પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાના (Nusrat Mirza) ઈન્ટરવ્યુની એક ક્લિપ છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમણે આતંકવાદના મુદ્દે ભારતમાં યોજાયેલી કોન્ફરન્સમાં હાજરી આપી હતી, જેને હામિદ અંસારીએ (Hamid Ansari) સંબોધિત કરી હતી. મિર્ઝાએ એવો પણ દાવો કર્યો હતો કે તેણે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIને ગુપ્ત માહિતી આપી હતી. હવે આ મુદ્દે ભાજપે કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સની તસવીરમાં જોવા મળી રહ્યું છે કે હામિદ અંસારીજી વચ્ચે બેઠા છે, તે જ મંચ પર પાકિસ્તાનના કપટી પત્રકાર અને પાકિસ્તાનના એજન્ટ નુસરત મિર્ઝા પણ બેઠા છે. આવી સ્થિતિમાં અન્સારીએ સાથે બેસવાની ના કેમ ન પાડી?
પાર્ટીના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે આતંકવાદના વિષય પર આયોજિત આંતરાષ્ટ્રીય કોન્ફરન્સની તસવીરમાં જોવા મળી રહ્યું છે કે હામિદ અંસારીજી વચ્ચે બેઠા છે, તે જ મંચ પર પાકિસ્તાનના બહુરૂપિયા પત્રકાર અને પાકિસ્તાનના એજન્ટ નુસરત મિર્ઝા પણ બેઠા છે તો શું એ વાત સાચી નથી કે આવો કોઈ કાર્યક્રમ યોજવામાં આવે તો તેની ક્લેરેન્સ ઈન્ટેલિજન્સ એજન્સીના ઈનપુટ પાછળથી આપવામાં આવે છે?
તેમણે કહ્યું કે દેશમાં બંધારણીય પદો પર બેઠેલા કોઈપણ વ્યક્તિનો કાર્યક્રમ હોય છે, તેના પ્રોટોકોલ અનુસાર તેની ઓફિસ તે કાર્યક્રમમાં કોણ કોણ સામેલ થશે તેની માહિતી લે છે. આવી સ્થિતીમાં શું એ માનવું યોગ્ય નહી હોય કે કોંગ્રેસ ઈચ્છતી હતી કે પાકિસ્તાનમાંથી કોઈ વ્યક્તિ ભારતમાં પ્રવેશે અને ભારતની અખંડિતતાને ઠેસ પહોંચાડે? ભાટિયાએ કહ્યું કે જો હામિદ અંસારી ઈચ્છે તો તે કહી શક્યા હોત કે આ વ્યક્તિને કોન્ફરન્સમાં બોલાવવામાં ન આવે. તેઓ તેની સાથે સ્ટેજ શેર કરવાનો ઈનકાર કરી શક્યા હોત.
પાર્ટીના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે બંધારણીય પદ પર બેઠેલા વ્યક્તિની જવાબદારી પણ મોટી છે. કોઈપણ વ્યક્તિથી ઉપર આપણો દેશ ભારત છે અને ભારતના નાગરિકોનું હિત છે. ગૌરવ ભાટિયાએ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા કોંગ્રેસ પાર્ટી અને હામિદ અંસારીને પૂછવામાં આવેલા સવાલોના જવાબમાં હામિદ અંસારીએ તમામ દોષનો ટોપલો કોંગ્રેસ સરકાર પર એમ કહીને ઢોળી નાખ્યો કે, ઉપરાષ્ટ્રપતિના કાર્યક્રમમાં જેને બોલાવવામાં આવે છે તેમને સરકારની સલાહ પર બોલાવવામાં આવે છે.
નુસરત મિર્ઝાના આરોપને ફગાવી દેતા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ કહ્યું હતું કે તેમણે 11 ડિસેમ્બર, 2010ના રોજ આતંકવાદ પર ‘આતંકવાદ અને માનવ અધિકારો પર ન્યાયવાદીઓની આંતરરાષ્ટ્રીય પરિષદ’નું ઉદ્ઘાટન કર્યું હતું. સામાન્ય પ્રથાની જેમ આમંત્રિતોની યાદી આયોજકો દ્વારા તૈયાર કરવામાં આવી હોવી જોઈએ. મેં તેમને (પાકિસ્તાની પત્રકાર)ને ક્યારેય આમંત્રણ આપ્યું નથી કે તેમને મળ્યા પણ નથી. આ મુદ્દે પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાના દાવા અંગે ભાજપે પહેલા જ હામિદ અંસારી અને કોંગ્રેસ પાસેથી સ્પષ્ટતા માંગી છે.