ્પીકર હતા ગુજરાતી, અમદાવાદની ગુજરાત કોલેજથી થયા હતા સ્નાતક, જાણો તેમની વકીલથી સ્પીકર સુધીની સફર

|

Jun 26, 2024 | 5:06 PM

ભાજપના સાંસદ ઓમ બિરલાને ધ્વનિમત દ્વારા લોકસભાના સ્પીકર તરીકે ચૂંટવામાં આવ્યા. ઓમ બિરલા બીજી વખત આ જવાબદારી સંભાળી રહ્યા છે. ત્યારે પ્રથમ લોકસભાના સ્પીકર કોણ હતા અને કેવી રીતે તેમની પસંદગી થઈ હતી તેમજ તેમની રાજકીય સફર વિશે આ લેખમાં જાણીશું.

પ્રથમ લોકસભાના સ્પીકર હતા ગુજરાતી, અમદાવાદની ગુજરાત કોલેજથી થયા હતા સ્નાતક, જાણો તેમની વકીલથી સ્પીકર સુધીની સફર
Ganesh Vasudev Mavlankar

Follow us on

ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ ઓમ બિરલાને બુધવારે ધ્વનિમત દ્વારા લોકસભાના સ્પીકર તરીકે ચૂંટવામાં આવ્યા. ઓમ બિરલા બીજી વખત આ જવાબદારી સંભાળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અધ્યક્ષ પદ માટે બિરલાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંજૂરી આપી હતી.

આ પ્રસ્તાવને પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબ દ્વારા ગૃહમાં મતદાન માટે મૂકવામાં આવ્યો હતો અને તેને ગૃહ દ્વારા ધ્વનિમત દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો. આ પછી પ્રોટેમ સ્પીકર મહતાબે ઓમ બિરલાને લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાઈ આવ્યા હોવાની જાહેરાત કરી હતી. ત્યારે પ્રથમ લોકસભાના સ્પીકર કોણ હતા અને કેવી રીતે તેમની પસંદગી થઈ હતી તેમજ તેમની રાજકીય સફર વિશે આ લેખમાં જાણીશું.

ગણેશ વાસુદેવ માવળંકરનો વડોદરામાં જન્મ

ગણેશ વાસુદેવ માવળંકરનો જન્મ 27 નવેમ્બર, 1888ના રોજ ગુજરાતના વડોદરા શહેરમાં થયો હતો. તેમનો પરિવાર તત્કાલીન બોમ્બે સ્ટેટના રત્નાગીરી જિલ્લાના માવલંગ નામના સ્થળનો વતની હતો. માવળંકર તત્કાલિન બોમ્બે રાજ્યમાં વિવિધ સ્થળોએ પ્રારંભિક શિક્ષણ મેળવ્યા પછી, ઉચ્ચ શિક્ષણ માટે 1902માં અમદાવાદ આવ્યા હતા. તેઓ 1908માં અમદાવાદની ગુજરાત કોલેજમાંથી વિજ્ઞાનમાં સ્નાતક થયા. 1912માં તેમણે કાયદાની પરીક્ષા ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરી હતી. કાયદાની ડિગ્રી મેળવ્યા પછી, તેમણે 1913માં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી અને ટૂંક સમયમાં એક મોટા વકીલ તરીકે પ્રખ્યાત થયા.

સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ

જી.વી. માવળંકરની રાજકીય સફર

વકીલાતની સાથે સાથે તેઓ સામાજિક પ્રવૃતિઓમાં પણ ખૂબ સક્રિય હતા. આ કારણે તેઓ ઘણી સામાજિક સંસ્થાઓ સાથે પણ જોડાઈ ગયા. વર્ષ 1913માં તેમને ગુજરાત એજ્યુકેશન સોસાયટીના માનદ સચિવ બનાવવામાં આવ્યા અને 1916માં તેઓ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના સેક્રેટરી તરીકે પણ ચૂંટાયા. આ સામાજિક પ્રવૃત્તિઓને કારણે તેઓ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના સંપર્કમાં આવ્યા.

જ્યારે મહાત્મા ગાંધીએ દેશની આઝાદી માટે અસહકારની ચળવળ શરૂ કરી ત્યારે જી.વી માવળંકરે પણ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝંપલાવ્યું અને ત્યાર બાદ રાજકારણમાં આવ્યા. તેઓ થોડો સમય સ્વરાજ પાર્ટીમાં પણ રહ્યા અને પછી કોંગ્રેસમાં પાછા આવ્યા. વર્ષ 1921-22માં તેઓ ગુજરાત પ્રાંતીય કોંગ્રેસ સમિતિના સચિવ તરીકે ચૂંટાયા હતા. 1919 થી 1937 સુધી અમદાવાદ મ્યુનિસિપાલિટીના સભ્ય અને 1930 થી 1933 અને 1935-36 સુધી તેના પ્રમુખ પણ રહ્યા.

પ્રથમ વખત બોમ્બે વિધાનસભાના સ્પીકર બન્યા હતા માવળંકર

જી.વી માવળંકરે મીઠાના સત્યાગ્રહમાં પણ ભાગ લીધો હતો અને કોંગ્રેસ સાથે મળીને 1934ની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. આઝાદીની ચળવળને લગતી તેમની પ્રવૃત્તિઓને કારણે તેઓ કુલ છ વર્ષ જેલમાં રહ્યા. જો કે, વર્ષ 1937માં યોજાયેલી ચૂંટણીમાં તેઓ બોમ્બે પ્રાંત માટે ચૂંટણી લડ્યા અને વિધાનસભામાં ચૂંટાયા. આ પછી તેઓ વિધાનસભાના સ્પીકર તરીકે ચૂંટાયા અને 1946 સુધી આ પદ પર રહ્યા.

ગણેશ વાસુદેવ માવળંકર જેમને દાદાસાહેબ માવળંકર તરીકે યાદ કરવામાં આવે છે, તેમને ભૂતપૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા “લોકસભાના પિતા” ના બિરુદથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત આઝાદ થયું ત્યારથી લઈને 1952ની પ્રથમ લોકસભા સુધી માવળંકર સ્પીકર રહ્યા હતા. તેથી તત્કાલિન વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુએ સ્વતંત્ર ભારતની પ્રથમ લોકસભાના અધ્યક્ષ પદ માટે તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.

પ્રથમ લોકસભા અધ્યક્ષની ચૂંટણી

1952માં દેશની પ્રથમ સામાન્ય ચૂંટણીઓ પછી લોકસભા અધ્યક્ષ પદ માટે જ્યારે સર્વસંમતિ ના થઈ તો ચૂંટણી યોજાઈ હતી. પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ સ્વતંત્રતા સેનાની અને બંધારણ સભાના પૂર્વ સભ્ય જી.વી. માવળંકરને પ્રમુખ તરીકે ચૂંટવાની દરખાસ્ત મુકી હતી. માવળંકરને સંસદીય બાબતોના પ્રધાન સત્યનારાયણ સિન્હા, દરભંગા મધ્યના સાંસદ એસ.એન. દાસ અને ગુડગાંવના સાંસદ પંડિત ઠાકુર દાસ ભાર્ગવે સમર્થન કર્યું હતું. જો કે, કન્નુર સાંસદ એ.કે.ગોપાલે શાંતારામ મોરેની તરફેણમાં એક પ્રસ્તાવ મૂક્યો હતો.

