ભારતમાં કોલસાનું સંકટ ચાલી રહ્યું છે. મીડિયામાં પણ વીજ કાપના સમાચાર આવી રહ્યા છે. સરકારનો દાવો છે કે દેશમાં ક્યાંય પણ કોલસાની કટોકટી નથી અને કોઈ પણ ખૂણો વીજળીથી વંચિત ન રહે તે માટે સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. આ દરમિયાન એક અહેવાલ કહે છે કે, ઓક્ટોબરમાં વીજળીની માંગ ઝડપથી વધી છે જ્યારે પુરવઠો ઘટ્યો છે. એટલે કે, જે દરે વીજળીની માંગ વધી છે, તે દરે વીજળીનો પુરવઠો વધ્યો નથી. ‘રોઇટર્સ’ના એક અહેવાલમાં આ વાત સામે આવી છે.
ઓક્ટોબરના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ભારતની વીજળીની માંગમાં 4.9% નો વધારો થયો છે. માંગ કરતાં 1.4 ટકા ઓછી વીજળી પૂરી પાડવામાં આવી હતી, જ્યારે કોલસાથી ઉત્પન્ન થતી વીજળીમાં 3.2 ટકાનો વધારો જોવા મળ્યો હતો. એ જ રીતે, સૌર ઉર્જામાંથી ઉત્પન્ન થતી વીજળીમના ઉત્પાદનમાં 30 ટકાનો ઉછાળો હતો.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોવિડની બીજી લહેર સમાપ્ત થયા બાદ આર્થિક પ્રવૃત્તિઓમાં મોટી તેજી આવી છે. ફેક્ટરીઓ અને કારખાનાઓ પૂરજોશમાં કામ કરી રહ્યા છે. જેના કારણે વીજળીના વપરાશમાં મોટો વધારો થયો છે. આની અસર એ થઈ કે, કોલસાની અછતને કારણે વીજળીનો પુરવઠો ઓછો થઈ ગયો.
જે દરે વીજળીની માંગ વધી, તે દરે થર્મલ પાવર પ્લાન્ટને કોલસો પૂરો પાડવામાં આવ્યો ન હતો. તેની મોટી અસર ઉત્તર ભારતના ઘણા પ્રાંતોમાં જોવા મળી છે જ્યાં કોલસાની અછતને કારણે એક દિવસમાં 14 કલાક સુધીનો વીજ કાપ કરવામાં આવ્યો છે. આ દાવો ‘રોઇટર્સ’એ તેના અહેવાલમાં કર્યો છે.
વીજળીની વધતી સ્થાનિક માંગ અને કોલસાની અછતએ વીજળીની કટોકટીમાં વધારો કર્યો. ઘણા વૈશ્વિક પરિબળો પણ આનું મુખ્ય કારણ હતું. ભારત પોતાની ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિદેશથી કોલસાની આયાત કરે છે. આ કોલસા પછી થર્મલ પ્લાન્ટમાં મોકલવામાં આવે છે. વિશ્વ બજારમાં માંગમાં વધારો થતા કોલસાના ભાવમાં વધારો થયો છે. જોકે, વિદેશી બજારોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારે વરસાદ અને તોફાનને કારણે કોલસાના ખનનમાં ઘટાડો થયો છે. તેથી, અછત હોવા છતાં માંગમાં મોટો વધારો છે. તેથી આયાતી કોલસાના ભાવમાં અચાનક ઉછાળો આવ્યો છે.