રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સર્ચ કમિટીની બેઠક ત્રણ વખત બેઠક મળી હતી. આ સર્ચ કમિટીમાં હરિયાણાની કુરૂક્ષેત્ર યુનિવર્સિટીના સોમનાથ સચદેવા,ડો.એમ.એન.પટેલ સહિત ત્રણ સભ્યોની કમિટી મળી હતી. આ કમિટીએ અલગ અલગ નામોની ચર્ચા કરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હાલનાં ઇન્ચાર્જ કુલપતિ ડો.કમલ ડોડિયાનું નામ ચર્ચામાં છે. આ ઉપરાંત એજ્યુકેશન ભવનના હેડ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય ભરત રામાનુજ,હોમ સાયન્સ ભવનના હેડ અને પૂર્વ કાર્યકારી કુલપતિ નિલંબરી દવે આ ઉપરાંત ગોધરા ગુરૂ ગોવિંદસિંગ યુનિવર્સિટીના કુલપતિ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણના નામો ચર્ચામાં છે.
આ ઉપરાંત ગુજરાત બહારની યુનિવર્સિટી સાથે જોડાયેવા અન્ય પ્રદેશના પ્રોફેસરને કુલપતિનો ચાર્જ સોંપાઇ તેવી શક્યતા છે. જો કે રાજ્ય સરકાર આ અંગે હજુ સુધી નિર્ણય કર્યો નથી ત્યારે કાયમી કુલપતિની નિમણૂકને લઇને સરકાર નિર્ણય કરશે કે કેમ તેના પર સૌની નજર રહેલી છે. સરકાર ગુજરાતની યુનિવર્સિટીઓમાં કાયમી કુલપતિની નિમણૂક માટે પ્રયત્નશીલ-ઋષિકેશ પટેલ
રાજકોટ પુજીત રૂપાણી ટ્રસ્ટના કાર્યક્રમમાં આવેલા શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે રાજ્યમાં ઘણી ખરી યુનિવર્સિટીઓમાં કાયમી કુલપતિની નિમણૂક કરાઇ છે. જે યુનિવર્સિટીઓમાં કાયમી કુલપતિની નિમણૂક નથી ત્યાં ઇન્ચાર્જથી યોગ્ય સંચાલન થઇ રહ્યું છે. જો કે સરકાર કાયમી કુલપતિઓની નિમણૂક કરવા માટે પ્રયત્નશીલ છે અને ટૂંક સમયમાં આ અંગે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા અઢી વર્ષથી કાયમી કુલપતિ નથી. 7 ફેબ્રુઆરી 2022થી યુનિવર્સિટીમાં ઇન્ચાર્જ યુનિવર્સિટીનું કામકાજ કરી રહ્યા છે સૌથી પહેલા ડૉ.ગિરીશ ભીમાણીને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. ગિરીશ ભીમાણીના કાર્યકાળ દરમિયાન ભાજપના જ બે જુથ આમને સામને આવી ગયા હતા. યુનિવર્સિટીમાં કેટલાક નિર્ણયો યુનિવર્સિટીના હિતના બદલે વ્યક્તિગત હિતથી નિર્ણયો લેવાયા હતા. ગિરીશ ભીમાણી બાદ ઇન્ચાર્જ તરીકે ડૉ.નિલંબરી દવેને ચાર્જ સોંપાયો હતો. જો કે તેઓ પણ લાંબો સમય ન રહ્યા અને હવે આ ચાર્જ મેડિકલ કોલેજના પ્રોફેસર ડૉ.કમલ ડોડિયાને સોંપાયો છે. યુનિવર્સિટીના છેલ્લા અઢી વર્ષમાં ગિરીશ ભીમાણીનો કાર્યકાળ વિવાદોથી ભરેલો હતો. હવે જ્યારે કાયમી કુલપતિની નિમણૂક અંગેની ફરી ચર્ચાઓ શરૂ થઇ છે. પરંતુ કુલપતિની નિમણૂકમાં પણ ભાજપનો આંતરિક જુથવાદ અને સંઘનું લોબિંગ અસર કરી શકે છે. ત્યારે સરકાર યુનિવર્સિટીમાં કાયમી નિમણૂક કરશે કે પછી ઇન્ચાર્જથી ચલાવે છે તે આગામી સમયમાં ખબર પડશે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો