Valsad: ગુજરાતનું ચેરાપુંજી કહેવાતા કપરાડા તાલુકાના લોકોને દર વર્ષે ઉનાળામાં પાણી માટે વલખાં મારવાં પડે છે
આ વિસ્તારમાં ચોમાસામાં રાજ્યના અન્ય વિસ્તારોની સરખામણીમાં સૌથી વધુ વરસાદ વરસે છે, પરંતુ તેમ છતાં કડવી વાસ્તવિકતા એ છે કે સૌથી વધુ વરસાદનો વૈભવ ધરાવતા કપરાડા તાલુકામાં ઉનાળામાં પાણીની સમસ્યા સર્જાય છે.
વલસાડ (Valsad) જિલ્લાનું કપરાડા (Kaprada) આમ તો ગુજરાત (Gujarat) નું ચેરાપુંજી કહેવાય છે. જોકે ઉનાળા (summer) માં ગુજરાત – મહારાષ્ટ્ર સરહદ ઉપર આવેલા મોટાભાગના ગામના લોકો પાણી (water) માટે વલખા મારે છે. ઉનાળામાં પાણી તેમના માટે અમૃત બની જાય છે અને પાણીની એક એક બુંદ તેમના માટે લોહીના ટીપા કરતા પણ કિંમતી થઇ જાય છે. કલાકો સુધી રઝળીને 2 ઘડા પાણી મેળવવા અહીના ગરીબ આદિવાસી મજબૂર છે. તો કેટલાક વિસ્તારમાં જીવના જોખમે તેમણે પાણી ભરવું પડી રહ્યું છે.
કપરાડા તાલુકાના ઘોટવળની મહિલાઓને એક ઘડો પાણી મેળવવા માટે જીવના જોખમે કુવામાં ઉતરવું પડે છે. વલસાડ જિલ્લાના અંતરિયાળ પહાડી વિસ્તાર એવા કપરાડા તાલુકાના છેવાડે આવેલા ઘોટવળ ગામના મૂળ ફળિયાના લોકો પીવાના પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ગામના મૂળ ફળિયામાં એક હજારથી વધુ લોકો રહે છે. જોકે તેમ છતાં આ પહાડી વિસ્તારમાં આ ફળિયાના લોકો માટે પીવાના પાણીનો એક માત્ર સ્ત્રોત એક હેન્ડપંપ અને એક કૂવો છે. પીવાના પાણી માટે લોકો કૂવા અને હેન્ડ પંપ પર નિર્ભર રહે છે. જોકે ઉનાળામાં એમાં પણ પાણીના તળ નીચે જતા રહે છે.આથી નજીવું પાણી જ મળે છે. જેથી મહિલાઓ એ વહેલી સવારે ઊઠીને આ ફળિયાથી દૂર જંગલ અને પહાડી વિસ્તારમાં એક કિલોમીટર દૂર જવું પડે છે.અત્યારે કૂવામાં પણ પાણીના તળ નીચે વહી ગયા છે. આથી કૂવામાંથી પાણી મેળવવા માટે મહિલાઓ અને લોકોએ પોતાના જીવને જોખમમાં મુકી અંદર ઉતરવું પડે છે. કૂવાના તળિયે ઉતર્યા બાદ વાટકે વાટકે ડબલામાં પાણી ભરી અને કૂવામાંથી બહાર ખેંચવામાં આવે છે. ત્યારબાદ તેમના નસીબમાં પાણી મળે છે. આમ એક બેડું પાણી મેળવવા માટે મહિલાઓએ જીવને પણ જોખમમાં મુકવો પડે છે. આથી વર્ષોથી આ સમસ્યાના સમાધાન માટે હવે વહેલી તકે સરકાર પીવાના પાણીની સુવિધા ઉભી કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
રાજ્યનું ચેરાપુંજી મનાતા આ વિસ્તારમાં ચોમાસામાં રાજ્યના અન્ય વિસ્તારોની સરખામણીમાં સૌથી વધુ વરસાદ વરસે છે, પરંતુ તેમ છતાં કડવી વાસ્તવિકતા એ છે કે સૌથી વધુ વરસાદનો વૈભવ ધરાવતા કપરાડા તાલુકામાં ઉનાળામાં પાણીની સમસ્યા સર્જાય છે. આ સમસ્યા એક બે ગામોની નહિ પરંતુ આ પહાડી વિસ્તારમાં આવેલા અસંખ્ય અંતરિયાળ ગામોમાં સર્જાય છે. લોકોએ એક બેડું પાણી માટે કલાકો સુધી જંગલો અને પહાડી વિસ્તારમાં રઝળપાટ કરવો પડે છે. આથી આ વિસ્તારમાં પાણીની સુવિધા ઊભી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. કપરાડા તાલુકો રાજ્યના નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીનો મતવિસ્તાર છે. આ વિસ્તારની પાણીની સમસ્યા અંગે તેઓએ પણ અનેક વખત અગાઉ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. જોકે હવે તેઓ પાણી પુરવઠા મંત્રી છે આથી આ વિસ્તારની પાણીની સમસ્યાને તેઓ પોતે પણ સ્વીકારે છે. સાથે આ વિસ્તારના પીવાના પાણીની સમસ્યાના સમાધાન માટે આકાર લઇ રહેલી અસ્ટોલ પાણી પુરવઠા યોજના પૂરી થયા બાદ આ સમસ્યાનો અંત આવશે તેમ પાણી પુરવઠા મંત્રી જણાવી રહ્યા છે.
હજુ તો ઉનાળાથી શરૂઆત છે અને અહીંના લોકો એ પાણીની સમસ્યાથી રઝળવાનો વારો આવ્યો છે. હજુ આખો ઉનાળો બાકી છે અને જે કુવાવામાંથી ગ્રામજનો પાણી ભારે છે એમાં બહુ ઓછું પાણી ઝરે છે અને તે એકઠું થાય ત્યારે તે પાણી ભારે છે. ત્યારે આવનાર સમય વધુ વિકટ બનશે એમાં કોઈ બે વાત નથી. દિનપ્રતિદિન કપરાડા તાલુકામાં પાણીની સમસ્યામાં વધારો થશે. વધુ ગામના લોકો પાણી મેળવવા માટે તપસ્યા કરતા દેખાશે. ત્યારે આદિકાળથી પાણીની સમસ્યાથી ઝઝુમતા લોકોને ક્યારે છુટકારો મળશે એ ખબર નથી. તો બીજી બાજુ સરકાર ગ્રામ્ય વિસ્તારના વિકાસ ની વાતો ચોપડે બતાવીને પોતાની પીઠ થપથપાવી રહી છે. ગુજરાતને મોડલ તરીકે દેશ અને દુનિયાની સામે મૂકવામાં આવી રહ્યું છે. જોકે આ સત્ય વાસ્તવિકતા છે કે ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં વિકાસ માત્ર કાગળ ઉપર જ છે.
આ પણ વાંચોઃ Surat : વાલીઓ પર મોંઘવારીનો બેવડો માર, સંતાનોના શિક્ષણ ખર્ચમાં બમણો વધારો
આ પણ વાંચોઃ અમિત શાહ આજે સાંજે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે, વિવિધ લોકાર્પણો સાથે સહકારી આગેવાનો સાથે બેઠકો કરશે
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો