Rajkot: ચોમાસુ આવતા જ ‘આંખ આવવાના’ કેસ વધ્યા, જાણો તેના લક્ષણો અને તકેદારી વિશે
Rajkot: ચોમાસાની ઋુતુમાં સામાન્ય રીતે રોગચાળાનું પ્રમાણ વધે છે. જ્યાં ત્યાં ભરાઈ રહેતા ખાબોચિયાને કારણે તાવ, ટાઈફોઈડ અને ડેન્ગ્યુના કેસ વધે છે તો બીજી તરફ વાયરસ જન્ય કેસોનું પ્રમાણ પણ વધ્યુ છે. હાલના દિવસોમાં વાઈરલ કનઝંક્ટીવાઈટીસના કેસમાં વધારો થયો છે. જાણો શેનાથી થાય છે કંઝક્ટીવાઈટિસ અને શું છે તેનાથી બચવાના ઉપાયો..
Rajkot: ચોમાસાની સીઝન શરૂ થઈ ગઈ છે અને રાજ્યમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આંખ આવવાના એટલે કે ‘વાઈરલ કંઝક્ટીવાઈટિસ’ (Viral conjunctivitis) ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. સૌથી વધુ અમદાવાદ, સુરત અને ભાવનગરમાં કેસ સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં પણ આ પ્રકારના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે સુરત અને અમદાવાદ જેટલા કેસ રાજકોટમાં નથી પરંતુ 20 થી 25 % જેટલો વધારો જરૂરથી રહ્યો છે
ચોમાસામાં ભેજવાળા વાતાવરણના કારણે કેસ વધ્યા
આંખ આવવાના કેસમાં વધારો થયો ત્યારે tv9 સાથે વાતચીત કરતા RMCના આરોગ્ય અધિકારી ડૉ જયેશ વાકાણીએ જણાવ્યું હતું કે આંખ આવવી એ વાઇરલ ઇન્ફેક્શન એટલે કે ચેપી રોગ છે. હાલ ચોમાસાને કારણે ભેજવાળું વાતાવરણ હોવાથી આ ઇન્ફેક્શન ઝડપથી ફેલાય છે. ચોમાસુ અને ભેજવાળું વાતાવરણ એ વાઇરલ ઇન્ફેક્શનની મનપસંદ ઋતુ હોય છે જેથી તેના કેસ ચોમાસામાં વધુ આવતા હોય છે.
‘વાઈરલ કંઝક્ટીવાઈટિસ’ના આ છે લક્ષણો
- આંખમાં સોજો આવવો
- મીઠી ખંજવાળ આવવી
- આંખ લાલ થવી
- આંખ ભારે લાગવી
- આંખમાં દુખાવો થવો
જો આ પ્રકારના લક્ષણો જણાય તો સાવચેતી રાખવી જરૂરી છે. ખાસ કરીને શાળાએ જતા બાળકોમાં આ ચેપ વધુ લાગે છે. કારણ કે સાથે અભ્યાસ કરતા હોવાથી એક બીજાને સ્પર્શ થતો હોય છે અને બાળકો શાળામાં નજીક નજીક બેસતા હોવાથી એકબીજાના સંપર્કમાં વધુ આવે છે.
વ્યક્તિગત સ્વચ્છતા સૌથી મહત્વની બાબત
જો ઉપર દર્શાવેલ લક્ષણોમાંથી કોઈ લક્ષણ દેખાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈને નિદાન કરાવી સારવાર લેવી જરૂરી છે. જેને લઇને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો,સામૂહિક આરોગ્ય કેન્દ્રો, જિલ્લા હોસ્પિટલ તથા સિવિલ હોસ્પિટલ ખાતે ‘વાઈરલ કંઝક્ટીવાઈટિસ’ની સારવાર માટે વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. જો 5 દિવસ સુધી કોઈ સુધારો ન જણાય તો આંખના નિષ્ણાત ડૉક્ટર પાસે નિદાન કરાવવું ખૂબ જ જરૂરી છે. ‘વાઈરલ કંઝક્ટીવાઈટિસ’થી બચવા માટે સૌથી મહત્વની વ્યક્તિગત સ્વચ્છતા છે. જેમાં હાથ મો ચોખ્ખા રાખવા, ભીડ વાળી જગ્યાએ સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું, સમયાંતરે સાબુ અથવા હેન્ડવોશથી હાથ સાફ રાખવા. જો આ બાબતોનું ધ્યાન રાખીએ તો ‘વાઈરલ કંઝક્ટીવાઈટિસ’થી બચી શકાય છે.
આ પણ વાંચો : Rajkot : ઘેલા સોમનાથમાં પવિત્ર શ્રાવણ માસની ભવ્ય ઉજવણી થશે, અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
જેમને આંખ આવી હોય તેમને ધ્યાનમાં રાખવાની બાબત
જેમને ‘વાઈરલ કંઝક્ટીવાઈટિસ’ થયું હોય તેમણે સૂર્યપ્રકાશથી બચવા ગોગલ્સ પહેરવા, સફેદ સુતરાઉ રૂમાલથી આંખ ઢાંકવી. પરિવારના અન્ય લોકોને ચેપ ન લાગે તે માટે પોતાના રૂમાલ, નાહવા માટેના ટુવાલ અને વ્યક્તિગત વપરાશની વસ્તુ અલગ રાખવી જોઈએ. જેથી અન્ય લોકોને ચેપ ન લાગે. જો કે ‘વાઈરલ કંઝક્ટીવાઈટિસ’ની અસર ઓછા સમય માટે રહેતી હોવાથી ગભરાવાની જરૂર નથી. માત્ર તકેદારી રાખવાની જરૂર છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો