મહારાષ્ટ્રના કૃષિ પ્રધાનને છેતરપિંડી અંગે કોર્ટે ફટકારી 2 વર્ષની કેદ, 50 હજારનો દંડ
મહારાષ્ટ્રના કૃષિ મંત્રી માણિકરાવ કોકાટે ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. તેમના વર્ષો જૂના કોર્ટ કેસને કારણે માણિક રાવની મુશ્કેલીઓ વધી ગઈ છે. નાશિકની જિલ્લા અદાલતે કૃષિ પ્રધાન અને તેમના ભાઈને 2 વર્ષની જેલ અને 50,000 રૂપિયાના દંડની સજા ફટકારી છે. કોર્ટે આ કાર્યવાહી વર્ષ 1995 સાથે જોડાયેલા એક કેસમાં કરી છે.

મહારાષ્ટ્રના કૃષિ મંત્રી માણિકરાવ કોકાટેની મુશ્કેલીઓ વધી ગઈ છે. અજિત પવાર જૂથના NCP નેતા માણિકરાવ કોકાટે અને તેમના ભાઈ સુનિલ કોકાટેને નાશિક જિલ્લા અદાલતે 2 વર્ષ જેલની સજા ફટકારી છે. કોર્ટે બંનેને 2 વર્ષની કેદ કરવાની જાહેરાત કરી છે. 1995ના એક કેસને કારણે કોર્ટે કૃષિ મંત્રી વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે. કોર્ટે તેમને 2 વર્ષની જેલ અને 50,000 રૂપિયાનો દંડ ફટકારવાની જાહેરાત કરી છે.
1995માં માનિકરાવ કોકાટે અને તેમના ભાઈ વિરુદ્ધ દસ્તાવેજો સાથે ચેડા કરવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. તેમના પર 30 વર્ષ પહેલા કેટલાક દસ્તાવેજો સાથે ચેડા કરવાનો અને છેતરપિંડી કરવાનો આરોપ છે. આ પછી હવે નાસિક ડિસ્ટ્રિક્ટ કોર્ટે માનિકરાવ કોકાટે વિરુદ્ધ ચુકાદો આપ્યો છે.
કોણ છે માણિક રાવ કોકાટે?
માણિકરાવ કોકાટે મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા છે. તેઓ સિન્નરના ધારાસભ્ય છે. 67 વર્ષીય કોકાટે માણિકરાવ તેમના શિક્ષણના રેકોર્ડ મુજબ ગ્રેજ્યુએટ પ્રોફેશનલ છે. તેમની પાસે કુલ રૂ. 48.4 કરોડની સંપત્તિ છે, જેમાં રૂ. 17.3 કરોડની જંગમ સંપત્તિ અને રૂ. 31.1 કરોડની સ્થાવર સંપત્તિનો સમાવેશ થાય છે.
માણિકરાવ કોકાટે ખૂબ જ નાની ઉંમરે રાજકારણની દુનિયામાં પ્રવેશ્યા હતા. તેમણે કોંગ્રેસમાંથી રાજકીય સફર શરૂ કરી હતી. કોંગ્રેસ બાદ તેઓ શરદ પવારની એનસીપીમાં જોડાયા હતા. જ્યારે એનસીપીએ તેમને સિન્નર વિધાનસભા મતવિસ્તારમાંથી ટિકિટ આપવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે તેઓ પાર્ટી છોડીને શિવસેનામાં જોડાયા હતા. શિવસેનાની ટિકિટ પર, તેમણે 1999માં સિન્નર અને ફરીથી 2004માં ચૂંટણી જીતી. ત્યારબાદ તેઓ શિવસેનામાંથી કોંગ્રેસમાં આવ્યા. આ પછી, તેમણે ફરી એકવાર કોંગ્રેસની ટિકિટ પર 2009 માં આ બેઠક પર જીતનો સિલસિલો જાળવી રાખ્યો.
વર્ષ 2014માં તેઓ ભાજપમાં જોડાયા હતા અને આ વખતે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. 2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ નાસિક બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા અને શિવસેનાના ઉમેદવાર સામે હારી ગયા હતા. આ પછી તેઓ ફરી એકવાર NCPમાં જોડાયા.