ગુજરાતનો એ રાજા…એક દિવસમાં ખાતો હતો 35 કિલો ખોરાક, જમવા સાથે પીતો હતો ઝેર
રાજા-મહારાજાઓની કહાનીઓ માત્ર તેમના વૈભવો અને વિચિત્રતાઓથી ભરેલી નથી, પરંતુ તેમના રહસ્યો પણ ઓછા નથી. આજે અમે તમને એવા જ એક શાસક વિશે જણાવીશું કે જે દરરોજ લગભગ 35 કિલો ખોરાક ખાતો હતો અને જમવા સાથે ઝેર લેતો હતો અને તેને ઈતિહાસનો સૌથી ઝેરી શાસક પણ કહેવામાં આવે છે.
ઇતિહાસના પાનાઓમાં એવા ઘણા શાસકો નોંધાયેલા છે જેમણે એવા કામો કર્યા છે કે જેની કલ્પના કરવી પણ લગભગ અશક્ય છે. રાજા-મહારાજાઓની કહાનીઓ માત્ર તેમના વૈભવો અને વિચિત્રતાઓથી ભરેલી નથી, પરંતુ તેમના રહસ્યો પણ ઓછા નથી. આજે અમે તમને એવા જ એક શાસક વિશે જણાવીશું કે જે દરરોજ લગભગ 35 કિલો ખોરાક ખાતો હતો અને જમવા સાથે ઝેર લેતો હતો અને તેને ઈતિહાસનો સૌથી ઝેરી શાસક પણ કહેવામાં આવે છે.
આ શાસકનું નામ મહમૂદ બેગડો છે. મહમૂદની જીવનશૈલી અને ખાવાની ટેવ એટલી ડરામણી હતી કે તેના સંબંધીઓ અને નજીકના લોકો પણ તેનાથી ડરતા હતા. મહમૂદ બેગડાનું આખું નામ અબુલ ફત નસીર-ઉદ્દ-દિન મહમૂદ શાહ પ્રથમ હતું. જન્મ પછી તેનું નામ ફતહ ખાન રાખવામાં આવ્યું. તેણે પોતાને સુલતાન-અલ-બાર્ક, સુલતાન-અલ-બહરનું બિરુદ આપ્યું હતું.
મહમૂદ બેગડા ગુજરાતનો છઠ્ઠો સુલતાન હતો. તે ખૂબ જ નાની ઉંમરે રાજગાદી પર બેઠો હતો. તેણે 25 મે 1458 થી 23 નવેમ્બર 1511 સુધી ગુજરાત પર શાસન કર્યું. તેઓ ગુજરાતના સુલતાનોમાં સૌથી અગ્રણી સુલતાન હતા. જ્યારે તેઓ સિંહાસન પર બેઠા ત્યારે તેઓ માત્ર 13 વર્ષના હતા અને 52 વર્ષની ઉંમર સુધી શાસન કર્યું. તેણે જૂનાગઢ અને પાવાગઢ એમ બે કિલ્લાઓ જીત્યા હોવાથી તે બેગડા તરીકે ઓળખાતો હતો. તેણે ચાંપાનેરને પોતાની રાજધાની બનાવી હતી.
એક દિવસમાં 35 કિલો ખોરાક ખાતો હતો આ સુલતાન
ઈટાલિયન પ્રવાસી લુડોવિકો ડી વર્થેમાએ પણ પોતાના પુસ્તકમાં રાજાના આહાર વિશે લખ્યું છે. સુલતાન મહમૂદ બેગડો એક દિવસમાં લગભગ 35 કિલો ખોરાક ખાતો હતો, જેમાં સાડા 4 કિલોથી વધુ મીઠાઈનો સમાવેશ થતો હતો. તેને દરરોજ 4.6 કિલો મીઠા ચોખાની જરૂર પડતી હતી.
સુલતાન મહમૂદ બેગડો સવારના નાસ્તામાં એક મોટી વાટકી મધ, એક મોટી વાટકી માખણ અને 150 કેળા ખાઈ જતો હતો. દિવસભર જમવા ઉપરાંત તેને રાત્રે પણ ભૂખ લાગતી હતી, તેથી જ્યારે તે સૂતો હોય ત્યારે તેના પલંગ પાસે ખાવાનો સામાન રાખવામાં આવતો હતો, જેથી જાગતાની સાથે જો તેને ભૂખ લાગે તો તે કંઈક ખાઈ શકે.
જમવા સાથે પીતો હતો ઝેર
પોર્ટુગીઝ પ્રવાસી Duarte Barbosaએ 14મી સદીના અંતમાં ગુજરાતની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ગુજરાતના આ રાજાની જીવનશૈલીને નજીકથી નિહાળી હતી. તેમણે પોતાના પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે કે આ રાજા દરરોજ ખોરાકની સાથે અમુક માત્રામાં ઝેર લેતો હતો.
એવું કહેવાય છે કે એક વખત કોઈએ મહમૂદને મારવા માટે ઝેર આપ્યું હતું. આ પછી તેણે નક્કી કર્યું કે તે તેના શરીર પર એવી રીતે પ્રયોગ કરશે કે તેના પર ઝેરની ક્યારેય અસર ન થાય. આ જ કારણ છે કે નાનપણથી જ તેણે ખાવાની સાથે ઝેર પીવાનું શરૂ કર્યું. શરૂઆતમાં થોડી માત્રામાં ઝેર લેતો હતો પછી ધીમે ધીમે વધારે ઝેર પીવા લાગ્યો.
