સેલવાસમાં એક એવી ઘટના બની છે જેના કારણે ધાર્મિક લોકોની લાગણી દુભાઈ. અને બાદમાં તેમણે આ મુદ્દે કલેક્ટર પાસે જવાનું નક્કી કર્યું. વાત જાણે એમ છે કે એક ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર સેલવાસ વાપી રોડ પર એક વાઈનશોપને મંજુરી મળે તે માટે મંદિર તોડી પાડવામાં આવ્યું. ખરેખરમાં તો ભગવાન શિવનું આ મંદિર 25 વર્ષ જૂનું હતું. વાઈનશોપની મંજુરી માટે મંદિરને હટાવવાના કારણે સ્થાનિક લોકોની લાગણી દુભાઈ છે.
25 વર્ષ જૂનું મંદિર તોડતા વિવાદ
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સેલવાસમાં સાયોના હોસ્પિટલની બાજુમાં મહાદેવનું મંદિર આવ્યું હતું. જે 25 વર્ષ કરતા પણ જુનું હતું. જેને વાઈનશોપની મંજૂરી માટે તોડી પાડવામાં આવ્યું. બાદમાં મામલો કલેક્ટર ઓફીસ પહોંચ્યો. સ્થાનિકોની લાગણી દુભાતા તેમણે કલેક્ટર ઓફીસના દરવાજા ખખડાવ્યા અને કલેક્ટરને આ બાબતે લેખિતમાં રજૂઆત કરી છે.
લોકો વર્ષોથી મંદિરમાં કરતા હતા પૂજા
અહેવાલમાં સ્થાનિક રહેવાસીના મત પ્રમાણે જણાવવામાં આવ્યું છે કે જીતાલ બારની બાજુમાં મહાદેવનું મંદિર આવેલું હતી. જેમાં ભગવાન શિવની મૂર્તિ અને શિવલિંગ આવેલું હતું. મંદિર સાથે હજારો ભક્તોની આસ્થા જોડાયેલી હતી. લોકો વર્ષોથી મંદિરમાં પૂજા, આરતી અને સ્તુતિ કરતા હતા. અહેવાલમાં સ્થાનિકે જણાવ્યું છે કે અચાનક મંદિર, મૂર્તિ અને શિવલિંગ તોડી પાડવામાં આવ્યું. કોઈ અસામાજિક તત્વો દ્વારા કે પછી કોઈ સ્વાર્થ માટે કોઈએ સમજીવિચારીને આ કૃત્ય કર્યું છે.
ફરીથી મંદિર બનાવવાની માંગ
વર્ષો જૂનું મંદિર નામશેષ થઇ જતા સ્થાનિકોમાં રોષ છે. સેલવાસના રહેવાસી તેમજ મંદિરની આજુબાજુ રહેતા સોસાયટીના લોકોને ઘણું દુઃખ અને આઘાત લાગ્યો છે. આ કારણે આ ઘટનાનો ભારે વિરોધ થઇ રહ્યો છે. સમગ્ર મામલે લોકો દ્વારા કલેકટર ઓફીસમાં અરજી આપવામાં આવી છે. અને પ્રશાસન દ્વારા આ મામલે જલ્દીથી જલ્દી પગલા ભરવામાં આવે. તેમજ લોકોની ભાવનાને ધ્યાનમાં રાખીને ફરીથી આ મંદિરનું નિર્માણ કરવાની માંગ લોકોમાં ઉઠી છે.
આ પણ વાંચો: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળની શપથવિધિ ગુરુવારે 16મી સપ્ટેમ્બરના રોજ બપોરના 1.30 કલાકે યોજાશે
આ પણ વાંચો: Gujarat માં મંત્રીમંડળની રચનાને લઇને પેચ ફસાયો, ચાર નારાજ ધારાસભ્ય પૂર્વ સીએમ રૂપાણીને મળવા પહોંચ્યા : સૂત્ર