મુંબઈની (Mumbai Vaccination) એક ખાનગી હોસ્પિટલે આજથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને મફત રસી આપવાની જાહેરાત કરી છે. મરીન લાઈન્સની બોમ્બે હોસ્પિટલમાં (Bombay Hospital in Marine Lines) 17,000થી વધુ કોરોના રસીઓનો સ્ટોક છે, જે હવે વિના મૂલ્યે આપવામાં આવશે.
હોસ્પિટલની જાહેરાત મુજબ રસીના બંને ડોઝ વિનામૂલ્યે આપવામાં આવશે. હોસ્પિટલે ગોલ્ડન ઓવર ફાઉન્ડેશન નામની એનજીઓ સાથે મળીને આ અભિયાન શરૂ કર્યું છે. મુંબઈની ઘણી મોટી ખાનગી હોસ્પિટલો પહેલાથી જ આર્થિક રીતે નબળા અને ઝૂંપડપટ્ટીમાં રહેતા પુખ્ત વયના લોકોને મફત કોરોના રસી પૂરી પાડી રહી છે.
બોમ્બે હોસ્પિટલે એક નિવેદનમાં કહ્યું છે કે તેમની પાસે કોવિશિલ્ડનો સ્ટોક ઉપલબ્ધ છે, તેથી તેઓ માત્ર આ રસી મફતમાં આપી શકશે. બોમ્બે હોસ્પિટલના ડૉક્ટર ગૌતમ ભણસાલીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમારી હોસ્પિટલ કદાચ દેશની પહેલી એવી હોસ્પિટલ છીએ જેણે તમામ લોકોને કોરોનાની રસી વિના મૂલ્યે આપવાની જાહેરાત કરી છે. તેણે કહ્યું કે બે એજન્સીઓની મદદ વિના આ શક્ય નહોતું.
ડૉ. ભણસાલીએ જણાવ્યું કે આ પહેલમાં હોસ્પિટલ 150 રૂપિયા પ્રતિ રસી આપી રહી છે, જ્યારે બાકીનું ભંડોળ અમને આ બે મદદરૂપ એજન્સીઓ દ્વારા ઉપલબ્ધ થશે. એજન્સીઓએ આ મફત રસીકરણ અભિયાન માટે હોસ્પિટલને 50 લાખ રૂપિયાની સહાય પણ આપી છે. તેમણે વધુમાં કહ્યું કે છેલ્લા કેટલાક મહિનામાં પેઈડ રસીકરણમાં ઘટાડો થયો છે.
મુંબઈ, થાણે અને પૂણેની ખાનગી હોસ્પિટલોમાં 45 લાખથી વધુ ડોઝ બાકી છે. નિષ્ણાતોએ સલાહ આપી છે કે ખાનગી હોસ્પિટલોએ મફત રસી આપવી જોઈએ અથવા સીએસઆર દાતાઓને શોધવા જોઈએ. જો કે માંગમાં ઘટાડો અને સરકારી રસીકરણ કેમ્પમાં વધારો થતાં ખાનગી હોસ્પિટલોમાં વધુ પ્રમાણમાં રસી લેતા લોકો જોવા મળતા નથી.
કોવિડ રસીકરણ (COVID-19 Vaccination) શહેરમાં 10 કેન્દ્રથી શરૂ થયું હતું, પરંતુ હવે લગભગ 460 ખાનગી અને જાહેર રસીકરણ કેન્દ્રો છે. કેન્દ્રો પર હવે લોકોની ભીડ નથી, મોટાભાગના ખાનગી કેન્દ્રો ખાલી પડ્યા છે. બીજી તરફ વેક્સીનની એક્સપાયરી નજીક હોવાથી ખાનગી હોસ્પિટલો અન્ય સેન્ટરોને રાહત દરે રસી આપી રહી છે.
મુંબઈમાં મોટાભાગના રસીકરણ કેન્દ્રો ખાલી પડ્યા છે. કરોડોની વેક્સીન ખાનગી હોસ્પિટલોમાં પડી છે. આ સ્ટોકને સાફ કરવા માટે હોસ્પિટલો બલ્ક ખરીદી પર 10થી 30% ડિસ્કાઉન્ટ પણ ઓફર કરી રહી છે. ઘણી હોસ્પિટલોએ રસી બનાવતી કંપનીઓને પરત કરવા માટે સંપર્ક પણ કર્યો છે, પરંતુ હોસ્પિટલો કહી રહી છે કે સરકાર અને કંપનીઓને આમાં રસ નથી.
લાયન્સ ક્લબ હોસ્પિટલના સુહાસ ચૌધરીએ જણાવ્યું હતું કે, મે-જૂનની તુલનામાં ભીડ સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગઈ છે. હવે બહુ ઓછા લોકો આવી રહ્યા છે. 1700 કોવિશિલ્ડ અને 300 કોવેક્સીનના ડોઝ બાકી છે. આવી સ્થિતિમાં અમે અન્ય કેન્દ્રોને રાહત દરે રસી આપી રહ્યા છીએ. સૌથી મોટું કારણ એ છે કે રસી સરકારી કેન્દ્રમાં વિના મુલ્યે અને ખાનગીમાં પૈસા લઈને આપવામાં આવી રહી છે.
સરકારી કેન્દ્રમાં ભીડને કારણે લોકો ખાનગીમાં આવતા હતા, પરંતુ હવે સરકારી કેન્દ્રોમાં પણ ભીડ ઘટી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈની ખાનગી હોસ્પિટલોમાં 85%થી વધુ રસીના ડોઝનું વેચાણ થયું નથી, તેથી મહારાષ્ટ્રમાં લગભગ 90 લાખ ડોઝ પેન્ડિંગ છે. ઓક્ટોબરથી રસીકરણની ગતિમાં ભારે ઘટાડો થયો છે.
સ્ટેટ ટાસ્ક ફોર્સના ડૉક્ટર રાહુલ પંડિતે કહ્યું મહારાષ્ટ્રમાં લગભગ 74-75 લાખ લોકોએ સમયસર રસીનો બીજો ડોઝ લીધો નથી. તેમને ખબર હોવી જોઈએ કે તેમને કોવિડથી સંપૂર્ણ સુરક્ષા મળી નથી. સરકાર રસીકરણ માટે જે ડોર ટુ ડોર અભિયાન ચલાવી રહી છે તે અંતર્ગત આવા લોકોને બીજો ડોઝ આપવામાં આવશે. 65% લોકોને બંને ડોઝ લાગી ગયા છે. નિષ્ણાંતો કહે છે કે જો બે ડોઝ વચ્ચે 84 દિવસનું અંતર ઘટાડવામાં આવે છે તો તરત જ 22 લાખથી વધુ લોકો બીજા ડોઝ માટે પાત્ર બનશે.