દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાંથી સરિતા ગાયકવાડ, મુરલી ગાવિત સહિત અનેક શ્રેષ્ઠ રમતવીરો મળ્યાં છે. પણ તે પરંપરા વધારવામાં સરકારી અધિકારીઓ કે શાસકોને કોઈ રસ નથી દેખાતો કેમકે સરકારી તંત્રના પાપે નવસારીના અબ્રામા ખાતે આવેલું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સાવ જંગલ બની ગયું છે અને રમતવીરોના સ્વપ્ન પડી ભાંગ્યા છે. આ જંગલ જોઈને કોઈને પણ એક સવાલ થાય કે આ એક સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ છે ? સ્પોર્ટ્સ કોમ્પલેક્સની આવી સ્થિતિના કારણે ખેલાડીઓ હવે સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનશે કે કેમ તે દુવિધામાં છે.
નવસારીના અબ્રામા ખાતે ભવ્ય સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ આવેલુ છે. સરકારે ઘણા સમય પહેલાં આ સ્વપ્ન રમતવીરોને બતાવ્યું હતું. જો કે હાલ તો ગ્રાઉન્ડમાં ઠેર-ઠેર ઝાડી-ઝાંખરા ઉગી જતાં ગાઢ જંગલ જેવી સ્થિતિ ઉભી થઈ છે. અહીં 400 મીટરનો સિન્થેટિક ટ્રેક બનાવવાનો પ્લાન હતો. પરંતુ સ્થાનિક ઓથોરિટીએ માત્ર 200 મીટરનો માટીનો ટ્રેક બનાવી દેતા રમતવીરોને લાગે છે કે તેમની સાથે અન્યાય થયો છે. અહીં રમતવીરો ઝડપથી સ્વિમિંગ પુલ, જીમ સહિતની સુવિધાઓ ઉભી કરવાની માગ કરી રહ્યાં છે.
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત હસ્તક દક્ષિણ ગુજરાતનો સૌ પ્રથમ ટ્રેક અને હાઈટેક સુવિધા અબ્રામા ખાતે બનાવવાનું આયોજન હતું. પરંતુ રમત-ગમત સંકુલમાં યોગ્ય બાંધકામ ન થતા રમતવીરો તેનો ઉપયોગ કરી શકતા નથી. આ સ્પોર્ટસ સંકુલના પ્લાનમાં વારંવાર ફેરફાર કરાતા વિલંબ થઈ રહ્યો છે. આ મુદ્દે જવાબદાર અધિકારી અને આગેવાનોને વારંવાર યોગ્ય રજૂઆત પણ કરવામાં આવી છે. સામે તંત્ર વહેલી તકે આ કોમ્પલેક્ષ બની જશે તેવા વાયદાઓ આપી રહ્યું છે.
રાજ્ય અને કેન્દ્ર સરકાર એક તરફ રમતગમત ક્ષેત્રે યુવાનો આગળ આવે તે માટે સતત ખેલ મહાકુંભ જેવા આયોજનો કરે છે. ત્યારે નવસારી જીલ્લા અને દક્ષિણ ગુજરાતના અનેક રમતવીરોની કારકિર્દીના ઘડતર માટે ઉપયોગી થાય એવા સ્પોર્ટ્સ સંકુલ માટે બધું તૈયાર હોવા છતાં તેનો ઉપયોગ ખેલાડીઓ કરી શકતા નથી. આનાથી મોટી કરૂણતા બીજી શું હોઈ શકે. આશા રાખીએ કે વાયદા કરવાને બદલે અધિકારીઓ અને સત્તાધિશો આ કોમ્પલેક્ષની અડચણ હટાવીને તેને ધમધમતું કરે અને આપણને દક્ષિણ ગુજરાતમાંથી નવા ખેલાડીઓ મળે.
(વિથ ઇનપુટ-નિલેશ ગામીત, નવસારી)
Published On - 1:47 pm, Mon, 16 January 23