NCP ચૂંટણી ચિન્હ વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે અજિત પવાર જૂથને સખત ઠપકો આપ્યો છે. હકીકતમાં, શરદ પવાર જૂથના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં ફરિયાદ કરી હતી કે અજિત પવાર જૂથ હજુ પણ મતદારોને અપીલ કરવા માટે શરદ પવારના નામ અને ચિત્રનો ઉપયોગ કરી રહ્યું છે.
સુપ્રીમ કોર્ટે આ મામલે આશ્ચર્ય વ્યક્ત કર્યું અને અજિત પવાર જૂથને કહ્યું કે, જ્યારે ચૂંટણી નજીક છે, ત્યારે તમને શરદ પવારની જરૂર લાગે છે. જ્યારે ચૂંટણી ન હોય ત્યારે તમને તેમની જરૂર નથી લાગતી. હવે તમારી એક અલગ ઓળખ છે, તે સાથે મતદારોની વચ્ચે જાઓ.
કોર્ટે અજિત પવારના જૂથને મતદારોને અપીલ કરવા માટે શરદ પવારના નામ અને ચિત્રનો ઉપયોગ ન કરવા અંગે એફિડેવિટ દ્વારા બે દિવસમાં બાંયધરી આપવા જણાવ્યું છે. આ સિવાય કોર્ટે અજિત પવાર જૂથને કોઈ ગૂંચવાડો ટાળવા માટે કોઈ અન્ય ચૂંટણી ચિહ્ન પસંદ કરવાનું વિચારવાનું કહ્યું છે. કોર્ટે વધુમાં કહ્યું કે ચૂંટણી પંચનો નિર્ણય અંતિમ નથી. આ કેસની આગામી સુનાવણી હવે મંગળવારે રાખવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે 6 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી પંચે અજિત પવારના જૂથને અસલી NCP માન્યું હતું અને તેમના જૂથને ચૂંટણી ચિન્હ વોલ ક્લોકની ફાળવણી કરી હતી. આ પછી, 19 ફેબ્રુઆરીએ, સુપ્રીમ કોર્ટે એનસીપીના સંસ્થાપક શરદ પવાર અને તેમની પાર્ટીને ‘રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ ચંદ્ર પવાર)ના નામથી પ્રચાર કરવાની મંજૂરી આપી હતી.
7 ફેબ્રુઆરીએ ચૂંટણી પંચે રાજ્યસભાની ચૂંટણી લડવા માટે શરદ પવાર જૂથને નવું નામ આપ્યું હતું. હવે અજિત પવાર જૂથે ચિત્ર અને નામનો ઉપયોગ નહીં કરવા માટે બે દિવસમાં એફિડેવિટ ફાઇલ કરવી પડશે.