ગુજરાતમાં (Gujarat) ધીરે ધીરે ચોમાસું(Monsoon 2022)જામી રહ્યું છે. જેમાં ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ વરસાદ નોંધાયો છે. જેમાં મહીસાગર(Mahisagar)જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે વરસાદ પડ્યો હતો. જેમાં મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં સૌથી વધુ 6 ઈંચ તેમજ સંતરામપુરમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. જો કે ભારે વરસાદના પગલે નવા બનેલા રસ્તાઓ ધોવાણનો સીલસીલો યથાવત છે. આ ઉપરાંત મહીસાગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચોમાસામાં જાણે આભ વરસી રહ્યુ છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ચોમાસાની શરુઆતમાં જ સારો એવો વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં રાજ્યના કુલ 200થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ગીરસોમનાથના સૂત્રાપાડામાં 7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આગામી ચાર દિવસ પણ વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યારે વરસાદને લઇને રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ સ્ટેટ ઈમરજન્સી કંટ્રોલ રૂમની મુલાકાત લઇ વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી. તો વરસાદની સ્થિતિને લઇને મુખ્યપ્રધાનના નિવાસસ્થાને બેઠક મળી.
રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેને લઈ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ સ્ટેટ ઈમરજન્સી કંટ્રોલ રૂમની મુલાકાત લીધી. તેમણે 33 જિલ્લાના કલેક્ટર વીડિયો કોન્ફરન્સથી બેઠક કરીને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી. વધુ વરસાદ હોય તે જિલ્લામાં NDRFની ટીમ મોકલવા મુદ્દે પણ ચર્ચા થઈ છે. સાથે જ તમામ જિલ્લાના કલેક્ટર્સને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.
તમામ જિલ્લાના કલેક્ટર્સને અતિભારે વરસાદની આગાહી હોય ત્યાં આગોતરું આયોજન કરીને લોકોને પહેલેથી જ સલામત સ્થળે લઈ જવા સૂચના આપવામાં આવી છે. મહેસૂલ પ્રધાને મીડિયા સમક્ષ વાતચીતમાં કહ્યું કે, લોકોને મુશ્કેલી ન પડે તેવા તમામ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી છે. અમદાવાદથી સુરત નેશનલ હાઈવે પર કોઈ વાહનચાલકોને ટ્રાફિકનો સામનો ન કરવો પડે તે માટે સૂચારું રૂપે આયોજન કરવા સૂચના આપવામાં આવી છે.
Published On - 6:42 pm, Wed, 6 July 22