Porbandar: લમ્પી વાયરસથી ટપોટપ થઈ રહ્યા છે પશુઓના મોત, વધુ 15 જેટલી ગાયોને લમ્પી વાયરસની અસર
પોરબંદર (Porbandar) શહેરમાં પશુઓને લમ્પી વાયરસે ઝપેટમાં લીધા છે. પોરબંદર શહેરમાં 15 જેટલી ગાયોને લમ્પી વાયરસની અસર છે. જ્યારે બે દિવસમાં બે ગાયના મોત થયા છે.
સૌરાષ્ટ્રમાં (Saurashtra) લમ્પી વાયરસ (Lumpy virus) કેર વર્તાવી રહ્યો છે. છેલ્લા એક માસથી પોરબંદર (Porbandar ), રાજકોટ, જામનગર, દેવભુમિ દ્વારકા, કચ્છ, તથા આસપાના વિસ્તારમાં લમ્પી વાયરસના કેસ નોંધાયા છે. પશુઓમાં ખુબ ઝડપથી ફેલાતો લમ્પી વાયરસના કારણે અનેક પશુઓને વાયરસની અસર થઈ છે તો અનેક પશુઓના મોત થયા છે. ગાયોમાં ફેલાઈ રહેલ લમ્પી રોગ પર નિયંત્રણ લાવવા તંત્ર દ્વારા હાથ ધરાઈ રસીકરણ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં લમ્પી વાયરસ પશુઓમાં ફેલાઈ રહ્યો છે.
પોરબંદર શહેરમાં પશુઓને લમ્પી વાયરસે ઝપેટમાં લીધા છે. પોરબંદર શહેરમાં 15 જેટલી ગાયોને લમ્પી વાયરસની અસર છે. જ્યારે બે દિવસમાં બે ગાયના મોત થયા છે. અન્ય ગાયો આઈસોલેટ વોર્ડમાં સારવાર હેઠળ છે. રોગની ગંભીરતાને લઈ પશુઓના આરોગ્ય વિભાગે રખડતા ઢોરની ચકાસણી શરૂ કરી છે. લમ્પી વાયરસનો સૌપ્રથમ કેસ જામનગર શહેરમાં નોંધાયો હતો. પરંતુ તંત્રએ આ બાબતે ધ્યાન ન આપતા હવે સૌરાષ્ટ્રભરમાં આ વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે.
શું છે આ લમ્પી વાયરસનો રોગ?
જામનગર જિલ્લાના ઘણા વિસ્તારોમાં ગાયોમાં હાલમાં લમ્પી સ્કીન ડીસીઝ (LSD) નામનો ચેપી રોગચાળો જોવા મળેલો છે. આ રોગ કેપ્રી પોક્ષ નામના વાયરસથી થાય છે. જે વાઇરસ માખી, મચ્છર તેમજ પશુઓના શરીર પર જોવા મળતા જુ તથા ઇતરડીથી ફેલાય છે. વધુમાં આ રોગ પશુઓના સીધા સંપર્કથી પણ ફેલાય છે.
રોગના લક્ષણો
રોગના વાયરસ પશુના શરીરમાં દાખલ થયાના એક અઠવાડિયાની અંદર આ રોગના ચિન્હો જોવા મળે છે. જેમ કે પશુને તાવ આવે છે, પશુ ખાવાનું ઓછું કરે છે અથવા તો સંપૂર્ણ બંધ કરી દે છે, ચામડી પર ફોડલા જેવા ગઠ્ઠા થાય છે, પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા પર માઠી અસર થાય છે. રોગીષ્ઠ પશુઓ પોતાના શરીરની રોગપ્રતિકારક શક્તિને લીધે આપોઆપ 2થી 3 અઠવાડિયામાં સાજુ થઇ જાય છે, રોગચાળો ફેલાવાનો દર માત્ર 10થી 20 ટકા છે. જ્યારે મૃત્યુ દર ખુબજ ઓછો 1થી 2 ટકા છે, નોંધનીય બાબત એ છે કે આ રોગ પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતો નથી.
રોગચાળાને કાબુમાં લેવાના પગલાં
આ રોગચાળાને કાબુમાં લેવા માટે બીમાર પશુઓને બીજા તંદુરસ્ત પશુઓથી તાત્કાલિક અલગ કરવા. પશુઓની રહેઠાણની જગ્યા સ્વચ્છ રાખવી જેથી માખી અને મચ્છરનો ઉપદ્રવ અટકાવી શકાય. આ રોગ તંદુરસ્ત પશુઓમાં ન આવે એટલા માટે તંદુરસ્ત પશુઓમાં રસીકરણ કરવું.
આ રોગ જ્યાં સુધી સંપૂર્ણ કાબુમાં આવે નહી ત્યાં સુધી સારવાર અને રસીકરણની કામગીરી ચાલુ રાખવાનું જીલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલે જણાવ્યુ છે. સાથે જ તમામ પશુપાલકો અને જાગૃત નાગરિકોને અપીલ છે કે આ રોગની સારવાર માટે નજીકના પશુ દવાખાના કે ફરતા પશુ દવાખાના કે જેનો સમગ્ર રાજ્ય માટે 1962 હેલ્પ લાઈન નંબર છે, તેનો સંપર્ક કરવો તથા રસીકરણ માટે તાલુકાના મુખ્ય પશુ દવાખાનાનો સંપર્ક કરવો.