રાજકોટમાં ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા પર ઢાબાના માલિકે કર્યો હુમલો, પોલીસે ઢાબા માલિક સન્નીની કરી અટકાયત, બાદમાં બંને પક્ષે થયુ સમાધાન- Video
રાજકોટમાં સન્ની પાજી દા ઢાબા નામના રેસ્ટોરન્ટના માલિક સન્નીએ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. પૈસા આપવાની બાબતે ઢાબા માલિકની નરેન્દ્રસિંહના ભત્રીજા સાથે માથાકૂટ થઈ હતી. જેમા નરેન્દ્રસિંહ વચ્ચે પડતા સન્નીએ તેમના પર છરી વડે હુમલો કર્યો હતો.
રાજકોટમાં ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા પર સન્ની પાજી દા ઢાબાના માલિક સન્નીએ માથાકૂટ બાદ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. નરેન્દ્રસિંહના પરિવારના મહેમાનો સન્ની પાજી દા ઢાબામાં જમવા માટે ગયા હતા જ્યા પૈસા ન લેવા બાબતે માથાકૂટ થતા નરેન્દ્રસિંહનો ભત્રીજો ઉશ્કેરાયો હતો. આ માથાકૂટમાં નરેન્દ્રસિંહ વચ્ચે પડતા સન્નીએ નરેન્દ્રસિંહ પર છરી વડે હુમલો કર્યો હોવાનો ચર્ચા છે. જો કે આ સમગ્ર મામલે હવે નરેન્દ્રસિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી પોતાની સાથે કોઈ મારામારી ન થઈ હોવાનુ જણાવ્યુ છે. બંને વચ્ચે સમાધાન થઈ જતા નરેન્દ્રસિંહે સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે.
શું હતો સમગ્ર મામલો?
મળતી વિગતો અનુસાર નરેન્દ્રસિંહના પરિવારના મહેમાનો સન્ની પાજી દા ઢાબા નામના રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા. જ્યા પૈસા લેવા બાબતે માથાકૂટ થઈ હતી. આથી નરેન્દ્રસિંહનો ભત્રીજો ઉશ્કેરાઈ ગયો હતો. આ તરફ તેમના સંબંધીઓએ પણ રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી હોવાનો આરોપ છે. આ સમગ્ર માથાકૂટમાં નરેન્દ્રસિંહ વચ્ચે પડતા સન્નીએ છરીથી હુમલો કર્યો હતો. જેમા તેને હાથના ભાગે ઈજા પહોંચી છે. આ ઘટના બાદ નરેન્દ્રસિંહ જાડેજાએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી અને પોલીસમાં રૂપિયાની લેતાદેતીમાં માથાકૂટની અરજી પણ કરી હતી.
સન્ની પાજીએ ફોન કરીને PCR વાન બોલાવી હોવાની ચર્ચા
ચર્ચા એવી પણ છે કે નરેન્દ્રસિંહના સંબંધીઓ સન્નીના રેસ્ટોરન્ટમાં ગયા ત્યારે તેમના ભત્રીજાએ ઢાબા માલિકને રૂપિયા ન લેવા કહ્યુ હતુ. જો કે છતા સન્નીએ રૂપિયા લેતા તેમનો ભત્રીજો ઉશ્કેરાયો હતો અને ત્યાંથી જ માથાકૂટ શરૂ થઈ હતી. જેમા ઉશ્કેરાયેલા લોકોએ રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી. મામલો એટલો ઉગ્ર બન્યો કે સન્ની પાજી નામના વ્યક્તિએ હુમલો કર્યો. ત્યારે, ભત્રીજાના ઝઘડામાં વચ્ચે પડેલા નરેન્દ્રસિંહના હાથના ભાગે ઇજા પહોંચી. ઘટના બાદ સન્ની પાજીએ ફોન કરીને PCR વાનને પણ બોલાવી હોવાની ચર્ચા છે અને રેસ્ટોરેન્ટમાં પોલીસે બંદોબસ્ત ગોઠવીને સન્ની પાજીની અટકાયત કરી હોવાની ચર્ચા છે.