29 જુલાઈના મહત્વના સમાચાર : ખેડાના ઢુણાદરામાં વીજ કરંટ લાગતા એક જ પરિવારના 3 સભ્યોના મોત
Gujarat Live Updates : આજે 29 જુલાઈના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ મળ્યો. 10 મીટર એર પિસ્તોલમાં મનુ ભાકરે બ્રોન્ઝ જીત્યો છે. તો PM મોદીએ તેને શુભેચ્છા પાઠવી છે. 52 અબજના ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ થયો છે. જેમાં મહાદેવ એપ કનેક્શનની આશંકા છે. મૂળ પાટણનો વતની ભરત ચૌધરી દુબઈમાં બેસીને કરોડોનો સટ્ટો રમાડતો રમાડતો હતો. કચ્છના મુન્દ્રામાં કસ્ટમ વિભાગે 100 કરોડનું માદક દ્રવ્ય ઝડપ્યું છે. આફ્રિકા મોકલાઇ રહેલા 2 કન્સાઇન્મેન્ટ ઝડપાયા છે. આજે સંસદમાં ગુજરાતમાં વરસાદી તારાજીનો મુદ્દો ગુંજશે. શૂન્યકાળમાં શક્તિસિંહ મામલો ઉઠાવશે. તો ઋષિકેશ પટેલે પલટવાર કરતા કોંગ્રેસને અરિસો બતાવ્યો. રાજ્યમાં એકસાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. આગામી 5 દિવસ ઉત્તર, મધ્ય, દક્ષિણ સહિત સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
LIVE NEWS & UPDATES
-
ખેડાના ઢુણાદરામાં વીજ કરંટ લાગતા એક જ પરિવારના 3 સભ્યોના મોત
ખેડાના ઢુણાદરાના પરમારપુરામાં વીજ કરંટ લાગવાથી ત્રણ વ્યક્તિના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. એક જ પરિવારના બે સગા ભાઈ તથા એક કાકાના દીકરાનું મોત થયું છે. સ્નાન કરવા ગયેલ એક વ્યક્તિ સ્વીચબોર્ડને અડકતા કરંટ લાગ્યો હતો. જેને બચાવવા જતા બીજા બે વ્યક્તિઓને પણ કરંટ લાગતા ત્રણેયના મોત થયા હતા.
-
અમદાવાદમાં મણીનગરની પુરોહિત રેસ્ટોરન્ટ સીલ, ભોજનમાંથી જીવાત નીકળતા AMCની કાર્યવાહી
અમદાવાદમાં ભોજનમાં જીવાત નીકળવાની વધુ એક ઘટના સામે આવી છે. મણીનગરની પુરોહિત રેસ્ટોરન્ટમાંથી મંગાવવામાં આવેલ ભોજનમાંથી ઇયળ નીકળી છે. ખોખરાના નગરસેવક ચેતન પરમારના જનસેવા કેન્દ્રમાં કામ કરતા કર્મચારીઓએ કાકરિયા પાસેની પુરોહિત રેસ્ટોરન્ટમાંથી મંગાવ્યું હતું. આ પાર્સલના ભોજનમાં ઇયળ નીકળી હતી. આ અંગે હોટલના સંચાલકે ઉડાઉ જવાબ આપ્યો હતો. ઓર્ડર કરનાર ભાવેશ પટેલે તરત જ AMCમાં ઓનલાઈન ફરિયાદ કરતાં કોર્પોરેશને રેસ્ટોરન્ટ સીલ કરી છે.
-
-
14 કલાકમાં 203 તાલુકામાં વરસાદ, સૌથી વધુ પ્રાંતિજમાં સાડા છ ઈંચ
આજે સોમવાર 29મી જુલાીના રોજ સવારના છ વાગ્યાથી રાત્રીના આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ગુજરાતના 203 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના પ્રાંતિજમાં સાડા છ ઈંચ વરસાદ નોંધાયો છે.
-
ગુજરાતમાં ચારેય ઝોનના ફી નિયમન સમિતિના નવા હોદ્દેદારોની કરાઈ જાહેરાત
શિક્ષણ વિભાગે ફી નિયમન સમિતિના તમામ ચાર ઝોનના અધ્યક્ષ અને સભ્યોના નામ જાહેર કર્યા છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરાની FRC ના સભ્યોના નામની જાહેરાત કરાઈ છે. અમદાવાદ ઝોનના FRC અધ્યક્ષ તરીકે હર્ષિત વોરાની જાહેરાત કરાઈ છે. રાજકોટ ઝોનમાં પી જે અગ્રાવત અને સુરત ઝોનમાં અતુલ રાવલની નિમણૂક કરવામાં આવી છે. વડોદરા ઝોન FRC અધ્યક્ષ તરીકે મહંમદહનીફ સિંધીને જવાબદારી સોંપવામાં આવી છે. તમામ ઝોનમાં એક અધ્યક્ષ અને ચાર સભ્યોની સમિતિની જાહેરાત કરાઈ છે. તમામ ઝોનની FRC કમિટીનો સમયગાળો ત્રણ વર્ષનો રહેશે.
-
ઉપલેટા અને ધોરાજીમાં ખેતરોમાં થયેલ નુકસાન અંગે સર્વે કરવાની કૃષિ પ્રધાને આપી સુચના
ઉપલેટા અને ધોરાજીમાં ભારે વરસાદને કારણે ખેતી ક્ષેત્રે ભારે નુકસાન થયું છે. કૃષિ ક્ષેત્રે નુકસાની અંગેનો તાગ મેળવવા કૃષિ મંત્રી રાઘવજી પટેલએ ખેડૂતો સાથે ઉપલેટા રાઘવજી પટેલ ની સાથે રાજકોટ જિલા કલેકટર અને DDO સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. રાઘવજી પટેલ એ અસરગ્રસ્ત ગામોના ખેડૂતોની મુલાકાત કરી હતી. અધિકારીઓને તાત્કાલિક ધોરણે ખેતરોમાં થયેલ નુકસાન અંગે સર્વે કરવાની આપી સૂચના
-
-
બાવળાના અમીપુરા ગામે ધીંગાણું, 2 રાઉન્ડ ખાનગી ફાયરિંગ, વાહનોમાં તોડફોડ, ગામમાં પોલીસના ધામા
અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના અમીપુરા ગામે ગત મોડી રાતે એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થવા પામી હતી. જેમાં બે રાઉન્ડ ખાનગી ફાયરિંગ કરાયા હોવાની વાત કરાઈ છે. વાહનની સાઈડ કાપવા બાબતે થયેલો ઝઘડો, જૂથ અથડામણમાં ફેરવાયો હતો. ઘર આગળ પડેલી કારને ટ્રેક્ટરથી ટક્કર મારીને પલટી ખવડાવી ભારે નુકસાન કરવામાં આવ્યું હતું. ઈજાગ્રસ્ત એક વ્યક્તિને બાવળાની ખાનગી હોસ્પિટલમાં સારવારઅર્થે લઈ જવામાં આવ્યો હતો. બનાવને પગલે કેરાલા જીઆઈડીસી પોલીસ, એલ સીબી , એસઓજી અને ડીવાયએસપી સહિતના પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ કાબુમાં લીધી હતી. પોલીસે રાત્રે જ કોમ્બિંગ કરી 18 વ્યક્તિઓની અટકાયત કરી હતી. જેમની પાસેથી તલવાર, ધારીયા, લાકડીઓ જેવા ઘાતક હથિયારો કબજે કરવામાં આવ્યા હતા.
-
કંથારપુર વડની હાલત જોવા મંત્રી-અધિકારીઓ દોડ્યા, જાળવણી માટે પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને બનાવી સમિતિ
કંથારપુરના ઐતિહાસિક વડનો કેટલોક ભાગ તુટવાના સમાચાર સામે આવ્યા બાદ, પ્રવાસન પ્રધાન મુળુ ભાઈ બેરા સહીતના અધિકારીઓએ પણ સ્થળની મુલાકાત લીધી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેકટની જાળવણી માટે સરકારી તંત્ર હવે હરકતમાં આવ્યું છે. પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને બનાવી સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિ આખા પ્રોજેક્ટની દેખરેખ રાખશે. દબાણ, સફાઈ સહિતની જવબદરી પંચાયતને આપવામાં આવી છે. સમગ્ર પ્રોજેક્ટ એપ્રિલ 2025માં પૂર્ણ થશે.
-
ઇસ્કોન અકસ્માત કેસ : તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલની ક્રિમીનલ રિવિઝન અરજી પર હાઈકોર્ટમાં ના થઈ કોઈ સુનાવણી, 13 ઓગસ્ટે હાથ ધરાશે કાર્યવાહી
અમદાવાદનાં ઇસ્કોન ઓવરબ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલ અને પિતા પ્રજ્ઞેશ પટેલની ક્રિમીનલ રિવિઝન અરજી અરજી પર વધુ એક મુદ્દત પડી છે. આજે ગુજરાત હાઇકોર્ટમાં બંનેની અરજી પર સુનાવણી થઈ નથી. તથ્ય અને પ્રજ્ઞેશ પટેલની અરજી પર હાઇકોર્ટમાં હવે 13 ઓગસ્ટના હાથ ધરાશે સુનાવણી. તથ્ય અને પિતા પ્રજ્ઞેશ પટેલ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે ક્રિમીનલ રિવિઝન અરજી.
-
બનાસકાંઠાના ડીસામાં બે કલાકમાં ધોધમાર વરસાદ, અનેક રસ્તાઓ થયા બંધ
બનાસકાંઠાના ડીસામાં બે કલાકમાં વરસેલા ધોધમાર વરસાદને પગલે, અનેક રસ્તાઓ બંધ થયા છે. ડીસાના રાણપુર રસ્તા પર આવેલી મોટાભાગની સોસાયટીઓમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકો પરેશાન થયા છે. અનેકવાર નગરપાલિકામાં વરસાદી પાણીના નિકાલ માટે રજૂઆત કરી હોવા છતાં કોઈ જ નિકાલ નથી આવતો તેવો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.
-
અંબાજી, દાંતા, વડગામ તાલુકામાં ફરી શરુ થયેલા વરસાદથી ચોમેર ભરાયું પાણી
અંબાજી, દાતા, વડગામ તાલુકામાં ટૂંકા વિરામ બાદ ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ છે. અંબાજીમાં પણ ઠેક ઠેકાણે પાણી ભરાયા છે. દાંતાના બજારો પણ પાણીમાં તરબોળ થયા છે. હાઇવે માર્ગો પર પાણી ભરાયાં છે. હાઇવે માર્ગો ઉપર નદી જેવી પરિસ્થિતિ જોવા મળી છે. દાંતા તાલુકા સહિત વડગામમાં પણ વરસી રહ્યો છે વરસાદ.
