બાંગ્લાદેશમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે પૂર્વ વડાપ્રધાન અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના નેતા ખાલિદા ઝિયાને નજર કેદમાંથી મુક્ત કરવામાં આવી છે. ખાલિદા ઝિયા પર તેમના પતિના નામે બનેલા અનાથાશ્રમમાંથી ભંડોળની ઉચાપત કરવાનો આરોપ હતો અને 2018 માં, તેમને ભ્રષ્ટાચારના બે આરોપોમાં 17 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
જોકે બાદમાં ખાલિદા ઝિયાને જેલમાં કેદ કરવાને બદલે, તેમના ગુલશન આવાસ પર જ નજરકેદ રાખવામાં આવી હતી, પરંતુ વચ્ચે ખરાબ તબિયતના કારણે તેમને ઘણી વખત હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. ગઈકાલ સોમવારે, શેખ હસીનાએ વડા પ્રધાન પદેથી રાજીનામું આપીને દેશ છોડી દીધો તેના થોડા કલાકો પછી, ખાલિદા ઝિયાની મુક્તિના આદેશો જાહેર કરવામાં આવ્યા હતા.
બાંગ્લાદેશમાં, અનામત ક્વોટા સામે વિદ્યાર્થીઓનો વિરોધ અચાનક સરકાર વિરોધી આંદોલનમાં ફેરવાઈ ગયો. જૂનમાં કોર્ટના નિર્ણય બાદ શરૂ થયેલો વિરોધ જુલાઇમાં હિંસક બન્યો અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં આંદોલને શેખ હસીના સરકારને ઉથલાવી નાખી. ગઈકાલ 5 ઓગસ્ટના રોજ શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડ્યા બાદ બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ વકાર ઉઝમાન રાષ્ટ્રપતિને મળ્યા હતા, ત્યારબાદ પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાની મુક્તિ માટેના આદેશો જાહેર કરવામાં આવ્યા હતા. તેમ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના પ્રવક્તાએ સમાચાર એજન્સી AFPને માહિતી આપી છે કે, ખાલિદા ઝિયા હવે મુક્ત છે.
બંગાળના જલપાઈગુડીમાં 15 ઓગસ્ટ 1945ના રોજ જન્મેલી ખાલિદા ઝિયાને તેના જન્મદિવસના 10 દિવસ પહેલા જ મોટી ભેટ મળી છે. રાજનીતિમાં ઝિયાનો પ્રવેશ બળવા દ્વારા જ થયો હતો. 1981 માં, તેમના પતિ અને બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ ઝિયા ઉર રહેમાનની બાંગ્લાદેશમાં અગાઉ થયેલા બળવામાં હત્યા કરવામાં આવી હતી, ત્યારબાદ ખાલિદા ઝિયાએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેણે ઝિયા ઉર રહેમાનની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના નેતા તરીકે રાજકીય સંઘર્ષ કરવાનું ચાલુ રાખ્યું અને અંતે 10 વર્ષ પછી તેઓ બાંગ્લાદેશની પ્રથમ મહિલા વડાપ્રધાન બની હતી.
જ્યારે, બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના આંદોલનને કારણે ફરી એકવાર તખ્તાપલટ થયો છે, આવી સ્થિતિમાં સવાલ એ ઉઠે છે કે શું આ તખ્તાપલટ ખાલિદા ઝિયાની રાજનીતિ માટે મોટો યુ-ટર્ન સાબિત થશે ? શું આ બળવા પછી ખાલિદા ઝિયા રાજકારણમાં વાપસી કરી શકશે ખરી ?
ખાલિદા ઝિયાની મુક્તિ બાંગ્લાદેશની રાજનીતિમાં મોટા પરિવર્તનનો સંકેત આપી રહ્યો છે. શેખ હસીનાની સત્તા પરથી વિદાય સાથે, ઝિયાની મુક્તિ મળવાની ઘટનાથી, એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે કદાચ તેમનો સમય ફરી એકવાર બદલાઈ જશે. ખાલિદા ઝિયા બાંગ્લાદેશની પ્રથમ મહિલા વડાપ્રધાન રહી છે, તેમણે લગભગ 10 વર્ષ સુધી બાંગ્લાદેશમાં સરકાર ચલાવી છે. 2009માં શેખ હસીના સત્તામાં પાછા ફર્યા પછી, તેઓ રાજકીય રીતે હાંસિયામાં ધકેલાઈ ગયા હતા.
જો કે, છેલ્લા કેટલાક કલાકોમાં ઘણુબધું બદલાઈ ગયું છે. ખાલિદા ઝિયાના કટ્ટર રાજકીય હરીફ એવા શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડી દીધું છે, તેના પુત્રએ તો એવો દાવો પણ કર્યો છે કે તે આ બળવાથી એટલો દુ:ખી છે કે તે ક્યારેય રાજકારણમાં પાછા નહીં આવે, પરંતુ શું શેખ હસીનાની ગેરહાજરી ખરેખર ખાલિદા ઝિયા માટે તક છે ખરી ? શું બાંગ્લાદેશના રાજકારણમાં ફરી એકવાર ખાલિદા ઝિયાનો નવો અધ્યાય શરૂ થશે ? આ તમામ પ્રશ્નોના જવાબ આગામી દિવસોમાં કે વર્ષોમાં બાંગ્લાદેશમાં ફરીથી સામાન્ય ચૂંટણીઓ યોજાશે ત્યારે મળી જશે.