Jamnagar : ત્રણ લોકોના મોત બાદ જાગ્યુ હાઉસિંગ બોર્ડ, સાધના કોલોનીમાં દુર્ઘટના બાદ તંત્રને યાદ આવી આવાસોના સર્વેની કામગીરી
Jamnagar: જામનગરમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થયા બાદ હવે તંત્રને જર્જરીત ઈમારતોનો સર્વે કરવાનું યાદ આવ્યુ છે. શુક્રવારે સાધના કોલોનીમાં 31 વર્ષ જૂની જર્જરીત ઈમારત ધરાશાયી થઈ તેમા ત્રણ લોકોના મોતને ભેટ્યા છે. આ ઘટના બાદ હાઉસિંગ બોર્ડ ઘોર નીંદ્રામાંથી જાગ્યુ છે આવાસોની સર્વેની કામગીરી હાથ ધરી છે.
Jamnagar: જામનગરમાં શુક્રવારે 23 જૂને સાધના કોલોનીમાં 31 વર્ષ જૂની ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. જેમા એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા. હાઉસિંગ બોર્ડની આ ઈમારત ધરાશાયી થયા બાદ તંત્રને હવે આવાસોના સર્વેની કામગીરી યાદ આવી છે. અત્યાર સુધી તે જાણે કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યુ હતુ. અત્યાર સુધી તે જાણે કુંભકર્ણની નીંદ્રામાં હતુ અને આ દુર્ઘટના ઘટ્યા બાદ તેને આવાસોના સર્વે કરાવવાનું યાદ આવ્યુ છે. દુર્ઘટનાના બે દિવસ બાદ હવે આવાસોના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે.
માત્ર નોટિસ આપી ક્યાં સુધી સંતોષ માનશો ?
સાધાના કોલોનીમાં આવેલ ત્રણ માળની જે ઈમારત ધરાશાયી થઈ હતી તે 31 વર્ષ જૂની હતી અને હાઉસિંગ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આ દુર્ઘટના અંગે હાઉસિંગ બોર્ડના કાર્યપાલક ઈજનેરે જણાવ્યુ હતુ કે વર્ષો જૂના બિલ્ડિંગનું મેઈન્ટેનન્સ અને નિયમિત રિનોવેશનની કામગીરી ન થતી હોવાથી જર્જરીત હાલતમાં છે. જે અંગે આવાસના રહેવાસીઓને જાહેર નોટિસ આપવામાં આવી હતી. જો કે આવાસના રહેવાસીઓનો આક્ષેપ છે કે તેમને કોઈ નોટિસ મળી નથી. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે હાઉસિંગ બોર્ડ માત્ર શું નોટિસ આપીને સંતોષ માનશે ?
સર્વે માટે ત્રણ શહેરની 16 સભ્યોની ટીમના જામનગરમાં ધામા
સાધના કોલોનીની દુર્ઘટના બાદ જામનગરમાં આવેલા હાઉસિંગ બોર્ડના વિવિધ આવાસોમાં સર્વે કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજ્યના ત્રણ શહેરની હાઉસિંગ બોર્ડની ટીમ જામનગર પહોંચી છે અને 16 લોકોની 5 ટીમ દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યા છે. જેમા વડોદરાના 7, ભાવનગરના 5 અને રાજકોટના 4 સભ્યો મળીને કુલ 16 સભ્યોની ટીમ શહેરના 8 વિસ્તારમાં આવેલા આવાસોમાં સર્વે કરશે. જે અંદાજીત 3થી4 દિવસ સુધી ચાલે તેવો અંદાજ છે.
8 વિસ્તારોમાં 4200 આવાસોનો થશે સર્વે
જામનગરના જૂદા જૂદા 8 વિસ્તારોમાં કુલ 4200 જેટલા આવાસ આવેલા છે. જેમા મોટાભાગના આવાસો 15થી40 વર્ષ જૂના છે. આ તમામ આવાસો જર્જરિત સ્થિતિમાં છે કે કેમ તે અંગે હાઉસિંગ બોર્ડ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમા શાસ્ત્રીનગર 440 આવાસ, કોટનમીલ 200 આવાસ, હર્ષદ મીલ પાસે 260 આવાસ, વુલનમીલ પાસે 150 આવાસ, લાખોટા મીગ 114 આવાસ, ખોડીયાર કોલોની 254 આવાસ અને સાધના કોલોનીના 2340 આવાસમાં સર્વે કરવામાં આવશે.
આ પણ વાંચો : Jamnagar : જર્જરિત આવાસ ધરાશાયી થતા હવે અન્ય આવાસોનો કરાશે સર્વે, હાઉસિંગ બોર્ડની ટીમ આજે આવશે જામનગર, જૂઓ Video
સર્વે ટીમ ચાર દિવસમાં સર્વે કર્યા બાદ તમામ રિપોર્ટ તૈયાર કરીને સંલગ્ન વિભાગોને સોંપવામાં આવશે. સાથે સ્થાનિક તંત્રને આપવામાં આવશે. જર્જરીત આવાસોમાં રહેતા લોકોને ફરી નોટિસ આપવામાં આવશે ત્યારબાદ કામગીરી અંગે તંત્ર સાથે સંકલન કરીને નિર્ણય કરાશે. એક બિલ્ડિંગ પડ્યા બાદ આ પ્રકારના આવાસ પડવાના અકસ્માત ન બને તે માટે રાજ્યના ત્રણ શહેરની હાઉસિંગ બોર્ડની ટીમ જામનગરમાં દોડતી થઈ છે.