Mehsana: મહેસાણામાં 140 સોસાયટીઓનો વિકાસ ભૂગર્ભ ગટર વિના રૂંધાયો, ઉંચા ભાવના મકાનો તો બન્યા પરંતુ સોસાયટીમાં હજુ શોષકૂવાથી ચલાવવુ પડે છે કામ
Mehsana: મહેસાણામાં પાંચોટ વિસ્તારમાં અનેક સોસાયટીઓ નવી બની છે. અત્યાર સુધી આ વિસ્તારમાં 140 જેટલી સોસાયટીઓ બની ગઈ પરંતુ વર્ષોથી આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરનો અભાવ છે. અનેક નવા મકાનો બને છે પરંતુ આ વિસ્તાર નગરપાલિકામાં ન આવતો હોવાથી અહીં ભૂગર્ભ ગટર બનતી નથી. છેક સીએમ સુધી લોકોએ રજૂઆત કરી છતા પાલિકામાં સમાવેશ નહીં થતા લોકોને હાલાકી ભોગવવી પડે છે.
Mehsana: મહેસાણાના રાધનપુર રોડ પાંચોટ બાયપાસ સર્કલ વિસ્તારમાં વિકાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે . છેલ્લા દસેક વર્ષમાં દોડસો જેટલી સોસાયટીઓ અને કોમર્શિયલ કોમ્પલેક્ષો બની રહ્યા છે પણ હજુ સુધી ભૂગર્ભ ગટર આ વિસ્તારમાં નથી. વર્ષોથી ભૂગર્ભ ગટરની સમસ્યા યથાવત છે અને હજુ પણ નવી સોસાયટીઓ બની રહી છે. જેથી પાંચોટ પંચાયત સહિત સોસાયટીઓ અને બિલ્ડરો સરકાર સમક્ષ ભૂગર્ભ ગટર ની માંગ કરી રહ્યા છે.
વિકાસના આડે આવી અંડ઼ર ગ્રાઉન્ડ ગટર
મહેસાણાના રાધનપુર રોડ થી પાંચોટ તરફના રોડનો વિકાસ કૂદકેને ભૂસકે વધ્યો છે. પરંતુ આ વિકાસની આડે ભૂગર્ભ ગટર આવી ગઈ છે. મહેસાણાના રાધનપુર રોડ પાંચોટ બાયપાસ સર્કલ વિસ્તારમાં છેલ્લા દસેક વર્ષમાં 140 થી વધુ નવી સોસાયટીઓ બની ગઈ છે. અને હજુ પણ નવી સોસાયટીઓ બની રહી છે. મોંઘા ભાવના લાખો કરોડો ની કિંમતના અહી મકાનો વેચાઈ રહ્યા છે. પરંતુ આ લાખો કરોડોના મકાનો ભૂગર્ભ ગટર વગરના છે. કારણ કે આ વિસ્તાર પાંચોટ ગ્રામ્ય વિસ્તાર લાગી જાય છે.
પાંચોટ વિસ્તારનો નગરપાલિકામાં સમાવેશ ન થતા ભૂગર્ભ ગટર બનાવવાનો ઈનકાર
નગરપાલિકામાં આ વિસ્તારનો સમાવેશ નહિ હોવાના કારણે અહી હજુ સુધી ભૂગર્ભ ગટર આવી જ નથી.છેલ્લા દસ વર્ષથી રહેતા લોકોને પોતાના ઘર દીઠ ખાળ કુવા બનાવી ગટરના પાણી શોષ કૂવામાં ઠાલવવા પડે છે. જે પણ અમુક વર્ષો જતાં ઉભરાઈ જાય છે અને મહિને 500 રૂપિયા શોષ કુવા ખાલી કરવા વાળાના ખર્ચ થાય છે. અમુક શોષ કુવા ભરાઈ જતાં નવા બનાવવા 50,000 સુધીનો ખર્ચ પણ થાય છે. તેવું મહેસાણાની શૈલજા ગ્રીન સોસાયટીના મંત્રી મણીભાઈ પટેલે જણાવ્યું હતું.
સીએમ સુધી કરાઈ રજૂઆત, પરંતુ ભૂગર્ભ ગટરના ઠેકાણા નહીં
પાંચોટ વિસ્તાર ભૂગર્ભ ગટરની પાંચોટ પંચાયત સરપંચ દ્વારા સ્થાનિક ધારાસભ્યથી લઈને સીએમ સુધી લેખિત રજૂઆતો કરાઇ છે. અહી નવી સોસાયટીઓ બનાવતા બિલ્ડરો દ્વારા પણ આ મુદ્દે વર્ષોથી સીએમ કક્ષા એ લેખિત રજૂઆતો કરાઇ છે પરંતુ હજુ સુધી અહી ભૂગર્ભ ગટર ના કોઈ ઠેકાણા નથી. સ્થાનિક લોકો સહિત બિલ્ડરો અને પંચાયત પણ રજૂઆતો કરી કરી ને થાકી પણ નથી આ વિસ્તારનો પાલિકામાં સમાવેશ થતો કે નથી ભૂગર્ભ ગતરાતે અલગથી ગ્રાન્ટ મળતી.પાંચોટ પંચાયતના સરપંચ લલિત પટેલ,એચ કે બિલ્ડરના એચ કે પટેલ, ધીરજ પટેલ સહિત અન્ય બિલ્ડરો અને સ્થાનિકો હવે ભૂગર્ભ ગટર મુદ્દે સરકાર તાત્કાલિક નિર્ણય લે તેવી માંગ કરી રહ્યા છે.
140 સોસાયટીઓને શોષ કૂવાથી ચલાવવુ પડે છે કામ
મહેસાણાના રાધનપુર રોડ વિસ્તારમાં બ્રાન્ડેડ મોલ, સિનેમા , મનોરંજન, ફૂડ સ્ટ્રીટ બધું જ આવી ગયું છે. જેને લઇને અત્યાર સુધી બનેલી 140 સોસાયટીઓથી પણ વધુ સોસાયટીઓ બની પણ રહી છે.પરંતુ લાખો કરોડોના મકાન કે બંગલા આગળ શોષ કુવા જ બનાવવા પડે છે. ભવિષ્યમાં પણ જ્યારે ભૂગર્ભ ગટર આવશે ત્યારે આર સી સી રોડ સહિત ફરીથી નવી સોસાયટીઓના રોડની તોડફોડ કરી નુકસાન વેઠવાનો વારો લોકોને આવશે એ ચોક્કસ છે.જેથી તાત્કાલિક ભૂગર્ભ ગટર આ વિસ્તારમાં આવે તો હજુ નવી બનનારી સોસાયટીને તો લાભ મળે સાથે જૂની સોસાયટીની કાયમી સમસ્યા હલ થઇ જાય.
મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો