Video: રાજકોટની સરકારી શાળા નંબર 62માં શિક્ષક ન આવતા સફાઈ કામદાર બન્યો શિક્ષક, વિદ્યાર્થીઓને ભણાવતો હોવાનુ આવ્યુ સામે
Rajkot: રાજકોટની સરકારી શાળા નંબર 62માં શિક્ષક શાળાએ આવતા ન હોવાથી સફાઈ કામદાર વિદ્યાર્થીઓને ભણાવતો હોવાનુ સામે આવ્યુ છે. વિદ્યાર્થીઓનું કહેવુ છે કે શાળામાં શિક્ષક ક્યારેય આવતા જ નથી. આથી સફાઈકર્મી વ્યક્તિ જ અમને ભણાવે છે.
રાજકોટની સરકારી શાળા નંબર 62માં શિક્ષકના બદલે સફાઈ કામદાર બાળકોને ભણાવતો હોવાનું સામે આવ્યું છે. શાળા નંબર 62માં બાળકોને અભ્યાસ કરાવતો વીડિયો વાયરલ થયો હતો. જેમાં શાળાના શિક્ષકને બદલે સફાઈ કામદાર બાળકોને અભ્યાસ કરાવતો હોવાનુ દેખાઈ રહ્યું છે. તો બીજી તરફ શાળાના બાળકોએ જણાવ્યું કે, શાળામાં શિક્ષક ક્યારેય નથી આવતા. જેથી સફાઈ કર્મીદાર વ્યક્તિ જ અમને ભણાવે છે, એવામાં કોઈપણ ડિગ્રી કે હોદ્દા વગરનો વ્યક્તિ શાળામાં બાળકોને ભણાવી રહ્યો છે. પરંતુ મસમોટો પગાર લેતા શિક્ષકો સામે લોકોએ સવાલ ઉઠાવ્યા છે. અને આવા શિક્ષકોની બેદરકારી છાવરવામાં કોઈ અધિકારી સંડોવાયેલા છે કે કેમ તેને લઈ સવાલો ઉઠ્યા છે.
હજુ બે દિવસ પહેલા જ રાજકોટના કોઠારિયાની શાળામાં રીતસર બાળમજૂરી કરાવાતી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં જોઈ શકાય છે કે શિક્ષકો અને આચાર્યની હાજરીમાં વિદ્યાર્થિનીઓ ઈંટો ઉપાડતી જોવા મળી રહી છે. જે કામ શ્રમિકોનું છે, તે કામ વિદ્યાર્થીઓ પાસે કરાવવું કાયદાની વિરૂદ્ધનું પગલું છે. કારણ કે બાળમજૂરી કરાવવી એ ગુનો છે,પરંતુ રાજકોટ સહિત સમગ્ર રાજ્યની ઘણી સરકારી શાળાઓનો સળગતો પ્રશ્ન છે.
ત્યારે રાજકોટની જ વધુ એક શાળામાં શિક્ષકના બદલે સફાઈ કામદાર બાળકોને ભણાવતો હોવાનુ સામે આવ્યુ છે. Tv9 ગુજરાતી સાથેની વાતચતીમાં સફાઈકામદાર કહી રહ્યા છે કે ક્યારેક ક્યારેક ભણાવુ છુ. આ તરફ બાળકો કહે છે કે શિક્ષકો શાળાએ આવતા જ નથી, સફાઈ કામદાર જ ભણાવે છે.