Jamnagar : જર્જરિત આવાસ ધરાશાયી થતા હવે અન્ય આવાસોનો કરાશે સર્વે, હાઉસિંગ બોર્ડની ટીમ આજે આવશે જામનગર, જૂઓ Video
આવાસ ધરાશાયી થયા બાદ મોડી રાત સુધી કાટમાળ ખસેડવાની કામગીરી કરાઇ હતી. તો હવે અન્ય જર્જરિત આવાસોનો પણ સર્વે કરવામાં આવશે.
Jamnagar : જામનગરની ન્યુ સાધના કોલોનીમાં જર્જરિત આવાસ (Dilapidated house) ધરાશાયી થવાની ઘટના બાદ હવે બિલ્ડિંગનો બીજો ભાગ પણ દૂર કરવામાં આવશે. આવાસ ધરાશાયી થયા બાદ મોડી રાત સુધી કાટમાળ ખસેડવાની કામગીરી કરાઇ હતી. તો હવે અન્ય જર્જરિત આવાસોનો પણ સર્વે કરવામાં આવશે. હાઉસિંગ બોર્ડની ટીમ આજે જામનગર આવશે. જર્જરિત આવાસ ધરાશાયી થતા 3 લોકોના મોત થયા હતા. ત્યારે 5 ગંભીર ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ પણ વાંચો-Vadodara: વધુ એક નકલી PMO ઓફિસર ઝડપાયો, પારૂલ યુનિવર્સિટીના સંચાલકો પર જમાવતો હતો રૌફ, જૂઓ Video
ગઇકાલે જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં આવેલા આવાસનો ત્રણ માળનો બ્લોક ધરાશાયી થતાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. સાદિયા પરિવારના 35 વર્ષીય જયપાલ સાદિયા, તેમના પત્ની મિત્તલ સાદિયા તેમજ 4 વર્ષીય બાળક શિવરાજ આ દુર્ઘટનામાં મોતને ભેટ્યા હતા. તો ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા 5 લોકો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. ગુજરાત સરકારે મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરી છે. બીજી તરફ ધારાસભ્ય રિવાબા જાડેજાએ હોસ્પિટલની મુલાકાત લઇ ઇજાગ્રસ્તોના ખબરઅંતર પૂછ્યા હતા.
મોડી સાંજે સાધના કોલોની વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના મકાનનો M-69 બ્લોક ધડાકાભેર તૂટી પડતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઇમારત જર્જરિત થતાં જ પોલીસ, 108 તેમજ રેસ્ક્યુ ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી. રેસ્ક્યુ ટીમે ઇમારતના કાટમાળ હેઠળ દટાયેલા લોકોને બહાર કાઢ્યા. પરંતુ સાદિયા પરિવારના સભ્યો સારવાર મળે તે પહેલા જ મોતને ભેટ્યા હતા.
આ મકાનો 31 વર્ષ કરતા વધુ જૂના હોવાથી ખૂબ જર્જરિત હાલતમાં હતા. અહી કુલ 72 બિલ્ડીંગ આવેલી છે. દરેક બિલ્ડીંગમા 12 આવાસ છે. હાલ જોખમી આવાસમા અનેક પરીવાર વસવાટ કરે છે. આ આવાસ બન્યા ત્યારે ભષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે.