અગ્નિકાંડની ઘટના બાદ હવે પોલીસ કમિશનર કચેરીમાં મીડિયા માટે કરાઈ પ્રવેશબંધી- જુઓ Video
રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં રોજ નીતનવા ખૂલાસા થઈ રહ્યા છે. આ મામલે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. આ ઘટના બાદ બે પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા છે જ્યારે પૂર્વ કમિશનરની બદલી કરી દેવામાં આવી છે. ત્યારે મીડિયાના સવાલોથી ભાગી રહેલી પોલીસ દ્વારા વ્યવસ્થાના નામે પોલીસ કમિશનર કચેરીમાં મીડિયા માટે પ્રવેશબંધી કરાઈ છે.
રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ મીડિયા માટે ક્રાઈમબ્રાંચની કચેરીમાં પ્રવેશબંધી કરવામાં આવી હતી. હાલ રાજકોટ અગ્નિકાંડની ઘટનાને એક મહિના ઉપર થયુ છે, હજુ આ ઘટનાની તપાસ પૂર્ણ થઈ નથી અને આ અગ્નિકાંડમાં 4 જેટલા પોલીસકર્મીઓને પણ ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે હવે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા વધુ એક તઘલખી નિર્ણય કરાયો છે. રાજકોટની પોલીસ કમિશનર કચેરીમાં મીડિયા માટે પ્રવેશબંધી કરવામાં આવી છે. આ પહેલા ક્રાઈમબ્રાંચની કચેરીમાં મીડિયાના પ્રવેશ પર રોક લગાવાઈ હતી.
અગાઉ ક્રાઈમબ્રાંચ કચેરીમાં મીડિયા માટે કરાઈ ચુકી છે પ્રવેશબંધી
પોલીસ દ્વારા વ્યવસ્થાના ભાગરૂપે આ નિર્ણય લેવાયો હોવાનું જણાવાઈ રહ્યુ છે ત્યારે સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે શું પોલીસ અગ્નિકાંડના ગોડફાધરોને છાવરવા માટે આ પ્રકારના નિયમો બનાવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા પણ અગાઉ આરોપ લગાવવામાં આવ્યો હતો કે જેલમાં સાગઠિયાને મળવા માટે પૂર્વ ધારાસભ્ય ગયા હતા અને સાગઠિયાને ફોડવા માટેનો પ્રયાસ થયો હતો. આ જે પણ આ કેસમાં રજૂઆત કરવા માટે કોંગ્રેસનું ડેલિગેશન પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યુ હતુ. કોંગ્રેસના વશરામ સાગઠિયાનો આરોપ છે કે તેમને સાંભળવામાં આવ્યા ન હતા અને પોલીસ ભાજપના પીઠુઓની જેમ આપખુદ વર્તન કરી રહી છેે.
ત્રણ વર્ષથી પોલીસની નાકની નીચે ધમધમી રહ્યો હતો ગેરકાયદે ગેમઝોન
કોંગ્રેસનો પણ આરોપ છે કે એક માત્ર પૂર્વ TPO સાગઠિયાને પકડીને તેની આસપાસ જ તપાસ કરવામાં આવી રહી છે અને મોટા મગરમચ્છોને પોલીસ છાવરી રહી છે. ત્યારે હાલ મીડિયા પ્રવેશબંધી કરાતા પોલીસના વર્તન સામે પણ શંકા ઉપજી રહી છે. હાલ પોલીસ જે પ્રકારે વ્યવસ્થાના નામે મીડિયાને રોકી રહી છે ત્યારે સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે પોલીસના નાકની નીચે આખેઆખો ગેમઝોન ત્રણ ત્રણ વર્ષથી ગેરકાયદે ફાયર NOC કે અન્ય કોઈપણ મંજૂરી વિના ધમધમી રહ્યો હતો. ત્યારે પોલીસ શું કરી રહી હતી. જો પોલીસે એ સમયે સતર્કતા દાખવી કાર્યવાહી કરી હોત તો આજે અગ્નિકાંડ જેવી સમગ્ર ગુજરાતને કલંકિત કરતી દુર્ઘટના ન સર્જાઈ હોત. હાલ ચોથી જાગીર ગણાતા મીડિયાકર્મીઓને રોકીને પોલીસ શું છુપાવવા માગે છે? હવે જોવાનું એ પણ રહેશે કે આ સમગ્ર કેસમાં પોલીસ ભીનું સંકેલી લે છે કે સાગઠિયાના ગોડફાધરોને પકડી તેની સામે કાર્યવાહી કરે છે.