-
અમદાવાદમાં કોર્પોરેટરના જનસેવા કેન્દ્રમાં કામ કરતા કર્મચારીએ મંગાવ્યું ભોજન, જેમા નીકળી ઈયળ
અમદાવાદમાં બહારથી મંગાવવામાં આવેલા ભોજનમાં ઈયળ નીકળી હોવાની એક ઘટના સામે આવી છે. મણીનગરની પુરોહિત રેસ્ટોરન્ટમાંથી મંગાવવામાં આવેલ ભોજનમાંથી ઇયળ નીકળી હોવાનુ જણાવવામાં આવ્યું છે. ખોખરાના કોર્પોરેટર ચેતન પરમારના જનસેવા કેન્દ્રમાં કામ કરતા કર્મચારીઓએ ઓનલાઈન ભોજન મંગાવ્યું હતું. ઓનલાઈન મંગાવેલ ટિફિન કાંકરિયા પાસેની પુરોહિત રેસ્ટોરન્ટમાંથી મંગાવ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું. પુરોહિત રેસ્ટોરન્ટમાંથી મંગાવેલ પાર્સલના ભોજનમાં ઇયળ દેખાઈ હતી. પુરોહિત હોટલના સંચાલકે ચોમાસાનું વાતાવરણ હોવાથી અને લીલા શાકભાજીમાંથી ઈયળ આવી ગઈ હશે તેવો ઉડાઉ જવાબ આપીને બીજુ ટિફિન મોકલી આપવા જણાવ્યું હતું. આ અંગે AMC માં ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી છે.
-
અમદાવાદ: શેલામાં થોડા જ વરસાદમાં ધોવાયો રસ્તો
અમદાવાદ: શેલામાં થોડા જ વરસાદમાં રસ્તો ધોવાયો છે. વરસાદી પાણીનાં નિકાલની સમસ્યા નથી. આ જ રસ્તા પર અગાઉ વિશાળ ભુવો પડ્યો હતો. કમરતોડ ખાડામાંથી પસાર થવા વાહનચાલકો મજબૂર બન્યા છે.
-
રાહુલ ગાંધીએ સંસદમાં ભાજપ પર નિશાન સાધ્યું
બજેટ પર ચર્ચા દરમિયાન લોકસભામાં રાહુલ ગાંધીએ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું કે ડરશો નહીં, ડરાવશો નહીં. મેં અગાઉ મારા ભાષણમાં કહ્યું હતું કે ભારતમાં ભાજપના સાંસદોમાં પણ ડરનો માહોલ છે.
-
GSEB પૂરક પરિણામ 2024 જાહેર
વર્ગ 10 અને ધોરણ 12 માટે GSEB પૂરક પરિણામ 2024 જાહેર કરવામાં આવ્યું છે gseb.org પર વિદ્યાર્થીઓ SSC અને HSC સામાન્ય અને વ્યાવસાયિક પ્રવાહના પૂરક પરિણામ 2024 ડાઉનલોડ કરવા માટે સીટ નંબર અને કૅપ્ચાનો ઉપયોગ કરીને લૉગિન કરી શકે છે. ધોરણ-12ની પરીક્ષામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 30.48 ટકા આવ્યુ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું 49.26 ટકા પરિણામ આવ્યુ છે. જ્યારે ધોરણ 10 નું પરિણામ 28.29 ટકા નોંધાયુ છે.
-
છોટાઉદેપુર : ડુંગરભીત ગામે બાઇકસવાર તણાયો
છોટાઉદેપુર : ડુંગરભીત ગામે બાઇકસવાર તણાયો હતો. કોઝ-વે ઉપરથી પસાર થતાં ધસમસતા પ્રવાહમાં યુવક તણાયો. સ્થાનિકોએ રેસ્ક્યૂ કરી યુવાનને બહાર કાઢ્યો હતો. લો લેવલ કોઝ-વે પરથી પસાર થતાં આ ઘટના બની છે. જીવના જોખમે ધસમસતા પ્રવાહમાંથી લોકો પસાર થાય છે.
-
અમદાવાદ : મકરબા પોલીસ હેડ ક્વાર્ટર પાસેનો રસ્તો જળમગ્ન
અમદાવાદ: શહેરમાં વહેલી સવારે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. જેના પગલે મકરબા પોલીસ હેડ ક્વાર્ટર પાસેનો રસ્તો જળમગ્ન થયો છે. ગટરના પાણી બેક મારતા વરસાદી પાણી સાથે ગટરનું પાણી ભળ્યું છે. પાણી ભરાવવાના કારણે રસ્તો બંધ કરાયો છે. વરસાદી પાણીનો તુરંત નિકાલ ન થતા સમસ્યા સર્જાઇ છે.
-
સાબરકાંઠા : રેલવે અંડર બ્રિજમાંથી પસાર થતી એસટી બસ પાણીમાં ગરકાવ
સાબરકાંઠાઃ હિંમતનગરના હમીરગઢ ગામ પાસે આવેલા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયું છે. રેલવે અંડર બ્રિજમાંથી પસાર થતી એસટી બસ પાણીમાં ગરકાવ થઈ છે. હિંમતનગરથી વીરાવડા જતી બસ હમીરગઢ અંદર બ્રિજના પાણીમાં ગરકાવ થઈ છે. પાણી ભરાય તે પૂર્વે એસટી બસ અંડર બ્રિજમાં જ સેન્સરના કારણે બંધ પડી હતી. આસપાસના ખેતરોનું તેમજ ગામનું પાણી અંડરબ્રિજમાં વર્ષોથી ભરાય છે. દર વર્ષે ચોમાસામાં અંડર બ્રિજમાં પાણી ભરાય છે. વરસાદી પાણીના નિકાલના અભાવે દર વર્ષે અંડરબ્રિજમાં પાણી ભરાય છે.
Bus flooded due to heavy rain in Hamirgadh Railway underbridge; driver rescued#Sabarkantha #GujaratRain #Monsoon #Rain #GujaratWeather #TV9Gujarati #TV9News pic.twitter.com/KsmhaeUIwU
— Tv9 Gujarati (@tv9gujarati) July 29, 2024
-
અમદાવાદ: શહેરમાં બ્રિજ પર ગાબડા પડવાનો સિલસિલો યથાવત
અમદાવાદ: શહેરમાં બ્રિજ પર ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. ચાણક્યપુરી રેલવે ઓવરબ્રિજ પર ગાબડું પડ્યું છે. પ્રભાત ચોકથી SG હાઇવેને જોડતા ફ્લાય ઓવરબ્રિજ પર ગાબડું પડ્યુ છે. બ્રિજ પરથી ડામર ઉખડ્યો અને સળિયા દેખાવા લાગ્યા. અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. બ્રિજ પર થીગડાં મારવાની કામગીરી હાથ ધરાઈ છે.
-
ખેડા: જિલ્લામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન
ખેડા: જિલ્લામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયુ છે. નડિયાદમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી થયા છે. રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઇ રહી છે. નડિયાદ પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી છે. શહેરના ગરનાળાઓમાં પાણી ભરાતા સ્થિતિ કફોડી બની છે.
-
બોટાદ: બરવાળા ખાતે હિટ એન્ડ રનની ઘટના
બોટાદ: બરવાળા ખાતે હિટ એન્ડ રનની ઘટના બની છે. BMW કાર ચાલકે બાઈકસવાર દંપતિને અડફેટે લીધું. 2 વર્ષીય બાળક સાથે દંપતિ ફરવા નીકળ્યું હતું. સરકારી કોલેજ પાસે અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઇ ગયો હતો. અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયુ છે. બાળક અને પિતાને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતમાં BMW કારની નંબર પ્લેટ તૂટીને ત્યાં જ પડી. નંબર પ્લેટ પરથી ગાડી સુરતની હોવાનું અનુમાન છે. બરવાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
-
દમણ: નાની દમણ બસ ડેપો પાસે પર્યટકોની પોલીસ સાથે બબાલ
