ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ ઉદય કાનગડ ? સોશિયલ મિડીયામાં પોસ્ટ વાયરલ,ભાજપના ગ્રૃપમાં મળવા લાગી શુભેચ્છાઓ !
ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ પદ માટે ઉદય કાનગડનું નામ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પોસ્ટને કારણે ચર્ચામાં છે. રાજકોટના ભાજપના વોટ્સએપ ગ્રુપમાં ફેલાયેલી આ પોસ્ટમાં 6 એપ્રિલે તેમના નામની જાહેરાતનો ઉલ્લેખ છે. કાનગડ રાજકોટ પૂર્વના ધારાસભ્ય અને સિનિયર ભાજપ નેતા છે. આ પોસ્ટના કારણે ઓબીસી નેતાને પ્રમુખ બનાવવાની ચર્ચાએ ફરી જોર પકડ્યુ છે.

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ના નામનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે.રાજ્યભરના ભાજપના કાર્યકર્તાઓ નામને લઇને આતુરતાથી રાહ જોઇ રહ્યા છે ત્યારે રાજકોટ ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મિડીયાના ગ્રુપમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે ઉદય કાનગડનું નામ નક્કી છે તેવી પોસ્ટ મુકવામાં આવી છે એટલું જ નહિ પોસ્ટમાં ઉલ્લેખ કરાયો છે કે ઉદય કાનગડ આગામી ૬ એપ્રિલના રોજ વિધીવત નામ જાહેર થયે વિધીવત રીતે ચાર્જ સંભાળશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વોર્ડ નંબર ૧ ના વોટ્સઅપ ગ્રુપમાં આ પોસ્ટ વાયરલ થતાં ગુજરાતમાં રાજકીય ચર્ચાઓ શરૂ થઇ છે.
આ વખતે ઓબીસી નેતાને પ્રમુખ બનાવે તેવી ચર્ચા !
ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે ઓબીસી નેતાને સ્થાન મળી શકે છે આ વાતની ચર્ચાઓ વચ્ચે ઉદય કાનગડનું નામ ચર્ચામાં આવ્યું હતું. અગાઉ પણ રાજ્યસભાના સાંસદ મયંક નાયક અને રાજકોટ પૂર્વના ધારાસભ્ય ઉદય કાનગડના નામની ચર્ચાઓ ચાલી હતી તેની વચ્ચે આ પોસ્ટ વાયરલ થતાં ચર્ચાઓ શરૂ થઇ છે.
કોણ છે ઉદય કાનગડ ?
ઉદય કાનગડ રાજકોટ ભાજપના સિનીયર આગેવાન છે. હાલમાં તેઓ રાજકોટ પૂર્વના ધારાસભ્ય છે તથા પ્રદેશ બક્ષીપંચ મોરચાના વરિષ્ઠ આગેવાન છે. ભાજપ દ્રારા સંગઠન પર્વની શરૂઆત કરવામાં આવી જેમાં ઉદય કાનગડને ચૂંટણી ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે.સી આર પાટીલ સાથે ઘરોબો ધરાવતા ઉદય કાનગડને પ્રદેશ અથવા સરકારમાં મહત્વની જવબદારી મળે તેવી પૂરી શક્યતાઓ વર્તાઇ રહી છે.
જોગાનુજોગ ઉદય કાનગડ દિલ્લીની મુલાકાતે
એક તરફ ઉદય કાનગડના પ્રદેશ અધ્યક્ષના નામની ચર્ચાઓ ચાલી રહી છે બીજી તરફ ઉદય કાનગડે તાજેતરમાં જ દિલ્લીની મુલાકાત લીધી છે. દિલ્લીમાં તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સહિતના આગેવાનોની સાથે મુલાકાત કરી હતી. ગુજરાતના નવા સંગઠનની નિમણૂકો અને પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાતને હવે ગણતરીના દિવસો બાકી છે. તેની વચ્ચે ભાજપના નવા અધ્યક્ષ કોણ હશે તે સસ્પેન્સ છે. ભાજપ હંમેશા અપસેટ સર્જવા માટે તૈયાર હોય છે ત્યારે જોવાનું રહેશે ચર્ચાના ચકડોળે ચડેલા ઉદય કાનગડના નામને કેન્દ્રીય ભાજપનું નેતૃત્વ પસંદ કરે છે કે કેમ ?
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો