Rajkot : ઘેલા સોમનાથમાં પવિત્ર શ્રાવણ માસની ભવ્ય ઉજવણી થશે, અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
27મી ઓગષ્ટથી 10 દિવસ સુધી શિવકથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણના દર સોમવારે મહાદેવની શોભાયાત્રા પણ નીકળશે.દર્શને આવતા ભક્તોને મુશ્કેલી ન પડે તે માટે અલગથી પાર્કિંગ,વનવે સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ માટે આસપાસના 30 ગામોના સરપંચો, યુવાનો, સ્વયંસેવકોનો સહયોગ લેવામાં આવશે.
Rajkot :રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના સોમ પીપળીયા ખાતે આવેલા ઘેલા સોમનાથ મહાદેવ (Ghela Somnath) મંદિરના સાનિધ્યમાં, પવિત્ર વતાવરણમાં આજે જસદણના ધારાસભ્ય અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને મંદિરના વિકાસ કાર્યો અંગે બેઠક યોજાઈ હતી. જેમાં મંદિર ખાતે આગામી પવિત્ર શ્રાવણ માસની(Shravan) ભવ્ય ઉજવણી કરવા અંગે આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઘેલા સોમનાથના વિકાસ માટે 10 કરોડ ફાળવ્યા
ઘેલા સોમનાથ ખાતે રાજ્ય અને દેશભરમાંથી અનેક ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે ત્યારે ઘેલા સોમનાથ મંદિરને પવિત્ર યાત્રાધામ તરીકે વિકસાવવાનું કરી સતત ચાલી રહ્યું છે.તાજેતરમાં જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મંદિરના વિકાસ કર્યો માટે 10 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે, જેનો મંદિરના વિકાસના કાર્યોમાં ઉપયોગ કરવામાં આવશે.
આખો શ્રાવણ માસ બંને સમય નિશુલ્ક ભોજન-પ્રસાદ
ધારાસભ્ય બાવળિયાએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી 17મી ઓગષ્ટથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે ત્યાર મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવશે.ઘેલા સોમનાથમાં આવતા તમામ ભક્તો માટે શ્રાવણ માસમાં બંને સમય નિશુલ્ક ભોજન-પ્રસાદની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.આ ઉપરાંત શ્રાવણ મહિના દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.
દરરોજ રાત્રે સંતવાણીનું આયોજન,સાતમ- આઠમના દિવસે મોટા કલાકારોના ડાયરા
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક આયોજન અંગે જસદણ પ્રાંત અધિકારીએ વિગત આપતા જણાવ્યું હતું કે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસથી જ મેળાનું આયોજન કરાયું છે, જેનું 17મી ઓગષ્ટે ઉદ્ઘાટન કરાશે. ઉપરાંત શ્રધ્ધાળુઓ ગર્ભગૃહમાં મહાદેવની રુદ્ર પૂજા, મહાપુજા કરી શકે, ભક્તોને ધ્વજા ચડાવવા સહિતનો લાભ મળે તે માટે પણ આયોજન કરવામાં આવ્યું છે.
નામી કલાકારોનો લોકડાયરો પણ યોજવામાં આવશે
જો કે તેના માટે અગાઉથી નોંધણી કરાવવાની રહેશે. શ્રાવણ માસમાં સવારે 6 વાગ્યાથી જ મહાદેવના દર્શન ખુલી જશે. બધા શ્રદ્ધાળુઓ વ્યવસ્થિત દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ઉપરાંત રાત્રે ભજન, કીર્તન, સંતવાણી, સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવશે. જ્યારે સાતમ, આઠમના મુખ્ય તહેવારો દરમિયાન નામી કલાકારોનો લોકડાયરો પણ યોજવામાં આવશે.
27 ઓગસ્ટથી શિવકથાનું પણ આયોજન
આ ઉપરાંત 27મી ઓગષ્ટથી 10 દિવસ સુધી શિવકથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણના દર સોમવારે મહાદેવની શોભાયાત્રા પણ નીકળશે.દર્શને આવતા ભક્તોને મુશ્કેલી ન પડે તે માટે અલગથી પાર્કિંગ,વનવે સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ માટે આસપાસના 30 ગામોના સરપંચો, યુવાનો, સ્વયંસેવકોનો સહયોગ લેવામાં આવશે.