વડાલી નજીક રાજસ્થાનથી આવતા વેપારીની કાર આંતરી હથિયાર બતાવી 65 લાખ રુપિયાની લૂંટ
સાબરકાંઠા જિલ્લાના વડાલી નજીક 65 લાખ રુપિયાની લૂંટ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. કારમાં રાજસ્થાન તરફથી આવી રહેલા વેપારીને એક અજાણી કારમાંથી ઉતરેલા શખ્શોએ હથિયાર બતાવીને લૂંટ આચરી હતી. ઘટનાને પગલે ઈડર ડીવાયએસપી સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. સાથે જ નાકાબંધી જિલ્લામાં આપવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લાના વડાલી નજીક હથિયાર બતાવીને લૂંટ આચરવાની ઘટના સામે આવી છે. શુક્રવારે અજાણ્યા શખ્શોએ વેપારીની કારને રોકીને લૂંટને અંજામ આપ્યો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. રાજસ્થાનના કોટડા છાવણીથી વડાલી તરફ આવી રહેલા વેપારીની કારને અજાણી કારે અટકાવી હતી. જે કારમાંથી ઉતરેલા શખ્શોએ હથિયાર બતાવીને વેપારી પાસે રહેલ રોકડ રકમ ભરેલ થેલો લઈને કારમાં શખ્શો ફરાર થઈ ગયા હતા.
ઘટનાને પગલે વડાલી અને ઈડર પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ઈડર ડીવાયએસપી સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચીને તપાસ શરુ કરવામાં આવી હતી. આ દરમિયાન જિલ્લાના જોડતા તમામ માર્ગો પર નાકા બંધી કરાઈ હતી. એલસીબી અને એસઓજીની ટીમ પણ લૂંટની ઘટનાને લઈ તપાસમાં જોડાઈ ગઈ હતી.
65 લાખની લૂંટ
વેપારીએ પોલીસને આપેલ પ્રાથમિક વિગતોનુસાર તેની પાસે 65 લાખ રુપિયાની રોકડ ભરેલ થેલો હતો. તે થેલામાં રહેલી રકમ લઈને હિંમતનગર આવી રહ્યો હતો. એ દરમિયાન તેની સાથે આ ઘટના બની હતી. વેપારીએ પોલીસને બતાવ્યુ હતુ કે, તે કોટડા છાવણીમાં કરિયાણાનો વેપાર કરે છે અને કેટલીક ગુટખા અને પાનમસાલાની પડીકીના વેચાણની ઉઘરાણી કરીને રકમ લઈને આવ્યો હતો. જે રકમ લઈને હિંમતનગર જતો હતો, એ દરમિયાન તેને લૂંટી લેવાયો હતો. અંતરિયાળ વિસ્તારમાંથી આવડી મોટી રકમ લઈને આવવાને લઈ પોલીસે તમામ આશંકાઓ સાથે તપાસ શરુ કરી છે.
આ પણ વાંચોઃ IPL 2024 ની હરાજીમાં ગુજરાતના આ ખેલાડીઓના કિસ્મત ચમકશે! જુઓ યાદી
સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો