એક તરફ ગુજરાતમાં શિયાળાની કાતિલ ઠંડી પડી રહી છે. બીજી તરફ આ હાડ થીજવતી ઠંડી વચ્ચે ફરી કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 7થી 10 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે.
ગુજરાત પર ફરી કમોસમી વરસાદનું સંકટ જોવા મળી રહ્યુ છે. કમોસમી વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.7થી 10 જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે.ઉત્તર ગુજરાતમાં 7 અને 8 જાન્યુઆરીએ કમોસમી વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગ અનુસાર મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠામાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. મહેસાણા જિલ્લામાં માવઠાનું જોર વધુ રહે તેવી પણ શક્યતા છે. વરસાદની આગાહીના પગલે ખેડૂતોમાં ફરી ચિંતાના વાદળો ઘેરાયા છે. ખેડૂતોને પોતાનો મહામુલો પાક બરબાદ થવાની ચિંતા સતાવી રહી છે.
ડિસેમ્બર માસમાં પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદે પાક બરબાદ કરી નાખ્યો હતો. ખેડૂતો હજુ તેમાથી ઉગર્યા નથી, ત્યાં હવે તેમને નવી ચિંતા સતાવી રહી છે. ખેડૂતો પોતાની મહેનત એળે ન જાય તે માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.
મહત્વનું છે કે રાજ્યમાં ઠંડીના ચમકારાનો અનુભવ થઇ રહ્યો છે. 8.8 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું છે. રાજ્યના 7 શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી છે. તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી નોંધાયુ છે.
આ પણ વાંચો-વલસાડમાં માત્ર 25 લાખ રુપિયાથી ફ્લેટ ખરીદવાની તક, જાણો શું છે તેની વિગત
રાજ્યમાં આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડવાની આગાહી છે. 5 જાન્યુઆરી બાદ મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે.દિવસ-રાતના તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો થશે. દિવસે પણ ઠંડીના ચમકારાનો લોકોને અનુભવ થશે.
Published On - 9:18 am, Tue, 2 January 24