પોલીસની હેવાનિયત વચ્ચે જીવતી ગુજરાતની દીકરી ! રાજકોટમાં પોલીસકર્મીએ જ મહિલાને બ્લેકમેઈલ કરી લૂંટી ‘આબરૂ’ – જુઓ Video
રાજકોટમાં પોલીસ વિભાગને શરમાવે તેવી એક ગંભીર ઘટના સામે આવી છે. શહેરના એક ટ્રાફિક જવાન પર મહિલા સાથે દુષ્કર્મ આચરવાનો અને તેને બ્લેકમેઈલ કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે.

રાજકોટ શહેરમાં ખાખીને લાંછન લગાડતી એક ઘટના સામે આવી છે, જેમાં એક ટ્રાફિક જવાને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો બહાર આવી છે. ભોગ બનનાર મહિલા મીડિયાની સામે ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. પીડિત મહિલાએ આરોપ લગાવ્યો છે કે, પોલીસકર્મીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય પણ કર્યું હતું. આટલું જ નહીં, આરોપી પોલીસકર્મીએ મહિલાનો વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું.
મહિલાએ મીડિયા સામે ધ્રુસકે ધ્રુસકે રડતા ગંભીર આક્ષેપ કર્યો છે કે, નરાધમ પોલીસકર્મીએ તેની 5 વર્ષની માસૂમ દીકરી સાથે પણ અડપલા કર્યા હતા. લાંબા સમયથી આ અત્યાચાર સહન કર્યા બાદ મહિલાએ આખરે ન્યાય માટે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) નો સંપર્ક કર્યો હતો. VHPનો સંપર્ક કરતા ફરિયાદ નોંધાઈ હતી અને તે ફરિયાદને આધારે તાત્કાલિક કાર્યવાહી કરતા પોલીસે આરોપી ટ્રાફિક જવાનની ધરપકડ કરી તેને જેલહવાલે કરી દીધો છે.
‘વિશ્વ હિન્દુ પરિષદ’ યુવતીઓ માટે વહારે આવશે
ટ્રાફિક જવાન દ્વારા મહિલા પર આચરવામાં આવેલા દુષ્કર્મના મામલે હવે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા આક્રમક નિવેદન આપવામાં આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદે આરોપ લગાવ્યો છે કે, હિન્દુ યુવતીઓને ફસાવવાનું એક મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. VHPએ હિન્દુ યુવતીઓને હિંમત આપતા જણાવ્યું છે કે, તેમણે ડરવાની જરૂર નથી કારણ કે વિશ્વ હિન્દુ પરિષદ હંમેશા તેમની સાથે જ છે. સંગઠને ખાતરી આપી છે કે, સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ હિન્દુઓ પર અન્યાય થતો હશે, તો તેઓ વહારે આવશે અને પૂરેપૂરી મદદ કરશે.
આ એક ઘટનાએ ઘણા સવાલો ઊભા કર્યા છે
રાજકોટમાં ટ્રાફિક જવાન દ્વારા મહિલા સાથે દુષ્કર્મ અને 5 વર્ષની બાળકીની છેડતીની ઘટનાએ સુરક્ષાના દાવાઓની પોલ ખોલી દીધી છે. પીડિતાએ મીડિયા સમક્ષ રડતા રડતા આરોપ લગાવ્યો છે કે, પોલીસકર્મીએ તેનો વીડિયો બનાવી બ્લેકમેઈલ કરી હતી. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે, ગુજરાતમાં દીકરીઓ હવે પોલીસથી પણ સુરક્ષિત નથી.
- ‘હર્ષ સંઘવી’, લુખ્ખાઓ પર કાબૂ મેળવવાની તમારી વાતો ક્યાં ગઈ? શું તમારા પોલીસકર્મીઓ જ હવે લુખ્ખાગીરી પર ઉતરી આવ્યા છે?
- ભાજપના નેતાઓ ક્યાં છે? જેઓ સ્ટેજ પરથી બુમો પાડીને કહેતા હતા કે, “ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત છે…” આ ઘટના બાદ કેમ તેઓ મૌન છે?
- ગુજરાત પોલીસ પર ‘કલંક’… જે પોલીસ પર જનતાને ભરોસો હતો, એ જ પોલીસ હવે બળાત્કારી જેવી હરકતો કરી રહી છે. શું આ જ તમારું ‘રામરાજ્ય’ છે?
- શું ગુજરાત પોલીસ હવે લુખ્ખાગીરી અને બળાત્કાર જેવી હરકતો પર ઉતરી આવશે?
- વર્દીના જોરે માસૂમ બાળકીઓ અને મહિલાઓને હેરાન કરતા આવા પોલીસકર્મીઓ પર કડક કાબૂ ક્યારે આવશે?
આ ઘટના પરથી કહી શકાય કે, “બેટી બચાવો, બેટી પઢાઓ” ના સૂત્રો ફક્તને ફક્ત દિવાલો પર રહી ગયા છે અને રાક્ષસો રસ્તા પર ફરી રહ્યા છે.
