રાજકોટ અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO એમડી સાગઠિયા પાસેથી જેલમાં ક્યાં માથાભારે શખ્સે માગી 4 લાખની પ્રોટેક્શન મની- જાણો
રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ TPO એમડી સાગઠિયા પાસેથી જેલમાં માથાભારે શખ્સે 4 લાખ પડાવ્યા હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. જેલમાં સાગઠિયાને અન્ય કેદીઓ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હતી અને આ કનડગત વધુ ન થાય તે માટે માથાભારે શખ્સે જેલમાં જ સાગઠિયા પાસેથી પ્રોટેક્શન મની પેટે 4 લાખ રૂપિયા પડાવ્યા હોવાની વિગતો સામે આવી છે.
રાજકોટ મહાનગર પાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર અને TRP ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડના આરોપીઓ પૈકીના એક MD સાગઠિયા હાલ ACB ની કસ્ટડીમાં 6 દિવસના રિમાન્ડ પર છે. પરંતુ જ્યારે ક્રાઈમ બ્રાંચ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને રિમાન્ડ પૂર્ણ થયા બાદ જ્યારે સાગઠિયાને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. આ દરમિયાન જેલમાં માથાભારે શખ્સો દ્વારા તેમની કનડગત કરવામાં આવતી હોવાની વાત સામે આવી છે.
જેલમાં સાગઠિયા પાસેથી ક્યા માથાભારે શખ્સે માગી પ્રોટેક્શન મની?
સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર જ્યારે સાગઠિયાને બેરેકમાં લાવવામાં આવ્યા ત્યારે બેરેકમાં પહેલેથી જ હાજર કેટલાક કેદીઓએ તેમને પરેશાન કરવાનું શરૂ કર્યુ હતુ. અત્યંત એશો આરામની જિંદગી જીવનારા સાગઠિયાને જેલમાં જતા જ જાણે પાપનો ઘડો ફૂટી ગયો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી હતી.
જેલમાં જતા જ કેદીઓ દ્વારા સાગઠિયાની સારી રીતે કરાઈ સરભરા !
સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર જેલમાં ચાર દિવાલની વચ્ચે શૌચાલયની બાજુમાં સૂવા માટે મજબુર કરાયા હતા. આ તમામ ઘટનાક્રમ વચ્ચે એક કુખ્યાત આરોપી દ્વારા સાગઠિયાને પરેશાન કરવામાં આવતો હતો અને જો તેને આ બધી પરેશાનીનો સામનો ન કરવો હોય તો તેને પ્રોટેક્શન મની માગી હતી. મળતી વિગતો અનુસાર એમ.ડી. સાગઠિયાએ બહારથી 4 લાખ રૂપિયાની વ્યવસ્થા તેને કરી આપી હતી. હાલ તો સાગઠિયા એસીબીના રિમાન્ડમાં છે પરંતુ રિમાન્ડ પૂર્ણ થાય તે બાદ તે ફરી જેલમાં જાય ત્યારે તેને કોઈપણ પ્રકારની હેરાનગતિ કરવામાં ન આવે તે માટે 4 લાખ રૂપિયાની પ્રોટેક્શન મની સાગઠિયાએ ચુકવી હોવાની વિગતો બહાર આવી છે.
જેલમાં હેરાનગતિ ન કરવા માટે સાગઠિયાએ કોને ચુકવ્યા ચાર લાખ રૂપિયા?
આ તમામ વિગતો એક કેદીના માધ્યમથી બહાર આવી છે. આ કેદી સાગઠિયાની સાથે જેલમાં હતો અને કોઈ કારણોસર તે બહાર આવતા આ વિગતો જાહેર કરી છે. આ કેદીએ નામ ન આપવાની શરતે આ તમામ માહિતી આપી હતી. જો કે આ પ્રોટેક્શન મની આપવા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ થયેલી નથી. પરંતુ ચર્ચા એવી છે કે ભ્રષ્ટાચારમાં ગળાડૂબ એમ.ડી. સાગઠિયાને જેલમાં કોઈપ્રકારની પરેશાની ન થાય તે માટે કેદીઓ જ તેની પાસેથી પ્રોટેક્શન મની લઈ રહ્યા હોય તે પ્રકારનો ઘાટ હાલ જોવા મળી રહ્યો છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો