સૌથી મોટી છેતરપિંડી! રૂ. 22,843 કરોડના ફ્રોડમાં તપાસનો ધમધમાટ, CBIએ સુરત, મુંબઈ સહિત 13 સ્થળે દરોડા પડી દસ્તાવેજો જપ્ત કર્યા
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના આધારે CBIએ ABG કંપની અને તેના ડાયરેક્ટરોની ઓફિસો અને અન્ય સ્થળો પર દરોડા પાડ્યા છે જ્યાંથી ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા હતા
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ શનિવારે ABG શિપયાર્ડ્સ અને તેના ડિરેક્ટર્સ સામે દાખલ કરાયેલા 22,842 કરોડ રૂપિયાના લોન ફ્રોડ કેસમાં 13થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા. કંપની અને તેના ડાયરેક્ટરોની ઓફિસો અને જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. સીબીઆઈનો દાવો છે કે તેણે ગુનાહિત દસ્તાવેજો રિકવર કર્યા છે.
સીબીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેઓએ સુરત, ભરૂચ, મુંબઈ, પુણેમાં 13 થી વધુ સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જ્યાંથી ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના આધારે CBIએ ABG શિપયાર્ડ્સના ડિરેક્ટર રિશી અગ્રવાલ અને સંથાનમ મુથુસ્વામીના નામ પર FIR દાખલ કરી હતી.
આરોપીઓએ અગાઉની સ્ટેટ બેંક ઓફ પટિયાલા, કોમર્શિયલ ફાયનાન્સ બ્રાન્ચ, નવી દિલ્હી, અગાઉની સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર, કોમર્શિયલ બ્રાન્ચ, નવી દિલ્હી, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ઓવરસીઝ બ્રાન્ચ, મુંબઈ સહિત 28 બેંકોના કન્સોર્ટિયમ સાથે છેતરપિંડી કરી છે. આરોપીઓએ ભેગા મળીને બેંક દ્વારા જે હેતુ માટે ફંડ રીલીઝ કરવામાં આવ્યું હતું તે સિવાયના હેતુ માટે ફંડને ડાયવર્ટ કરીને અનય પ્રવૃતિઓ કરી હતી.
કરોડો ડોલરની ખોટથી કંપનીની સ્થિતિ વણસી
સુરતના મગદલ્લામાં 1985માં શરૂ થયેલી એબીજી શિપયાર્ડ જહાજ બનાવવાનું અને મેઇન્ટેનન્સનું કામ કરતી હતી. 1991 સુધી સારો નફો કર્યો. દેશ-વિદેશમાંથી ઓર્ડર મળવા લાગ્યા પણ 2016માં કંપનીને 55.7 કરોડ ડોલરની ખોટ ગઇ. વેપાર ઘટતાં ટર્નઓવર ઘટ્યું. કંપનીનો ખર્ચ વધુ હોવાથી અને બિઝનેસ ઘટવાથી ખોટ વધતી ગઇ. વૈશ્વિક મંદીમાંથી પણ બેઠી ન થઇ શકી. અમુક હિસ્સો રશિયન કંપનીને વેચવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
રકમ સંબંધિત પક્ષોને ટ્રાન્સફર કર્યા બાદ એડજસ્ટમેન્ટ એન્ટ્રીઓ કરાઈ હતી
એબીજી શિપયાર્ડ્સ દ્વારા કથિત રીતે મોટી રકમ તેના સંબંધિત પક્ષોને ટ્રાન્સફર કરવામાં આવી હતી અને ત્યારબાદ એડજસ્ટમેન્ટ એન્ટ્રીઓ કરવામાં આવી હતી. બેંક લોન ડાયવર્ટ કરવામાં આવી હતી અને વિદેશી સબસિડિયરીમાં જંગી રોકાણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ ભંડોળ તેના સંબંધિત પક્ષોના નામે વિશાળ સંપત્તિ ખરીદવા માટે ડાયવર્ટ કરવામાં આવ્યું હતું, તેમ સીબીઆઈના અધિકારીએ જણાવ્યું હતું.
ફોરેન્સિક ઓડિટમાં માલુમ પડ્યું
ફોરેન્સિક ઓડિટમાં માલુમ પડ્યું છે કે, વર્ષ 2012-17 વચ્ચે આરોપીઓએ કથિત રીતે મિલિભગત કરીને સંપત્તિનો દુરુપયોગ કર્યો હતો. લોન કોઈ બીજા હેતુથી લેવાઈ હતી અને પૈસાનો ઉપયોગ બીજા કામમાં કર્યો. બાદમાં બેંકોએ 2016માં આ કંપનીના ખાતા એનપીએ અને 2019માં ફ્રોડ એકાઉન્ટ જાહેર કરાયા હતા.
છેતરપિંડીનો ભોગ બનેલી મુખ્ય બેન્કો
ABGની બંને કંપનીઓ દ્વારા 28 બેન્કો સાથે છેતરપિંડી કરવામાં આવી છે તેમાં 6 બેન્કોએ સૌથી વધુ રૂપિયા ગુમાવ્યા છે. આ 6 બેન્કોમાં આઇસીઆઇસીઆઇના 7,089 કરોડ, આઇડીબીઆઇના 3,634 કરોડ, એસબીઆઇના 2,925 કરોડ, બેન્ક ઓફ બરોડાના 1,614 કરોડ, પંજાબ નેશનલ બેન્કના1,244 કરોડ અને ઇન્ડિયન ઓવરસીઝ બેન્કના 1,228, કરોડ રૂપિયા ડૂબી ગયા છે.
દોઢ વર્ષ સુધી ચાલી તપાસ, બાદમાં FIR દાખલ કરી
બેંકે સૌથી પહેલા 8 નવેમ્બર 2019ના રોજ ફરિયાદ દાખલ કરી હતી. જેના પર સીબીઆઈએ 12 માર્ચ 2020ના રોજ અમુક સ્પષ્ટીકરણ માગ્યા હતા. બેંકે તે વર્ષે ઓગસ્ટમાં એક નવી ફરિયાદ નોંધાવી હતી. દોઢ વર્ષથી વધારે સમય સુધી તપાસ કર્યા બાદ સીબીઆઈએ 7 ફેબ્રુોઆરી 2022ના રોજ FIR નોંધવી ફરિયાદ પર કાર્યવાહી કરી છે.
આ પણ વાંચોઃ Vadodara: વીમા પોલિસીના T&C પ્રાદેશિક ભાષામાં આપવા ગ્રાહક ફોરમનું સુચન
આ પણ વાંચોઃ SURAT : AAPના વધુ બે કોર્પોરેટર સંપર્ક વિહોણા થયા, કોર્પોરેટર ભાજપમાં જોડાય તેવા એંધાણ