2022 Morbi bridge collapse: કોણ છે આરોપી જયસુખ પટેલ? પોલીસ ચાર્જશીટમાં થયા મોટા ખુલાસાઓ, વાંચો FULL STORY
મોરબી બ્રિજ દુર્ઘટના મામલાનો આરોપી જયસુખ પટેલ કોર્ટ સમક્ષ હાજર થયો હતો. મળતી જાણકારી અનુસાર, 135 જિંદગીનો ભોગ લેનાર ઓરેવા ગ્રુપનો ચેરમેન જયસુખ પટેલ કોર્ટ સમક્ષ હાજર થયો હતો.
મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી ગયો અને તેમાં 135 લોકોનાં મોત થયાં. આ પુલ દુર્ઘટનામાં પોલીસે ફરિયાદ દાખલ કરી અને કુલ નવ લોકોની ધરપકડ કરી. આરોપીઓમાં ઓરેવા કંપનીના બે મૅનેજરોનો પણ સમાવેશ થાય છે. પોલીસ ફરિયાદમાં ઝૂલતા પુલનું મેન્ટનન્સ અને મૅનેજમૅન્ટ કરનારી વ્યક્તિઓ અથવા તો એજન્સી પર પુલનું યોગ્ય રીતે મેન્ટનન્સ કે મૅનેજમૅન્ટ નહીં કરવાનો આરોપ લગાવાયો છે.
પોલીસ ચાર્જશીટમાં થયા મોટા ખુલાસાઓ
પોલીસ ચાર્જશીટમાં જણાવ્યા અનુસાર, ૧૫ વર્ષના માટે મેનેજમેન્ટ, મેન્ટનાસ, સિક્યુરિટી, ટિકીટ તથા તમામ એડમિનિસ્ટ્રેશન કામ કરવા ઓરેવા ગ્રુપ દ્ધારા કરાર મેળવવામાં આવ્યો હતો. બ્રિજ રિપેરીંગ કરવામાં ઓરેવા કંપનીએ ગંભીર બેદરકારી દાખવી હોવાનો ચાર્જશીટમાં આરોપ લગાવવામાં આવ્યો છે.
ચાર્જશીટમાં ખુલાસો થયો હતો, ઝૂલતા બ્રિજના 49માંથી 22 તાર કટાઇ ગયા હતા. ટેકનિકલ સંસ્થા પાસેથી પુલની સ્ટ્રેન્થનું સ્ટેબિલિટી સર્ટીફિકેટ ન મેળવ્યાનો પણ જયસુખ પટેલ પર આરોપ લગાવવામાં આવ્યો છે. તે સિવાય પુલ રિપેરીંગ કર્યા સિવાય નિયમોનો ભંગ કરી આઠથી 12 મહિનાના સ્થાને છ મહિનામાં જ પુલ ફરી શરૂ કરી દેવાયો હતો. ચાર્જશીટમાં જયસુખ પટેલ ભાગેડુ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 2008માં નવ વર્ષ માટે 300 રૂપિયાના નો જ્યુડી પેપર પર કરાર કરવામાં આવ્યા હતા.
ચાર્જશીટમાં જણાવ્યા પ્રમાણે, અકસ્માત સમયે 400થી વધુ લોકોને પુલ પર જવા દેવાયા હતા. ટેકનિકલ માણસોની જગ્યાએ ફ્રેબિકેશનનાં જાણકાર માણસોને આ પુલના રિપેરીંગનું કામ આપી દીધું હતું. ઓરેવા કંપનીએ પોતાના અંગત લાભ માટે વહેલો પુલ ખુલ્લો મૂક્યો હતો. અકસ્માત બાદ ઓરેવા ગ્રુપે બચાવ કામગીરી સહિતના કામોમાં સહકાર ના આપ્યો હોવાનો ખુલાસો થયો હતો.
કોણ છે જયસુખ પટેલ ?
જયસુખ પટેલના પિતા અને ભારતના “દીવાલ ઘડિયાળના પિતા” ગણાતા ઓધવજી પટેલે વર્ષ 1971માં 1 લાખ રૂપિયામાં ત્રણ ભાગીદારો સાથે મળીને ‘ઓરેવા ગ્રૂપ’ની સ્થાપના કરી હતી. આ કંપનીનું નામ તે વખતે ‘અજંતા ટ્રાન્ઝિસ્ટર ક્લૉક મૅન્યુફૅક્ચરર’ હતું અને કંપનીમાં ઓધવજીની ભાગીદારી માત્ર 15 હજાર રૂપિયાની હતી. જોકે, બાદમાં ભારતમાં અજંતાની દીવાલ ઘડિયાળ લોકપ્રિય થવા લાગી અને વર્ષ 1981માં કંપનીમાંથી ત્રણ ભાગીદાર અલગ થતાં ‘અજંતા કંપની’ ઓધવજીના નામે થઈ.
આ દાયકામાં ઓધવજીએ ‘ક્વાટર્ઝ ઘડિયાળ’ બનાવવાનું શરૂ કર્યું. પરિણામ એ આવ્યું કે અજંતા વિશ્વની સૌથી વધુ ઘડિયાળનું ઉત્પાદન કરતી કંપની બની, એટલું જ નહીં ઇલેટ્રૉનિક્સ કન્ઝ્યુમર કૅટેગરીમાં ભારત સરકારના મિનિસ્ટ્રી ઑફ કૉમર્સે અજંતા ગ્રૂપને સતત 12 વર્ષ સુધી હાઇએસ્ટ ઍક્સ્પોર્ટરનો ઍવૉર્ડ આપ્યો. કંપનીનો કારોબાર 45 જેટલા દેશોમાં ફેલાયો. ઑક્ટોબર 2012માં ઓધવજી પટેલનું અવસાન થયું એ બાદ અજંતા કંપની ઓધવજીના પુત્રો વચ્ચે વહેંચાઈ ગઈ અને જયસુખ પટેલે તેમના ફાળે આવેલી કંપનીને નવું નામ આપ્યું ઓરેવા.