રાજકોટના કાલાવડ રોડ પર આવેલા મોટામૌવા વિસ્તારમાં આવેલા સ્મશાનમાંથી આવતી રાખ અને દુર્ગંધથી મોટામૌવા વિસ્તારના લોકો પરેશાન છે. આજે આ વિસ્તારના રહિશો દ્રારા ડેપ્યુટી મ્યુનસિપલ કમિશનરને આવેદન પત્ર આપીને જલદીમાં જલદી ઈલેકટ્રિક ભઠ્ઠીનું સમારકામ કરવાની માંગ કરી છે.
રાજકોટનું મોટામૌવા સ્મશાન પશ્વિમ વિસ્તારનું સૌથી મોટું સ્મશાનગૃહ છે, જેનું સંચાલન ઓમકાર ટ્રસ્ટ દ્રારા કરવામાં આવે છે. જો કે સ્થાનિકોનો દાવો છે કે છેલ્લા છ મહિનાથી આ સ્મશાનગૃહમાં ઈલેકટ્રિક ભઠ્ઠીમાં ખામી સર્જાય છે, જેથી અહીં કોઈ મૃતદેહને અંતિમ સંસ્કાર કરવામાં આવે તો તેની રાખ અને દુર્ગંધ આખા વિસ્તારમાં પ્રસરે છે. સ્થાનિકોએ મહાનગરપાલિકાને રજૂઆત કરીને આ ભઠ્ઠીનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ કરી છે.
સ્થાનિકોની અવારનવાર રજૂઆત છતા સ્મશાનગૃહના સંચાલકોએ ભઠ્ઠીનું સમારકામ ન કરતા સ્થાનિકો રોષે ભરાયા હતા અને 16 તારીખે સાંજના સમયે મોટામૌવા સ્મશાને પહોંચીને વિરોધ કર્યો હતો. એક તબક્કે તો મૃતદેહને સ્મશાન ગૃહ સુધી પહોંચવા દેવામાં આવ્યો ન હતો. સ્થાનિક મહિલા અગ્રણી જ્યોત્સના વ્યાસે કહ્યું હતું કે સ્મશાન ગૃહના સંચાલકોને અવારનવાર રજૂઆત કરવા છતા ભઠ્ઠીનું સમારકામ કરવામાં આવતું નથી.
જેના કારણે મોટામૌવા ગામમાં લોકોના ઘરોમાં રાખ અને સ્મશાનની દુર્ગંધ આવે છે. આ સ્મશાન ગૃહમાં દૈનિક 10થી12 મૃતદેહો આવે છે જેને કારણે આ તકલીફ વધારે છે અને લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે. આ અંગે તાત્કાલિક સમારકામની માંગ કરવામાં આવી છે જો નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરાશે.
આ સ્મશાનની ખામીયુક્ત ભઠ્ઠીને કારણે રહિશો પરેશાન છે, અગાઉ ફરિયાદ કરતા ટ્રસ્ટ દ્રારા એક દિવસ માટે આ ભઠ્ઠી બંધ કરી દેવામાં આવી હતી, પરંતુ એક દિવસ બાદ ફરી આ ભઠ્ઠી ચાલુ કરી દેવામાં આવી છે. આ અંગે મહાનગરપાલિકા મધ્યસ્થી કરીને તાત્કાલિક સમારકામ નહીં કરાવે તો આગામી દિવસોમાં ન્યાયિક લડતની સ્થાનિક રહિશોએ ચીમકી ઉચ્ચારી છે.