દમણ: નાની દમણ બસ ડેપો પાસે પર્યટકોની પોલીસ સાથે બબાલ થઇ. પર્યટકોએ દમણ પોલીસ સાથે મારામારી કરી છે. મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. સુરત પાસિંગ કારના ચાલકો રોન્ગ સાઈડમાં આવ્યા હતા. પોલીસ દ્વારા અટકાવાતા ડ્રાઈવર સહિતના મુસાફરોની પોલીસ સાથે ઝપાઝપી થઇ હતી. પર્યટકો નશામાં ધૂત હોવાનો પોલીસનો દાવો છે. કારમાં સવાર હતા 4 પુરુષો અને 1 મહિલા હતી. પોલીસે 2 પુરુષોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
-
ગુજરાતમાં વરસાદી તારાજીનો મુદ્દો હવે સંસદમાં ગુંજશે
ગુજરાતમાં વરસાદી તારાજીનો મુદ્દો હવે સંસદમાં ગુંજશે. શૂન્યકાળમાં શક્તિસિંહ ગોહિલ સંસદમાં ગુજરાતના ઘેડ પંથકમાં થયેલી વરસાદની તારાજીનો મુદ્દો ઉઠાવશે. ઘેડમાં વર્ષોથી પાણી ભરાતા હોવા છતાં નક્કર કામગીરી ન કરી હોવાનો શક્તિસિંહ ગોહિલનો આરોપ છે. શક્તિસિંહે આક્ષેપ કર્યો છે કે ઘેડ પંથકની સમસ્યાને ભૂલી જઇ નરેન્દ્ર મોદી સરકારે બિહાર અને આંધ્રપ્રદેશને મદદ કરી. તો તેના જવાબમાં ભાજપે કોંગ્રેસને ભૂતકાળ યાદ કરાવ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું કે બિહારને જરૂર હતી, એટલે આર્થિક મદદ આપી, પણ યુપીએ સરકાર વખતે જ્યારે ગુજરાતને પાણીની જરૂર હતી અને નર્મદા ડેમમાં દરવાજા નાખવાના હતા, ત્યારે કોંગ્રેસે જ આ કાર્યનો વિરોધ કર્યો હતો.
-
પંચમહાલ: ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતાં બે બોગસ ડૉક્ટર ઝડપાયા
પંચમહાલ: ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતાં બે બોગસ ડૉક્ટર ઝડપાયા છે. SOGની ટીમે બે બોગસ ડૉક્ટરને ઝડપી કાર્યવાહી કરી છે. ઘોઘંબાના લાબડાધરા ગામેથી એક, મોરવા હડફના નવાગામેથી એક ઝડપાયો છે. ઝડપાયેલા બન્ને ડૉક્ટર મૂળ બાંગ્લાદેશના વતની છે. અનુપમ વિશ્વા અને દિપંકર નિર્મલ સરદર પાસેથી દવાઓ સહિત અન્ય સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. મોટા પ્રમાણમાં એલોપેથી દવાનો જથ્થો મળી આવ્યો છે.
-
વરસાદને લઇને હવામાન વિભાગની મોટી આગાહી
વરસાદને લઇને હવામાન વિભાગની મોટી આગાહી છે. આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારેની આગાહી છે. સૌરાષ્ટ્રમાં પણ આગામી 3 દિવસ ભારેથી અતિભારેની આગાહી છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદની આગાહી છે. ગુજરાત પર હજુ પણ 2 વરસાદી સિસ્ટમ સક્રિય છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ કુલ 20 ટકા વરસાદ વરસ્યો છે.
-
અમદાવાદ: નિકોલમાં પૂરપાટ ઝડપે આવતી કારે મહિલા અને બાળકને મારી ટક્કર
અમદાવાદ: નિકોલમાં પૂરપાટ ઝડપે આવતી કારે મહિલા અને બાળકને ટક્કર મારી. જેમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત થયુ છે. નિકોલની અબજીબાપા ગ્રીન્સ સોસાયટીના ગેટ પર અકસ્માત સર્જાયો. 3 વર્ષનો બાળક ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. મહિલા બાળક સાથે ઉભા હતા ત્યારે અચાનક કાર ધસી આવી હતી. ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી.. અકસ્માત સર્જનાર કારને ક્રેન દ્વારા હટાવવાનો પ્રયાસ પર સ્થાનિકોએ વિરોધ કર્યો હતો.
Published On - Jul 29,2024 7:54 AM