તેના ઝેરની હદનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય છે કે તેની સાથે શારીરિક સંબંધ રાખનાર મહિલાનું મોત થઈ જતું હતું. જો તેને મચ્છર કરડે તો તે પણ મરી જતું હતું. પોર્ટુગીઝ પ્રવાસી બાબોસાના પુસ્તક ‘ધ બુક ઓફ ડ્યુરેટ બાબોસા વોલ્યુમ 1’માં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઘણા રાજાઓ પોતાને ઝેરીલા બનાવતા હતા
જો કે, મહમૂદ બેગડા ઝેરનું સેવન કરનાર એકમાત્ર રાજા ન હતો. દુનિયામાં એવા ઘણા રાજાઓ અને બાદશાહો થયા છે. દરરોજ ઝેર લેવાથી ઝેરની આ સમગ્ર પ્રક્રિયાને મિથ્રીડેટિઝમ તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે ધીમે-ધીમે ઝેર શરીરમાં દાખલ કરીને તેને ઝેર સામે પ્રતિરોધક બનાવવામાં આવે છે.
આની પાછળનો ઈતિહાસ પણ રસપ્રદ છે. પોન્ટસ અને આર્મેનિયાના રાજા મિથ્રીડેટ્સ VIના પિતાને ઝેર આપીને હત્યા કરવામાં આવી હતી. આથી રાજા એટલો ડરી ગયો કે તેને દરેક પ્રકારની કલ્પનાઓ થવા લાગી. ભવિષ્યમાં તેની સાથે આવું ન થાય તે માટે, તે પોતે દરરોજ થોડું ઝેર પી લેતો જેથી તે મરી ન જાય.
ધર્મ બાબતે હતો સનકી
મહમૂદ બેગડાની ગણના ગુજરાત સલ્તનતના સૌથી શક્તિશાળી શાસકોમાં થાય છે. થોડા જ સમયમાં આ રાજાએ જૂનાગઢ અને પાવાગઢ જેવા વિસ્તારો પર કબજો કરી લીધો અને પોતાની સીમાઓ વિસ્તારતો રહ્યો. તે જે રાજા સામે જીત મેળવતો તે રાજાને ઈસ્લામ સ્વીકારવા મજબૂર કરતો હતો. જો રાજા ઈસ્લામ ના સ્વીકારે તો તેને મારી નાખતો હતો.
ગુજરાતમાં દ્વારકાધીશ મંદિર તોડવા પાછળ આ રાજાનો હાથ હતો. વર્ષ 1472માં તેણે આ મંદિરને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો, જેથી હિન્દુ ભગવાનમાંથી લોકોની શ્રદ્ધા ઓછી થાય. બાદમાં પંદરમી સદીમાં આ મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સુલતાન મહેમૂદ બેગડાએ પાવાગઢમાં પણ મંદિર નષ્ટ કરીને પીર સદનશાહની દરગાહમાં ફેરવ્યું હતું. જો કે, 500 વર્ષ બાદ મંદિર પર ફરીથી ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
માથા પર પાઘડીની જેમ બાંધતો હતો દાઢી
નાની ઉંમરે પિતાને ગુમાવ્યા બાદ સિંહાસન પર બેઠેલા રાજાની સાવકી માતા સિંધી હતી. તે પણ રાજાથી ડરતી હતી. રાજાને મોટી મૂછોનો શોખ હતો. તેની મૂછો ખૂબ લાંબી અને રેશમી હતી. એવું કહેવાય છે કે તે પાઘડીની જેમ માથાની આસપાસ દાઢી બાંધતો હતો. તેને લાંબી દાઢી અને મૂછવાળા લોકો પણ પસંદ હતા અને તેના મંત્રીમંડળમાં પણ મોટી મૂછોવાળા લોકોને પ્રાથમિકતા આપી હતી. તેની મૂછો બળદના શિંગડા જેવી મોટી અને વક્ર હતી.
મહમૂદ બેગડાનું ક્યારે થયું મોત ?
બેગડો માત્ર 12 વર્ષની ઉંમરે સુલતાન બન્યો અને 65 વર્ષની ઉંમર સુધી જીવ્યો. તેણે લગભગ 53 વર્ષ સુધી ગુજરાતના ચાંપાનેર, બરોડા, જૂનાગઢ, કચ્છ વગેરે વિસ્તારોમાં શાસન કર્યું. તેના શાસનમાં ભારતમાં પોર્ટુગીઝ પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ હતી. બેગડાએ તેમને રોકવા માટે નૌકાદળ તૈયાર કરી અને કાલિકટના હિંદુ રાજા સાથે મળીને 1507માં ચૌલ બંદર પાસે પોર્ટુગીઝોને હરાવ્યા. 1509માં પોર્ટુગીઝોએ દીવ અને દીવ નજીક ગુજરાતમાં કાલિકટની સંયુક્ત સેનાને હરાવી અને હિંદ મહાસાગર પર ફરીથી નિયંત્રણ મેળવ્યું. મહમૂદ બેગડાનું તે જ વર્ષે મોત થયું હતું.