Cyclone Biparjoy: વાવાઝોડાને લઈ સુરત જિલ્લાના 42 ગામો એલર્ટ, મંત્રી મુકેશ પટેલે ડભારીના ગામોની લીધી મુલાકાત
વાઝોડાના સંકટ વચ્ચે હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે જેમાં રાજ્યના કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેની વચ્ચે મંત્રી મુકેશ પટેલે ડભારી દરિયા કિનારે આવેલા ગામોની મુલાકાત લીધી હતી.
Surat: બિપોરજોય વાવાઝોડાને (Cyclone Biparjoy) લઈને સુરત જિલ્લામાં તંત્ર એલર્ટ મોડમાં છે. ત્યારે આજે મંત્રી મુકેશ પટેલે ડભારી દરિયા કિનારે આવેલા ગામોની મુલાકાત લીધી હતી અને તંત્ર દ્વારા થતી કામગીરીનો ચિતાર મેળવ્યો હતો. મંત્રી મુકેશ પટેલે (Mukesh Patel) જણાવ્યું હતું કે વાવાઝોડાની સ્થિતિને લઈને સરકારે આગોતરું આયોજન કરી લીધું છે.
ગતરોજ પણ ડભારીના આસપાસના ગામોની વિઝીટ કરી હતી. સુરત જિલ્લાના ત્રણ તાલુકાના 42 ગામો એલર્ટ કરવામાં આવ્યા છે. ડભારીના 21 ગામોને અસર થઇ શકે છે. ત્યારે તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ અહી કરી લેવામાં આવી છે. ગામના સ્લમ વિસ્તારોમાં રહેતા લોકોને જો સ્થળાંતરની જરૂર પડે તો તેની તમામ વ્યવસ્થા પણ કરી લેવામાં આવી છે. શેલ્ટર હોમની પણ વ્યવસ્થા કરી લેવામાં આવી છે. NDRFની ટીમ પણ તૈનાત કરી દીધી છે.
આ ઉપરાંત ડભારી અને સુંવાલીનો બીચ પણ સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આરોગ્યની ટીમ પણ તૈનાત કરી દીધી છે. આ ઉપરાંત દરિયો ખેડવા જતા લોકોને દરિયામાં ન જવા સુચના આપી છે તેમજ દરિયામાં જે લોકો ગયા હતા તેઓને પરત બોલાવી લેવાયા છે. હજીરાની રો-રો ફેરી પણ બંધ કરવામાં આવી છે. મુખ્યમંત્રી સહિતના તમામ મંત્રીઓ જે જગ્યાએ વાવાઝોડાની અસર થવાની છે ત્યાં પહોચી ગયા છે.
આ તરફ સુરતના સુવાલી દરિયામાં બિપોરજોય વાવાઝોડાની અસર વર્તાઈ છે. દરિયામાં ભારે કરંટ જોવા મળતા 6થી 8 ફૂટના ઉંચા મોજા ઉછળ્યા હતા. દરિયા કિનારે 50 કિમીના ઝડપે પવન ફૂંકાતા ફૂડ સ્ટોલના છાપરાના શેડ ઉડવા લાગ્યા હતા.
આ પણ વાંચો : ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ કરી દરિયાની પૂજા, વાવાઝોડાનું સંકટ ટાળવા કરી પ્રાર્થના, જુઓ Video
સુવાલી અને ડુમસના દરિયાએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા તંત્ર સજ્જ થઈ ગયું છે. પવનની ગતિ તીવ્ર હોવાથી દરિયાકાંઠાના 42 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તલાટીઓને હેડ કવાર્ટર ન છોડવાની સૂચના આપી છે. વાવાઝોડાની અસર કચ્છમાં મોટા પાયે થશે તેવું સામે આવ્યું છે. જેને પગલે 13 થી 15 જૂન કચ્છ જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ-કોલેજો વિદ્યાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો