વડોદરામાં વરસાદ અને પૂર બાદ ધોવાણ થઇ ગયેલો રોડ બનાવવા ભાજપના કાર્યકરે લોકફાળો ઉઘરાવ્યો, ફાળો પાલિકામાં જમા કરાવશે
વડોદરામાં મહાનગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી ભાજપનુ શાસન છે. છતા રોડ રસ્તાની કામગીીર માટે ભાજપના કાર્યકરો જ લોકફાળો ઉઘરવવો પડે તેવી નોબત આવી છે. વડોદરામાં ચોમાસા દરમિયાન પડેલા અતિ ભારે વરસાદ અને પૂરની સ્થિતિ બાદ રસ્તાઓનું મોટાપાયે ધોવાણ થયુ છે અને ઠેર-ઠેર રસ્તાઓ પર ખાડા પડ્યા છે. આ રસ્તાના સમારકામ કરવા માટે હવે ભાજપના કાર્યકરે લોકફાળો ઉઘરાવવાનું શરૂ કર્યુ છે. આ લોકફાળો જમા કરી ભાજપના કાર્યકરો રોડ બનાવવા માટે પાલિકાને આપશે.
વડોદરાના હરણી વિસ્તારમાં રોડ રસ્તાની હાલત ભારે ખરાબ છે. પૂર બાદ તો લોકો રોડ પર નહીં ખાડામાં વાહન ચલાવીને અવરજવર કરતા હોય એવો લોકો રોજ અનુભવ કરી રહ્યા છે ત્યારે ભાજપના કાર્યકર આકાશ પટેલે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ રોડ-રસ્તાની હાલત નહીં સુધરતા હવે અનોખી રીતે વિરોધ શરૂ કર્યો છે. આકાશ પટેલ દ્વારા ભાજપનો ખેસ પહેરીને લોકો પાસેથી રોડ બનાવવા માટેનો ફાળો ઊઘરાવવામાં આવી રહ્યો છે. જેમાં પ્રથમ દિવસે લોકોએ રૂપિયા 251 આપ્યા હતા. આખો મહિનો આ રીતે તેઓ લોકફાળો ઉઘરાવશે અને જમા થયેલો ફાળો પાલિકામાં જમા કરાવશે.
અનેક વખત રજૂઆત વડોદરામાં ભારે વરસાદ અને પૂર બાદ પાલિકા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને હરણી મોટનાથ મહાદેવ મંદિર આગળના વિસ્તારોમાં રોડ-રસ્તા તથા અન્ય સમસ્યાઓથી લોકો ત્રસ્ત છે. આ મુદ્દે ભાજપના કાર્યકર આકાશ પટેલ ખૂબ સક્રિય રહીને ઉકેલ લાવવા માટે પ્રયત્નશીલ છે. ત્યારે તેમની અનેક રજૂઆતો છતાં રોડ-રસ્તાની સમસ્યાનો કોઇ હલ નહી આવતા આખરે તેણે પાલિકાના ભાજપા સત્તાધીશો સામે આંદોલન કરવાની ફરજ પડી છે. ભાજપના કાર્યકર આકાશ પટેલે ભાજપનો ખેસ પહેરીને રોડ બનાવવા માટેનો લોકફાળો એકત્ર કરવાની ઝુંબેશ શરૂ કરતાં ચર્ચાઓ શરૂ થઈ હતી.
મોડી રાતથી આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં આકાશ પટેલે ખેસ સાથે રોડ પર બેસીને તેની હાલત ઉજાગર કરી હતી. ત્યારબાદ વિસ્તારમાં અલગ-અલગ લોકો સુધી પહોંચીને તેમની પાસેથી ડબ્બામાં રોડ-રસ્તા માટે ફાળો ઉઘરાવ્યો હતો. આકાશ પટેલનું કહેવું છે કે, આ ફાળો એક મહિના સુધી તેઓ ઊઘરાવશે. ત્યારબાદ તેમાંથી એકત્ર થયેલા નાણાં પાલિકાની કચેરીએ જઇને આપશે અને રોડ બનાવવાની કામગીરી કરાવશે. જો કે તંત્ર પોતે કામગીરી કરતા હોવાનું જણાવી રહ્યા છે.
મહત્વનું છે કે વડોદરા શહેરની જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ તેને લઈને સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત અને ના ફક્ત હરણી વિસ્તાર પરંતુ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ રસ્તાની હાલત અત્યંત દયનીય છે જ્યારે ભાજપના જ આગેવાનો દ્વારા કાર્યકરો દ્વારા આ પ્રકારનું વલણ અપનાવવામાં આવતું હોય ત્યારે શહેરની પરિસ્થિતિને સમજી તંત્ર દ્વારા યોગ્ય કાર્ય કરવી જોઈએ તેવું સ્થાનિકો પણ માની રહ્યા છે.