19 મેના મહત્વના સમાચાર : અમદાવાદ એરપોર્ટ પર નોંધાયું 46.6 ડિગ્રી તાપમાન
આજે 19મે 2024ને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
ગુજરાતમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં આગામી 4 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. ગુજરાત સહિત દેશના 9 રાજ્યોમાં ભીષણ ગરમીનો પ્રકોપ છે. રાજસ્થાન પંજાબમાં પણ 46 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ છે. હજુ 5 દિવસ ભયંકર ગરમી અને લુનું એલર્ટ છે. આ તરફ જમ્મુકાશ્મીરમાં બે આતંકી હુમલાની ઘટના સામે આવી છે.અનંતનાગમાં ટુરિસ્ટ કપલને આતંકવાદીઓએ ગોળી મારી દીધી. શોપિયામાં ભાજપના નેતાની ગોળી મારીને હત્યા કરી દેવાઈ, સુરક્ષાદળોએ મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. દેશના રાજકારણની જો વાત કરીએ તો અરવિંદ કેજરીવાલ આજે આપના નેતાઓ સાથે ભાજપ મુખ્યાલય પર વિરોધ કરશે, કેજરીવાલનો આરોપ છે કે અમારી સાથે ખેલ ખેલાઈ રહ્યો છે. ગુજરાતમાં ક્ષત્રિયોની નારાજગી વચ્ચે ક્ષત્રિય મહિલા અગ્રણી ગીતાબાનું નિવેદન સામે આવ્યુ છે. તેમણે કહ્યુ કે 4 જુને રૂપાલા જીતશે રાજકોટમાં ધરણા કરીશુ. આ તરફ પ્રજ્ઞાબાએ જણાવ્યુ છે. કે રૂપાલાને ઘરે ન બેસાડીએ ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે.
LIVE NEWS & UPDATES
-
અમદાવાદ લાંભા-અસલાલી રોડ પર રૂના ગોડાઉનમાં લાગી આગ
લાંભા-અસલાલી રોડ પર રૂના ગોડાઉનમાં લાગી આગ છે. શાંતીપુરા ચોકડી પાસેની આગ લાગ્યાની ઘટના બની છે. નિશાંત ટ્રેડિંગ નામની કંપનીના કોટન વેસ્ટ મટીરીયલમાં આગ લાગી છે. અમદાવાદ ફાયર બ્રિગેડની ટિમ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવા પ્રયાસ કરી રહી છે.
-
ગુજરાતના અનેક શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર, સૌથી વધુ સુરેન્દ્રનગરમાં ગરમી
આજે દિવસનું સૌથી વધુ તાપમાન સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરમાં નોંધાયું છે. સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર થઈને 45.3 ડિગ્રીએ અટક્યો હતો. જ્યારે બનાસકાંઠાના ડીસામાં પણ ગરમીનો પારો 45.1 ડીગ્રીએ અટક્યો છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં તાપમનાનો પારો 44.9 એટલે કે 45 ડિગ્રીએ પહોચ્યો છે.
-
-
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી 10 લોકોનાં મોત !
વડોદરામાં ગરમીનાં પ્રકોપ વચ્ચે SSG હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટનું ચોકાવનારું નિવેદન સામે આવ્યું છે. મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટના જણાવ્યાનુંસાર, વડોદરામાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી 10 લોકોનાં મોત થયા છે. મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રંજન ઐયરે લોકોને અપીલ કરતા કહ્યું છે કે, વૃદ્ધો અને બાળકોએ ગરમીમાં બહાર નિકળવાનું ટાળવું જોઈએ. જીન્સને બદલે સુતરાઉ અને ખુલ્લાં કપડાં પહેરવાં જોઈએ. સિનિયર સીટીઝન અને અન્ય બિમારીથી પીડિત લોકોએ સવારે 10.30 થી સાંજે 6.30 વાગ્યા સુધી બહાર ના નિકળવું જોઈએ. દર કલાકે 800 મિ.લી. પાણી કે પ્રવાહી પીવું જોઇએ.
-
અમે પીઓકેને પાછુ લઈશું, આ મોદીની છે ગેરંટીઃ અમિત શાહ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બિહારના પશ્ચિમ ચંપારણમાં એક જનસભાને સંબોધતા પૂછ્યું કે શું PoK આપણું છે કે નહીં ? કોંગ્રેસ પાર્ટીના નેતા મણિશંકર ઐયર અને લાલુ યાદવના સાથી ફારૂક અબ્દુલ્લા કહે છે કે પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે, પીઓકેની વાત ના કરો. અમે ભાજપના કાર્યકરો પરમાણુ બોમ્બથી ડરતા નથી, આ મોદીની ગેરંટી છે કે PoK ભારતનું છે અને રહેશે અને અમે તેને લઈને રહીશું.
-
ભાવનગરના વલ્લભીપુર તાલુકાના જલાલપર ગામે બે બાળકો નદીમાં ડૂબ્યાં, એકનુ મોત
ભાવનગરના વલ્લભીપુર તાલુકાના જલાલપર ગામે બે બાળકો નદીમાં ડૂબ્યાં છે. જલાલપર ગામે આવેલી કેરી નદીમાં નાહવા પડેલા બે બાળકોના ડૂબી જવાથી મોત થયા છે. સ્થાનિક તરવૈયાઓ દ્વારા એક બાળકને બચાવી લેવાયો છે. જ્યારે નદીમાં ડૂબી જવાથી 15 વર્ષીય બાળકનું મોત નિપજ્યું છે. મૃતક બાળકનું નામ પરેશ અરવિંદભાઈ સોલંકી ઉંમર વર્ષ 15 હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બાળકના મૃતદેહને પી.એમ. અર્થે વલ્લભીપુર સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો છે.
-
-
દરિયાપુરમા જે મદ્રેસામાં હુમલો કરાયો હતો તે, મદ્રેસાની ક્રાઈમ બ્રાંચ દ્વારા કરાઈ તપાસ
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં મદ્રેસાની તપાસ કરવા ગયેલા આચાર્ય પર કરાયેલા હુમલા બાદ, પોલીસ સતર્ક થઈ ગઈ છે. જે મદ્રેસાની તપાસ સમયે હુમલો કરવામાં આવ્યો હતો તે મદ્રેસામાં દરિયાપુર પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ડ્રોન દ્વારા મદ્રેસા અને તેની આસપાસના સમગ્ર વિસ્તારની ચકાસણી કરવામાં આવી હતી.
-
દારૂ કૌભાંડમાં કોઈ રિકવરી નથી, 100 રૂપિયા પણ મળ્યા નથી – કેજરીવાલ
દારૂ કૌભાંડમાં તપાસ એજન્સી દ્વારા કોઈ વસૂલાત કરાઈ નથી. 100 રૂપિયા પણ તપાસ એજન્સીને મળ્યા નથી. મારી સામે વાહિયાત વાતો કરવામાં આવી રહી છે. જનતા પૂછી રહી છે કે દારૂ કૌભાંડના પૈસા ક્યાં છે ? એક કેજરીવાલની ધરપકડ કરશો તો 100 કેજરીવાલનો જન્મ થશે. AAPના વિકાસ કાર્યોથી ભાજપ ડરી ગઈ છે.
-
હવામાન વિભાગના અનુમાનના ત્રણ દિવસ પૂર્વે, નૈઋત્યનું ચોમાસુ પહોચ્યું નિકોબાર-માલદિવ
નૈઋત્યનુ ચોમાસુ ભારતીય ઉપખંડમા સત્તાવાર રીતે બેસી ગયું છે. હવામાન વિભાગે કરેલી જાહેરાત અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ નિકોબાર-માલદિવ સુધી બેસી ગયું છે. હવામાન વિભાગે આ વખતે નિકોબાર અને માલદિવ સુધીમાં ચોમાસુ 22 મે સુધીમાં પ્રવેશવાની ધારણા મૂકી હતી. જો કે હવામાન વિભાગના અનુમાનના ત્રણ દિવસ પૂર્વે એટલે કે આજે નિકોબાર અને માલદિવ સુધી પહોચી ગયું છે. આગામી દિવસોમાં નૈઋત્યનું ચોમાસુ આગળ વધીને કેરળ થઈને ભારતમાં ચોમાસાનો વિધિવત્ત પ્રારંભ થશે.
-
સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે નિર્માણ પહેલા જ બેહાલ, કોડીનાર ડોળાસા પાસે હાઈવે પર પડી તીરાડ
સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર નિર્માણ પહેલા જ કોડિનાર – ડોાસા પાસે તીરાડ પડી છે. 18 કિલોમીટર સુધી રોડમાં અનેક જગ્યા પર તીરાડ પડી છે. નબળી ગુણવત્તા છુપાવવા તિરાડોમાં સિમેન્ટ ભરવામાં આવી છે. સ્થાનિકોએ રોડમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરી રહ્યા છે.
-
ભાવનગર જિલ્લામાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર, રસ્તાઓ બન્યા સુમસામ
ભાવનગર: જિલ્લામાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ગરમીના કારણે લોકો કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બન્યા છે. ગરમીથી બચવા લોકો શેરડીનો રસ, જ્યુસનો સહારો લઈ રહ્યા છે. શેરડીના રસના દુકાનદારોને ત્યાં ગ્રાહકોની લાઈનો જોવા મળી રહી છે.
-
બનાસકાંઠામાં ગરમીનો પ્રકોપ યથાવત, તાપમાનો પારો 42 ડિગ્રીને પાર
બનાસકાંઠામાં ગરમીનો પ્રક્રોપ યથાવત છે. કાળજાળ ગરમી વચ્ચે બસસ્ટેન્ડમાં મુસાફરોને ભારે હાલાકી સહન કરવાનો વારો આવ્યો છે. ગરમીથી બચવા બસ સ્ટેન્ડ પરર પીવાના પાણીની સુવિધા કરી આપવામાં આવી છે. હાલ જિલ્લામાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો છે.
-
અમદાવાદમાં મદરેસાના સરવે દરમિયાન શિક્ષક પર થયેલા હુમલામાં બે લોકોની કરાઈ ધરપકડ
અમદાવાદમાં શનિવાર સવારથી રાજ્ય શિક્ષણ વિભાગના આદેશ બાદ શહેરની 205 જેટલી મદરેસાઓનો સર્વે હાથ ધરાયો હતો. આ સરવે દરમિયાન દરિયાપુર વિસ્તારમાં શિક્ષક પર ટોળાએ હુમલો કર્યો હતો. સુલતાન મહોલ્લામાં આવેલી મસ્જિદ બંધ હોવાથી શિક્ષક બંધ મસ્જિદનો ફોટો લઈ રહ્યા હતા એ સમયે ટોળાએ હુમલો કર્યો હતો. આ મામલે પોલીસે ટોળા સામે ફરિયાદ નોંધી તજવીજ હાથ ધરી હતી. જેમા ફરહાન અને ફૈઝલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
-
વડોદરામાં બની લુંટ વીથ મર્ડરની ઘટના, લૂટના ઈરાદે 70 વર્ષિય વૃદ્ધાની હત્યા
વડોદરામાં લૂંટ વિથ મર્ડરની ઘટના સામે આવી છે. જેમા લૂંટના ઈરાદે 70 વર્ષિય વૃદ્ધાની હત્યા કરી નાખવામાં આવી. ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારી ચેન અને કાનની બુટ્ટી લૂંટી લૂંટારૂ ફરાર થઈ ગયા હતા. તરસાલી રોડ વિસ્તારમાં ભાઈલાલ પાર્ક સોસાયટીમાં આ ઘટનાને અંજામ અપાયો.
-
અમરેલીમાં મહિલા પોલીસકર્મીએ વર્દી પહેરી રીલ્સ બનાવતા વિવાદ
ગુજરાત પોલીસને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. અમરેલીની કે જ્યાં એક મહિલા પોલીસ કર્મીએ બાઇક પર સવાર થઇને વર્દી પહેરીને રીલ્સ બનાવી છે,મહિલા પોલીસ કર્મીએ ચાલુ ફરજ દરમિયાન રીલ્સ બનાવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે,તો બીજી તરફ વીડિયો વાયરલ થતા મહિલા પોલીસકર્મી સામે અનેક સવાલો ઉભા થયા છે, પોલીસકર્મીઓને ફરજ દરમિયાન રીલ્સ બનાવવાની છે મનાઇ છતા રીલ્સ બનાવતા વિવાદ થયો છે.
-
મતદાનનું પોસ્ટ મોર્ટમ કરવા 22મી મે એ અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ સમિતિની મળશે બેઠક
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂરી થઇ ગઇ છે અને મતદાનના પરિણામની રાહ જોવાઇ રહી છે. પરંતુ આ પહેલા, કોંગ્રેસે તેમના 23 ઉમેદવારોને તેડું મોકલ્યું છે. 22 મેના રોજ ગુજરાત કોંગ્રસ પ્રદેશ સમિતિએ અમદાવાદ ખાતે ઉમેદવારો સાથે બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠકમાં દરેક બુથ પર થયેલા મતદાન પેટર્નથી માંડીને પક્ષ વિરોધી પ્રવૃતિઓ સહિતના મુદ્દે ચર્ચા કરાશે. લોકસભા ચૂંટણીના ગ્રાઉન્ડ રિપોર્ટને જાણવા પણ આ બેઠક ચર્ચા કરાશે. આ બેઠકમાં કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ અને કોંગ્રેસના 23 બેઠકના ઉમેદવારો ઉપસ્થિત રહશે. મહત્વનું છે, કોંગ્રેસ સમિતિએ તેમના ઉમેદવારો પાસેથી જ પક્ષ વિરોધીઓ અંગે માહિતી મંગાવી છે. પક્ષ વિરોધીઓ સામે આગામી સમયમાં શિસ્ત ભંગની કાર્યવાહી કરાશે. આ ઉપરાંત, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, જામનગર અને ભરૂચ બેઠક પર જીત મેળવશે તેવી કોંગ્રેસને આશા છે. ત્યારે, કોંગ્રેસ નેતાઓ બેઠકમાં તમામ સમીકરણ અંગે ચર્ચા-વિચારણા કરશે.
-
ગીરસોમનાથ જિલ્લામાં ફરી દીપડાની દહેશત, ઉનાના રેલવે ફાટક નજીક એકસાથે બે દીપડા જોવા મળતા ફફડાટ
ગીર સોમનાથ જિલ્લામાં ફરી દીપડાની દહેશત સામે આવી છે. ઉનાના રેલવે ફાટક નજીક એક સાથે બે દીપડા જોવા મળતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. ભોયલા વાડી વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી લોકોમાં ભય ફેલાયો છે. ઉનાળામાં પાણી અને ખોરાકની શોધમાં દીપડા શહેર તરફ આવી ચડે છે. વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરવાની માગ ઉઠી છે.
-
વડોદરા: સાવલીમાં પોઈચા ચોકડી પાસે મેળામાં દુર્ઘટના, બ્રેક ડાન્સની રાઈડ થઈ ક્ષતિગ્રસ્ત
વડોદરાના સાવલી પોઇચા ચોકડી પાસે કે જ્યાં મેળામાં બ્રેકડાન્સ રાઇડ ક્ષતિગ્રસ્ત થતાં નાસભાગ મચી હતી.રાઇડના નીચેના ભાગે લાગેલા લોખંડના પાટિયા ઉખડી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો,તો થોડા દિવસ પહેલા આવી જ ઘટના સુરતના બારડોલીમાંથી સામે આવી હતી કે જ્યાં અચાનક બંધ થઇ ગયેલી રાઇડ ચાલુ થઇ જતા 2 મહિલા અને બાળક જમીન પર પટકાયા હતા તો સમગ્ર મામલો પોલીસને ધ્ચાને આવતા કાર્યવાહી હાથ ધરી હતી
-
ગુજરાતમાં ગરમીએ મચાવ્યો હાહાકાર
ગુજરાતમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં આગામી 4 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. ગુજરાત સહિત દેશના 9 રાજ્યોમાં ભીષણ ગરમીનો પ્રકોપ છે. રાજસ્થાન પંજાબમાં પણ 46 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ છે. હજુ 5 દિવસ ભયંકર ગરમી અને લુનું એલર્ટ છે.
-
બંગાળની ખાડીમાં વાવાઝોડાના એંધાણ, ગુજરાતમાં થઈ શકે અસર, 27મે એ કમોસમી વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં વાવાઝોડાના એંધાણ છે. જેની અસર ગુજરાતમાં પણ થઈ શકે છે. 5 દિવસ પછી બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટોર્મની શક્યતા છે. 22 મે એ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાઈ શકે. આ લો પ્રેશર 24 મે એ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે. ડિપ્રેશનની અસર ગુજરાત અને મહારાષ્ટ્રના અમુક ભાગોમાં થઈ શકે. આગામી 27 મે આસપાસ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફરી કમોસમી વરસાદની આગાહી છે.
Published On - May 19,2024 9:45 AM