અમદાવાદથી(Ahmedabad) 80 કિલોમીટર દૂર સ્માર્ટ સિટી ધોલેરામાં એરપોર્ટના(Dholera Airport) પ્રથમ તબક્કાનું કામ આગામી વર્ષે જાન્યુઆરીમાં શરૂ થશે. આ એરપોર્ટ બે વર્ષમાં એટલે કે વર્ષ 2024 માં તૈયાર થઈ જશે. જેની માટે રાજસ્થાનના જોધપુરની એક કંપનીને પ્રથમ તબક્કાના બાંધકામની કામગીરી ફાળવવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના(AAI) સહયોગથી રચાયેલી કંપની ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ કંપની દ્વારા તેને બનાવવામાં આવી રહ્યું છે.
આ એરપોર્ટ લગભગ 1700 એકરમાં બનશે. જેમાં એક નવું ટર્મિનલ અને બે મોટા રનવે બનાવવામાં આવશે. આ એરપોર્ટ ધોલેરાથી લગભગ 20 કિમી દૂર નવાગામ ખાતે બનાવવામાં આવી રહ્યું છે. આ એરપોર્ટના નિર્માણ બાદ અમદાવાદ એરપોર્ટને ભારે એર ટ્રાફિકમાંથી મુક્તિ મળશે.
અમદાવાદથી ધોલેરા વચ્ચે 109 કિલોમીટરનો એક્સપ્રેસ વે પણ બનાવવામાં આવી રહ્યો છે. આ એક્સપ્રેસ વે દ્વારા એરપોર્ટને જોડવામાં આવશે. આ ગ્રીનફિલ્ડ એરપોર્ટમાં બે રનવે બનાવવામાં આવી રહ્યા છે. જે 3200 મીટર અને 4000 મીટરના હશે. એરપોર્ટની ક્ષમતા વાર્ષિક 15 લાખ મુસાફરોની હશે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI)એ 986.91 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય એરપોર્ટના રનવે, ટેક્સી વે, એપ્રોન, રોડ નેટવર્ક સહિતના સિવિલ કામો માટે ટેન્ડર મંગાવ્યા હતા. આ કામ માટે લગભગ 17 કંપનીઓએ ટેન્ડર ભર્યું હતું. જેમા ટેન્ડર જોધપુર સ્થિત કંપનીને ફાળવવામાં આવ્યું છે.
આ પ્રથમ તબક્કાનું નિર્માણ કાર્ય વર્ષ 2025 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. જ્યારે એરપોર્ટનો બીજો તબક્કો શરૂ કરવામાં આવશે, જેની વાર્ષિક ક્ષમતા 50 લાખ મુસાફરોની હશે.
આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર પ્રોજેક્ટ (DMIC) હેઠળ ધોલેરા ખાતે બનાવવામાં આવી રહ્યું છે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ ઝોન (ડીએસઆઇઆર) ની ઉત્તરે સ્થિત પ્રસ્તાવિત એરપોર્ટ માત્ર ડીએસઆઇઆર અને તેની આજુબાજુના વિસ્તારોની જરૂરિયાતોને જ પૂરી નહીં કરે પણ અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એર ટ્રાફિક પણ ઘટાડશે.
ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ માટે 1,427 હેક્ટર જમીન ફાળવી છે. 75 હેક્ટર સરકારી જમીન વ્યાવસાયિક વિકાસ માટે આપવામાં આવી છે.
એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)ના ચેરમેન સંજીવ કુમારે જણાવ્યું હતું કે ધોલેરા ખાતે આયોજિત મલ્ટીમોડલ કમ્યુનિકેશન લિંક્સ મહત્વપૂર્ણ છે કારણ કે સ્માર્ટ સિટીઓ દેશના અન્ય ઔદ્યોગિક શહેરો માટે મોડેલ છે. એરપોર્ટનો પ્રથમ તબક્કો આગામી જાન્યુઆરીમાં શરૂ થશે. જેમાં ડિસેમ્બર 2024 સુધીમાં 3200 મીટરના રનવેનું બાંધકામ પૂર્ણ કરવાની યોજના છે.
આ પણ વાંચો : પીએમ મોદી સોમવારે ‘ઇન્ડિયન સ્પેસ એસોસિએશન’ કરશે લોન્ચ, સંસ્થામાં ઘણી મોટી કંપનીઓ છે સામેલ
આ પણ વાંચો : મહેંદી હત્યા કેસમાં સચિન દીક્ષિત સામે ગુનો નોંધાયો, સમગ્ર મામલાની તપાસ માટે SITની રચના કરાઈ