મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈને અડીને આવેલા થાણેના મીરા રોડ વિસ્તારના એક ફ્લેટમાં લિવ-ઈન પાર્ટનરની હત્યા કર્યા પછી, તેના મૃતદેહને ઉકાળીને તેના નાના-નાના ટુકડા કરીને મિક્સરમાં પીસીને કૂતરાઓને ખવડાવી દીધા. આ ઘાતકી ઘટનાને અંજામ આપનાર આરોપી મનોજ સાનેને થાણે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ગુરુવારે (8 જૂન) થાણે કોર્ટે તેને 16 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. મનોજ સાને અને સરસ્વતી વૈદ્યની ઉંમરમાં ઘણો તફાવત હતો. તો પછી બંને એકબીજાના જીવનમાં કેવી રીતે આવ્યા?
મનોજની ઉંમર 53 વર્ષ અને સરસ્વતીની ઉંમર 32 વર્ષની હતી. બંનેની મુલાકાત વર્ષ 2014માં એક રાશનની દુકાનમાં થઈ હતી. પરિચય વધ્યો, જે મિત્રતામાં ફેરવાઈ ગયો. પછી આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. સરસ્વતી અનાથ હતી. મનોજ સાને તેને પોતાના ઘરે લઈ આવ્યો અને બંને લિવ-ઈન રિલેશનશિપમાં સાથે રહેવા લાગ્યા.
એક તરફ મનોજના કોઈ સગા નહોતા અને બીજી તરફ સરસ્વતી પણ અનાથ હતી. આવી સ્થિતિમાં બંનેને એકબીજાની જરૂર હતી. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બંને છેલ્લા 9 વર્ષથી લિવ-ઈન રિલેશનશિપમાં હતા. છેલ્લા ત્રણ વર્ષથી મીરા રોડ પર ગીતા નગરના હયાત ફ્લેટમાં રહેવા આવ્યો હતો. પરંતુ, મનોજ પછી સરસ્વતીના પાત્ર પર શંકા કરતો હતો. જેના કારણે બંને વચ્ચે ઘણી વખત ઝઘડા થતા હતા.
પાડોશીઓએ પોલીસને જે કહ્યું છે તે મુજબ મનોજ સાને તેમની સાથે વાત કરતા શરમાતો હતો. તહેવારોમાં પણ તે ભળતો નહોતો. પાડોશીઓને તેનું નામ પણ ખબર ન હતી. જ્યારે તેના ફ્લેટમાંથી દુર્ગંધ આવવા લાગી અને લોકો પૂછપરછ કરવા લાગ્યા ત્યારે તેણે રૂમ ફ્રેશનર છાંટ્યુ અને રૂમની બહાર નીકળી ગયો. જેના કારણે લોકોને શંકા ગઈ અને સમગ્ર મામલો બહાર આવ્યો.
એક પાડોશીએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે જ્યારે તે મનોજ સાનેના ઘરે ગયો અને દરવાજો ખટખટાવ્યો તો મનોજ સાનેએ દરવાજો ખોલ્યો નહીં. ઘરની અંદરથી દુર્ગંધ આવી રહી હતી. પહેલા તેણે વિચાર્યું કે ઉંદર મરી ગયો છે. દરવાજો ન ખોલતાં પાડોશી પાછા ફરવા લાગ્યા. એટલામાં મનોજ સાને નીચે આવ્યો. જ્યારે પાડોશીએ તેને કહ્યું કે તેના ઘરમાંથી દુર્ગંધ આવી રહી છે, ત્યારે તેણે કહ્યું કે કદાચ ઉંદર મરી ગયો હશે. આના પર સાનેએ કહ્યું કે તેને ઉતાવળ છે, અત્યારે તો જવું જ પડશે. પાડોશીએ જણાવ્યું કે સાનેના શરીરમાંથી પણ ઘણી દુર્ગંધ આવી રહી છે.
જે બાદ પાડોશીએ આ વાત સોસાયટીના સેક્રેટરીને જણાવી. સેક્રેટરીએ મનોજ સાનેને ભાડે મકાન મેળવનાર એજન્ટને બોલાવ્યો. એજન્ટ આવ્યો, તેની પાસે ચાવી હતી, પણ પછી ઘરની બહાર કોઈ દુર્ગંધ ન હતી, કારણ કે મનોજ સાને પહેલેથી જ રૂમ ફ્રેશનર છાંટીને ચાલ્યો ગયો હતો.