15 મે 1952ના રોજ પ્રથમ લોકસભાના સાંસદોએ મળીને દેશના પ્રથમ લોકસભા અધ્યક્ષની પસંદગી કરી. જેમાં કોંગ્રેસ તરફથી જી. વી. માવળંકર જેઓ 1946થી સ્પીકરનું પદ સંભાળી રહ્યા હતા અને ગૃહમાં નવા ચૂંટાયેલા શંકર શાંતારામ મોરે તેમની સામે ઉમેદવાર બન્યા હતા. જો કે, આ ચૂંટણી કોંગ્રેસ માટે માત્ર ઔપચારિકતા હતી કારણ કે કોંગ્રેસને લોકસભામાં સ્પષ્ટ બહુમતી મળી હતી. જી. વી. માવળંકર 394 મતો સાથે સ્પીકર તરીકે ચૂંટાયા હતા, જ્યારે શાંતારામ મોરેને 55 મત જ મળ્યા હતા.

મતદાન દરમિયાન બની રસપ્રદ ઘટના

લોકસભા અધ્યક્ષની ચૂંટણી માટે થયેલા મતદાનમાં વિપક્ષી ઉમેદવાર શંકર શાંતારામ મોરે પોતે તેમના હરીફ ઉમેદવાર જી.વી. માવળંકરની તરફેણમાં મતદાન કર્યું હતું. ત્યારે શંકર શાંતારામ મોરેએ કહ્યું હતું કે, સંસદની શ્રેષ્ઠ પરંપરાઓમાં એક યોગ્ય પ્રથા છે જે મુજબ જ્યારે સ્પીકર પદ માટે બે ઉમેદવારોનો પ્રસ્તાવ મૂકવામાં આવે છે, ત્યારે દરેક ઉમેદવાર બીજા ઉમેદવારને મત આપે છે. મેં તમને મત આપીને એ પરંપરાનું પાલન કર્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેઓ આપણા નવા પ્રજાસત્તાક રાજ્યના પ્રથમ અધ્યક્ષ તરીકે માવળંકર પર મૂકવામાં આવેલી ઐતિહાસિક જવાબદારીથી વાકેફ હતા. તો મતદાન ના કરવાની તરફેણમાં મતદાન કરનારા મુખ્ય લોકોમાં સુચેતા કૃપાલાનીનું નામ પણ સામેલ છે.

લોકસભા અધ્યક્ષની નિષ્પક્ષતાની મિસાલ બન્યા માવળંકર

લોકસભાના પ્રથમ સ્પીકર તરીકે ચૂંટાયા બાદ જી.વી માવળંકરે ઘણા સુધારા કર્યા. સૌ પ્રથમ વિધાનસભા અધ્યક્ષથી લઈને લોકસભા અધ્યક્ષ સુધી તેમણે નિષ્પક્ષતાનો દાખલો બેસાડ્યો અને તેમના કાર્યકાળ દરમિયાન પક્ષની રાજનીતિથી દૂર રહ્યા. તેમણે જ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર પ્રશ્નકાળ અને ચર્ચા અને આભાર પ્રસ્તાવની શરૂઆત કરી હતી.

લોકસભામાં કોઈપણ પક્ષને સંસદીય પક્ષ તરીકે નામાંકિત કરવા માટે તેની પાસે ગૃહના કુલ સભ્યપદના ઓછામાં ઓછા 10 ટકા હોવા આવશ્યક છે. આ નિયમ પણ તેમના દ્વારા બનાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં, સૌથી મોટા સંસદીય દળના નેતાને વિપક્ષના નેતા તરીકે નોમિનેટ કરવાનો ટ્રેન્ડ પણ ત્યારથી ચાલી રહ્યો છે. તેથી જ પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ તેમને લોકસભાના પિતાનું બિરુદ આપ્યું હતું. લોકસભાના સ્પીકર હતા ત્યારે તેમને જાન્યુઆરી 1956માં હાર્ટ એટેક આવ્યો અને 27 ફેબ્રુઆરી 1956ના રોજ અમદાવાદમાં તેમનું અવસાન થયું.

આ પણ વાંચો પ્રોટેમ સ્પીકર એટલે શું ? જાણો કેવી રીતે થાય છે પસંદગી અને શું હોય છે તેમની કામગીરી

Next Article