ભારતની દીકરી વિદેશી ધરતી પર યુદ્ધ અભ્યાસમાં દેખાડશે દમ, IAFની પહેલી મહિલા પાયલટ બની જેમને આ તક મળી
Indian Air Forceની સ્ક્વોડ્રન લીડર અવની ચતુર્વેદી વિદેશની ધરતી પર હવાઈ યુદ્ધ અભ્યાસનો ભાગ બનનાર દેશની પ્રથમ મહિલા ફાઈટર પાઈલટ બની. આ માટે તે ટૂંક સમયમાં જ જાપાન જવા રવાના થશે. સ્ક્વોડ્રન લીડર અવની ચતુર્વેદી સુખોઈ Su-30MKIની પાયલોટ છે.
વિદેશમાં યોજાનારા હવાઈ યુદ્ધ અભ્યાસ માટે ભારતીય વાયુસેનાની એક મહિલા ફાઈટર પાઈલટનો ભારતીય ટુકડીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલીવાર છે, જ્યારે કોઈ મહિલા ફાઈટર પાઈલટને વિદેશમાં હવાઈ યુદ્ધ અભ્યાસનો ભાગ બનવાની તક મળી છે. IAFની મહિલા અધિકારીઓ ફ્રાન્સની વાયુસેના સહિત ભારતની મુલાકાત લેનાર વિદેશી ટુકડીઓ સાથે હવાઈ યુદ્ધ અભ્યાસમાં ભાગ લેવાનો મોકો મળ્યો છે. પરંતુ આ પ્રથમ વખત હશે, જ્યારે ભારતની દીકરી વિદેશની ધરતી પર પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરશે. તાજેતરમાં જ બે મહિલા પાયલટોએ પણ ફ્રેન્ચ વાયુસેના સાથે યુદ્ધ અભ્યાસમાં ભાગ લીધો હતો.
ભારતની પહેલી ત્રણ મહિલા ફાઈટર પાઈલટમાંથી એક સ્ક્વોડ્રન લીડર અવની ચતુર્વેદી જે યુદ્ધ અભ્યાસમાં ભાગ લેવાની છે. આ માટે તે ટૂંક સમયમાં જ જાપાન જવા રવાના થશે. સ્ક્વોડ્રન લીડર અવની ચતુર્વેદી સુખોઈ Su-30MKIની પાયલોટ છે. આ યુદ્ધ અભ્યાસને ‘વીર ગાર્ડિયન 2023’ નામ આપવામાં આવ્યું છે. આ યુદ્ધ અભ્યાસ 16 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી જાપાનના ઓમિટામામાં હાયકુરા એરબેઝ અને તેની આસપાસના એરફિલ્ડ્સ અને સયામામાં ઇરુમા એરબેઝ પર હાથ ધરવામાં આવશે.
Su-30MKiને કહ્યું સૌથી ઘાતક વિમાન
સ્ક્વોડ્રન લીડર ભાવના કંથેએ IAFના Su-30MKIને સ્વદેશી શસ્ત્રથી સજ્જ શ્રેષ્ઠ અને ઘાતક વિમાનોમાંનું એક ગણાવ્યું. તેમણે કહ્યું, Su-30MKi એક મલ્ટીરોલ કોમ્બેટ એરક્રાફ્ટ છે, જે વારાફરતી એર-ટુ-ગ્રાઉન્ડ અને એર-ટુ-એર મિશન પાર પાડી શકે છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા સ્ક્વોડ્રન લીડર ભાવનાએ કહ્યું, આ એરક્રાફ્ટની ખાસ વાત એ છે કે તે હાઈ સ્પીડ અને લો સ્પીડ બંને પર દાવપેચ કરી શકે છે. તેમાં ઘણું બળતણ ભરવાને કારણે લાંબા અંતરના મિશન પણ હાથ ધરવામાં આવી શકે છે. તેમજ તે ખૂબ જ લાંબી સહનશક્તિ ધરાવે છે.
એરફોર્સનો હિસ્સો બનીને ગર્વ: સ્ક્વોડ્રન લીડર ભાવના
સ્ક્વોડ્રન લીડર ભાવનાએ કહ્યું કે આ એરક્રાફ્ટ લેટેસ્ટ છે અને કોઈપણ લેટેસ્ટ હથિયારને સરળતાથી ધારણ કરી શકે છે. જેના કારણે તે કોઈ પણ મિશનને સરળતાથી પાર પાડી શકે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે એક મહિલા પાયલોટ તરીકે કેવું અનુભવે છે. તેના જવાબમાં તેમણે કહ્યું કે, વિમાનને ખબર નથી કે તે પુરુષ દ્વારા ઉડાવી રહ્યું છે કે મહિલા. તે એરફોર્સનો હિસ્સો બનીને ગર્વ અનુભવી રહી છે.