ચીન મુદ્દે સરદાર પટેલે ચેતવ્યા છતાં નેહરુજીએ ના આપ્યું ધ્યાન, જાણો ચીન મુદ્દે કોણ હતું સાચું ?
એવું નથી કે કોઈને ખ્યાલ નહોતો કે ચીન ભારત પર હુમલો કરી શકે છે. એક એવી વ્યક્તિ હતી જેણે પોતાના જીવનના છેલ્લા વર્ષમાં પણ નેહરુને તિબેટ પર સરકારની નીતિ શું હોવી જોઈએ અને ચીન આપણા માટે કેટલું મોટું જોખમ છે તે સમજાવવામાં કોઈ કસર છોડી ન હતી. પરંતુ, નેહરુજીએ આ વાત પર ખાસ ધ્યાન આપ્યું નહીં.
ભારત અને ચીન વચ્ચેના સંબંધોની વર્તમાન સ્થિતિ કોઈનાથી છુપાયેલી નથી. ભારત અને ચીન એવા બે દેશો છે, જેમના વચ્ચે 62 વર્ષ પહેલા યુદ્ધ થયું હતું અને આજે પણ સરહદ પર વાતાવરણ તંગ છે. પાકિસ્તાન હંમેશા ભારત સામે હાર્યું છે, પરંતુ જ્યારે ચીને 1962માં ભારત પર હુમલો કર્યો, ત્યારે જવાહરલાલ નેહરુની શાંતિવાદની કલ્પના તૂટી ગઈ. તેમના વડાપ્રધાન પદના 16મા વર્ષમાં નેહરુ સમજી ગયા કે દેશની સંરક્ષણ નીતિ ચોક્કસ હોવી જોઈએ, સેના મજબૂત અને સાધનસંપન્ન હોવી જોઈએ અને શસ્ત્રોનું ઉત્પાદન થવું જોઈએ.
પરંતુ, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. ચીની દળોએ 20 ઓક્ટોબર, 1962ના રોજ લદ્દાખ અને મેકમોહન લાઇનની પેલે પાર એક સાથે હુમલા શરૂ કર્યા. ચીને ભારતને હરાવ્યું, પરંતુ આપણી સેનાએ મર્યાદિત સંસાધનો અને નબળા રાજકીય નેતૃત્વ છતાં આ યુદ્ધમાં તેમની બહાદુરી બતાવી અને દેશને ઓછામાં ઓછું નુકસાન થવા દીધું હતું અને ચીનનો બહાદુરીથી સામનો કર્યો હતો.
સરદાર પટેલે પહેલા જ નેહરુને ચીનના ખતરા અંગે ચેતવ્યા હતા
એવું નથી કે કોઈને ખ્યાલ નહોતો કે ચીન ભારત પર હુમલો કરી શકે છે. એક એવી વ્યક્તિ હતી જેણે પોતાના જીવનના છેલ્લા વર્ષમાં પણ નેહરુને તિબેટ પર સરકારની નીતિ શું હોવી જોઈએ અને ચીન આપણા માટે કેટલું મોટું જોખમ છે તે સમજાવવામાં કોઈ કસર છોડી ન હતી. 1950માં ચીને તિબેટ પર આક્રમણ કરીને કબજો કર્યો. ત્યારથી તેમનો નરસંહાર શરૂ થઈ ગયો હતો. પરંતુ, નેહરુજીએ કોઈ પગલા ના ભર્યા.
વરિષ્ઠ નિષ્ણાત ક્લાઉડ એપ્રી લખે છે કે, નહેરુની આત્મઘાતી ‘ચીન તુષ્ટિકરણ’ નીતિથી માત્ર કોંગ્રેસના ઘણા નેતાઓ જ નહીં પરંતુ ઘણા વરિષ્ઠ અધિકારીઓ પણ નારાજ હતા, પરંતુ તેમણે કોઈની વાત ન સાંભળી. તત્કાલિન નાયબ વડાપ્રધાન સરદાર પટેલે 11 નવેમ્બર, 1950ના રોજ તેમના છેલ્લા ભાષણમાં તિબેટ અને નેપાળના વિકાસનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે દુનિયાનો કોઈ દેશ તિબેટ જેટલો શાંતિપ્રિય નથી અને ચીન હથિયારોના જોરે આ નિંદનીય કૃત્ય કરી રહ્યું છે.
તેમણે કહ્યું કે ન તો ચીને ભારતની સલાહ સાંભળી કે તિબેટ મુદ્દાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવો જોઈએ અને ન તો ભારતે વિચાર્યું હતું કે ચીન બળનો ઉપયોગ કરશે. સરદાર પટેલે ચેતવણી આપી હતી કે જ્યારે કોઈ દેશ પોતાની સૈન્ય શક્તિના નશામાં હોય ત્યારે તે કોઈ પણ મુદ્દે શાંતિથી વિચારતો નથી. તેમણે કહ્યું હતું કે ડરપોક ના બનવું જોઈએ અને જોખમોથી ભાગવું જોઈએ નહીં. કળિયુગમાં અહિંસાના બદલામાં અહિંસા હોવી જોઈએ અને બળનો જવાબ બળથી આપવો જોઈએ.
