કોરોનાની રસીનો બીજો ડોઝ લેવા માટે લોકોમાં જાગૃતતા આવે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા નોક ધ ડોર ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત છેલ્લા એક અઠવાડિયામાં 1.30 લાખથી વધારે લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. અત્યાર સુધી કોરોનાની વેક્સિનનો પહેલો ડોઝ લેનારા લોકોની સંખ્યા વધુ હતી. જેના પગલે મહાનગરપાલિકા દ્વારા ઘરે ઝઈને રસી આપવા માટેની સ્પેશ્યલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી.
આ ખાસ ઝુંબેશના કારણે હવે પ્રથમ અને બીજા ડોઝ લેનારાઓની સંખ્યા સમાંતર થવા આવી છે. કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ 84 દિવસ પછી બીજો ડોઝ લેવાનો હોય છે. બીજા ડોઝ લેવા માટેની સમય અવધિ આવી ગઈ હોવા છતાં પણ શહેરીજનો બીજો ડોઝ લેવા આવતા ન હોય મહાનગરપાલિકાની ચિંતામાં વધારો થયો હતો.
પરિણામે લોકોમાં અવેરનેસ લાવવા માટે મહાનગરપાલિકા દ્વારા નોક ધ ડોર ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા એક યાદી તૈયાર કરવામાં આવી હતી. જેના આધારે જે વ્યક્તિનો બીજો ડોઝ લેવાનો બાકી હોય તેનો સંપર્ક કરીને તેમને રસી લેવાની ફરજ મહાનગરપાલિકા દ્વારા પાડવામાં આવી હતી.
મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી ઝુંબેશ પહેલા એક અઠવાડિયામાં 50 થી 60 હજાર લોકોએ રસીનો બીજોડોઝ લીધો હોવાનું નોંધાયું હતું. જો કે નોક ધ ડોર કેમપેઇન અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં 1.30 લાખ થી વધુ લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે 17 જાન્યુઆરી,2021થી મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશન ઝુંબેશ શરુ કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ, કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી હતી. ત્યારબાદ તબક્કાવાર 18 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિનેશન અભિયાનમાં આવરી લેવામાં આવ્યા હતા.
બીજા ડોઝ કરતા પ્રથમ ડોઝ લેનારાની સંખ્યા સમાંતર કરવા માટે મનપા દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયામાં મનપા દ્વારા કુલ 2,83,108 વ્યક્તિને કોરોનાની રસી આપવામાં આવી છે. જે પૈકી 1,54,084 વ્યક્તિઓને પ્રથમ અને 1,29,024 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
સંક્ર્મણ ઓછું થતા હવે ફક્ત 12 કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જ રાખવામાં આવ્યા છે. જેમાં 200 પરિવારોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચોઃ Surat : ઘરે જ ઇકો ફ્રેન્ડલી ગણપતિની પ્રતિમા બનાવવા બાળકોને કરાયા પ્રોત્સાહીત
આ પણ વાંચોઃ Ahmedabad : પાલિકાની બેદરકારીનો વધુ એક નમૂનો, TDR પોલીસી લાગુ ન કરાતાં 2700 હેરિટેજ મકાનો સામે જોખમ