એક રીતે જોઈએ તો 1962ના ભારત-ચીન યુદ્ધનો એક નાનો પાયો ત્યારે જ નખાયો, જ્યારે ભારતે ચુપચાપ તિબેટને તેના નિયંત્રણમાં જવા દીધું. જો તે સમયે ભારતે અવાજ ઉઠાવ્યો હોત તો શક્ય છે કે ઘણા દેશો તેમાં જોડાયા હોત. પરંતુ, ચીન સમજી ગયું કે તે કંઈપણ કરશે તો પણ ભારતના રાજકીય નેતૃત્વમાં તેની વિરુદ્ધ જવાની હિંમત પણ નથી. તો બીજી તરફ નેહરુએ ડિસેમ્બર 1950માં સ્વાસ્થ્યના કારણોસર સરદાર પટેલને કાર્યમુક્ત કરી દીધા હતા.
સરદાર પટેલ જાણતા હતા કે ચીની સેના તિબેટમાં જઈને બેઠી છે તેનો સીધો અર્થ એ છે કે ત્યાંથી તે ભારત માટે સીધો ખતરો બની રહેશે. એટલા માટે તેમણે કહ્યું હતું કે તિબેટમાં ચીની સેનાનો પ્રવેશ ભારતીય સૈન્યની ગણતરીને બગાડી રહ્યો છે. તેમણે ચેતવણી આપી હતી કે હવે આપણે આપણી સૈન્ય તૈનાતીની બ્લુપ્રિન્ટ પર પુનર્વિચાર કરવો પડશે. સરદાર પટેલે નવેમ્બર 1950માં પંડિત જવાહરલાલ નેહરુને પત્ર લખીને ભારતના ઉત્તરમાં ચીનના સંભવિત ખતરા અંગે ચેતવણી આપી હતી. પરંતુ કમનસીબે પંડિત નેહરુએ આ તરફ વધુ ધ્યાન ન આપ્યું. તેની ખરાબ અસર 12 વર્ષ પછી સામે આવી અને 1962ના ચીન યુદ્ધમાં ભારતનો પરાજય થયો.
કેવી રીતે શરૂ થયું હતું ભારત-ચીન યુદ્ધ ?
20 ઓક્ટોબર, 1962 આ એ તારીખ છે, જ્યારે ભારત અને ચીન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. પરંતુ, તેની સ્ક્રિપ્ટ ઘણા સમય પહેલા લખાઈ રહી હતી. ત્યારે યુદ્ધની શરૂઆત પાછળના કારણો વિશે વાત કરીએ તો, ભવ્ય હિમાલય એ પ્રાચીન સમયથી ભારત અને તેના ઉત્તરીય પ્રદેશોની સરહદ છે. પરંતુ, 40ના દાયકામાં સામ્યવાદી સૈન્ય સક્રિય થયા પછી અને અંગ્રેજો દ્વારા ભારતનો નકશો દોર્યા પછી બધું બદલાઈ ગયું.
સરદાર પટેલનો ડર સાચો સાબિત થયો અને તિબેટ પર કબજો કરીને ચીને સમગ્ર હિમાલય પર દાવો કર્યો. તે હિમાલય જ્યાં પ્રાચીન સમયથી આપણા ઋષિમુનિઓ તપસ્યા કરતા હતા અને આધ્યાત્મિક એકાંતની શોધ કરતા હતા. ચીને પૂર્વમાં ભારત અને ચીનને અલગ કરતી મેકમોહન લાઇનને પણ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જો કે, બંને દેશોએ પંચશીલ પર હસ્તાક્ષર કરીને જમ્મુ-કાશ્મીર પર ચીનના દાવાને ઘણી હદ સુધી રોકવાનો પ્રયાસ કર્યો હતો.
29 એપ્રિલ, 1954ના રોજ પંચશીલ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ચીને અરુણાચલ પ્રદેશ પર દાવો કરવાનું ચાલુ રાખ્યું અને નેહરુ ‘હિન્દી, ચીની ભાઈ ભાઈ’ની ગેરસમજમાં અટવાયેલા રહ્યા અને ચીને અક્સાઈ ચીન પર પણ દાવો કર્યો. 1956માં ચીનના પ્રથમ પ્રીમિયર ઝોઉ એનલાઈએ કહ્યું હતું કે ચીન કોઈપણ ભારતીય ક્ષેત્ર પર દાવો કરતું નથી. બાદમાં તે ફરી ગયા હતા.
ભારતે 1958માં અક્સાઈ ચીન પર પોતાનો હિસ્સો હોવાનો દાવો કર્યો હતો. બીજી તરફ ચીની સેના તિબેટમાં દરેક પ્રકારના વિરોધના અવાજને દબાવવામાં લાગી હતી. ધાર્મિક નેતા દલાઈ લામાને ભારત ભાગી જવું પડ્યું. તેમણે અહીં આવીને તિબેટની સરકાર બનાવી. એ જ વર્ષે ઓગસ્ટમાં ભારતીય અને ચીની સેનાઓ પૂર્વીય સેક્ટરમાં લોંગજુ ખાતે અને ઓક્ટોબર 1959માં પશ્ચિમી સેક્ટરમાં કોંગકા પાસ ખાતે અથડામણ થઈ હતી. તેમ છતાં પંડિત નેહરુ કોઈ પગલું ના ભર્યું.
ચીન કહી રહ્યું હતું કે ભારત તિબેટમાં કોઈ મોટી યોજના બનાવી રહ્યું છે. હકીકતમાં તે માત્ર એ જાણવા માંગતું હતું કે શું ભારત તેની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓમાં અવરોધરૂપ બનશે. નેહરુએ સત્તાવાર રીતે અક્સાઈ ચીનને ભારતના ભાગ તરીકે સ્વીકાર્યું, પરંતુ તિબેટ પ્રત્યેના તેમના ઢીલા વલણથી ચીનને અહેસાસ થયો કે ભારત હવે નબળું છે. 1961માં ભારતની ફોરવર્ડ પોલિસી શરૂ થઈ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું.