22 જુલાઈના મહત્વના સમાચાર : ગણદેવીના ગોયદી ભાઠલા ગામે 20 લોકો નદીના પૂરના પાણી વચ્ચે ફસાયા, બચાવવા તંત્ર પાસે માંગી મદદ
આજે 22 જુલાઈને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 22 જુલાઈને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
અમદાવાદમાં ગુજરાત યુનિ. ખાતે પ્રદર્શન માટે એકઠા થયેલા Gen-Z વિદ્યાર્થીઓની અટકાયત કરાતા પોલીસ મથકે કરાયો વિરોધ
નીટ પેપર લીક મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકમાં વિરોધ કર્યો. મોટી સંખ્યામાં યુવક યુવતીઓ વિરોધ નોંધાવ્યો. ગુજરાત યુનિવર્સિટી ખાતે મોટી સંખ્યામાં પ્રદર્શન કરવા લોકો એકઠા થયા હતા. 150 થી વધુ ડિટેઇન કરીને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન લાવ્યા હતા. બાદમાં પોલીસ સ્ટેશનમાં જ વિરોધ કર્યો. જેસીપી, ડીસીપી સહિતના અધિકારીઓ દોડી આવ્યા. પોલીસે યુવક યુવતીઓ ને સમજાવીને છોડ્યા.
-
ગણદેવીના ગોયદી ભાઠલા ગામે 20 લોકો નદીના પૂરના પાણી વચ્ચે ફસાયા, બચાવવા તંત્ર પાસે માંગી મદદ
નવસારીના ગણદેવીના ગોયદી ભાઠલા ગામે 20 લોકો વરસાદી પૂરના પાણી વચ્ચે ફસાયા છે. વાઘરેચ ટાઇડલ ડેમની કન્સ્ટ્રક્શન સાઇટ પર ફસાયા છે. અંબિકા નદી તેમજ કાવેરી નદીના પાણી વધતા ક્રેઈન તેમજ હાઇવા અને પોકલેન્ડ મશીન પણ પાણીમાં ગરકાવ થયા હોવાના અહેવાલ છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર ફસાયેલાં લોકોને રેસ્કયું કરવા મદદ માંગવામાં આવી છે.
-
-
મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, કડાણામાં 62 મી.મી, કોઠંબામાં 53 મી.મી., લુણાવાડામાં 45 મી.મી., વીરપુર તાલુકામાં 28 મી.મી. વરસાદ
મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. લુણાવાડા નગરની શેરીઓમાં વહ્યા વરસાદી પાણી. કડાણા તાલુકામાં 62 મી.મી વરસાદ વરસ્યો છે. કોઠંબા તાલુકામાં 53 મી.મી વરસાદ નોંધાયો છે. લુણાવાડા તાલુકામાં પણ 45 મી.મી વરસાદ અને વીરપુર તાલુકામાં 28 મી.મી વરસાદ નોંધાયો છે.
-
અમદાવાદમાં Gen-Z આંદોલનકર્તા વિદ્યાર્થીઓની પોલીસે કરી અટકાયત
Gen-Z આંદોલન હેઠળ ગુજરાત યુનિવર્સિટી પાસે દેખાવો કરવામાં આવ્યા હતા. નાના નાના ગ્રુપમાં વિદ્યાર્થીઓ દેખાવો કરવા પહોચ્યા હતા. જો કે, ગઈકાલ મંગળવારથી ગુજરાત યુનિવર્સિટીની આસપાસ બંદોબસ્તમાં રહેલ પોલીસે દેખાવકર્તા Gen-Z આંદોલનકર્તા વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી.
-
વાવ-થરાદ જિલ્લાના નાગરિકોના વાહનો GJ-40થી નોંધાશે થરાદ ખાતે નવી RTO શરૂ
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વાહન વ્યવહાર ક્ષેત્રે નાગરિકોની સુવિધા માટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાંથી અલગ અલગ તાલુકાઓને સાંકળીને નવા રચાયેલા વાવ-થરાદ જિલ્લાના નાગરિકોને વાહન વ્યવહાર વિભાગની સેવાઓ હવે સરળતાથી, ઝડપથી અને પારદર્શક રીતે મળશે. આજે 22 જુલાઈથી ‘સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, થરાદ (GJ-40)’નો વિધિવત પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.
વાવ-થરાદ જિલ્લાના દિયોદર, લાખણી, થરાદ, રાહ, વાવ, ધરણીધર, સુઇગામ અને ભાભર તાલુકાના વાહનચાલકોને હવેથી પોતાના વાહન તથા લાયસન્સ લગતા કામકાજ માટે દૂર જવું પડશે નહીં અને સ્થાનિક સ્તરે જ સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ નવી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી મુ. બુઢનપુર, થરાદ-સાંચોર હાઇવે, થરાદ, જી. વાવ-થરાદ ખાતે કાર્યરત કરવામાં આવી છે.
-
-
રથયાત્રાના દિવસે અમદાવાદમાં ડાયવર્ટ કરાયેલ રૂટ પરના વાહનચાલકોને મળેલ 1,855 ઈ-મેમો, કેસ ટુ કેસ સ્ટડી કરીને માફ કરાયા
અમદાવાદમાં 16મી જુલાઈના રોજ નીકળેલી ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાને લઈને શહેર ટ્રાફિક પોલીસે રૂટ ડાયવર્ટ કર્યા હતા. આ દિવસે, ડાયવર્ટ કરાયેલા રૂટ પર ઈસ્યુ કરાયેલા 1855 ઈમેમોને કેસ ટુ કેસ સ્ટડી કરીને માફ કરાયા છે. શહેરના 131 ટ્રાફિક જંકશનના CCTV ફૂટેજની ચકાસણી બાદ કાર્યવાહી. રૂટ ડાયવર્ઝનને કારણે વન-વેમાં ગયેલા વાહનચાલકોને મળી રાહત. નો-પાર્કિંગ એરિયામાં વાહન મૂકવાની ફરજ પડેલા કેસોની પણ સમીક્ષા. વાસ્તવમાં કોઈ વાંક ન હોય તેવા વાહનચાલકોને આપવામાં આવી રાહત.
-
નવસારીમાં પૂર્ણા નદીના પૂરના પાણી ફરી વળે તેવી સંભાવના, નદીકાંઠાના 10 વિસ્તારોને એલર્ટ કરાયા
નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં પૂરનું એલર્ટ જાહેર કરાયું છે. 23 ફૂટ ભયજનક સપાટી ધરાવતી પૂર્ણા નદીની સપાટી 20 ફૂટ પહોંચી ગઈ છે. ભેસતખાડીથી લઈને પૂર્ણાકાંઠાના 10 વિસ્તારને કરવામાં આવ્યા એલર્ટ. એનાઉન્સમેન્ટ કરી લોકોના સ્થળાંતરણ માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
-
ભારે વરસાદને લઈને અપાયેલ રેડ એલર્ટને લઈ સુરતમાં તકેદારીના ભાગરૂપે BRTS અને સિટી બસના 5 રૂટ બંધ કરાયા
સુરતમાં વરસાદને લઈને અપાયેલા રેડ એલર્ટના પગલે મહાનગરપાલિકાનુ તંત્ર એલર્ટ થયું છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજને જણાવ્યું છે કે, વહેલી સવારથી જ SMC ના કર્મચારીઓ દ્વારા ફિલ્ડ પર પાણી નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે બજાવી રહ્યાં છે. નીચાણવાળા વિસ્તારોમાં NDRF અને SDRF ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સલામતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તકેદારીના ભાગરૂપે BRTS અને સિટી બસના 5 રૂટ બંધ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય રૂટ્સ પર મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા નાગરિકોને ઘરમાં કે સુરક્ષિત જગ્યાએ રહેવા આદેશ
-
મહેસાણા ભાજપમાં યાદવાસ્થળી, મેયરનું નામ જ સરકારી કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાંથી ગાયબ
ગુજરાત સરકારના કાર્યકાર્મની આમંત્રણ પત્રિકામાંથી મહેસાણાના મેયરના નામની કરાઈ બાદબાકી. આમંત્રણ પત્રિકામાં નામ ના છપાતા તરેહ તરેહની વાત થઈ રહી છે. મહેસાણાના પ્રથમ નાગરિક એવા સોનલ ઓઝાનું નામ સરકારી કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં ના છપાતા, ભાજપમાં યાદવાસ્થળી ચાલતી હોવાની વાત ચૌરે અને ચૌટે થઈ રહી છે. ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITI ના નવનિર્મિત મકાનના ખાતમુહૂર્તની આમંત્રણ પત્રિકામાં નામ છાપવામાં આવ્યું નથી. આવતીકાલ, 23 જુલાઈને ગુરુવારના રોજ, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને મંત્રી કાંતિલાલ અમૃતિયા ઉપસ્થિત રહેવાના છે.
-
લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત
લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષે મચાવેલા ભારે હોબાળાને કારણે, લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલ ગુરુવાર સુધી સ્થગિત કરવામાં આવી છે.
-
ગુજરાત ATSની તપાસમાં નવા ખુલાસા, આતંકી બિલાલ શેરાને લઈ હોટલમાં કરાયું રિકન્સ્ટ્રક્શન
ગુજરાત ATS દ્વારા 13 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ બાદ તપાસમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. તપાસના ભાગરૂપે ATSની ટીમે શંકાસ્પદ આતંકી બિલાલ શેરાને અમદાવાદના કઠવાડા વિસ્તારમાં આવેલી દિવ્યા પેલેસ હોટલમાં લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે બિલાલ શેરા છેલ્લા એક વર્ષ દરમિયાન અનેક વખત આ હોટલમાં રોકાયો હતો અને તેની સાથે સલમાન શેરા પણ અહીં રહેતો હતો. તપાસ દરમિયાન એવી માહિતી પણ મળી છે કે બિલાલ નોકરી પરથી પરત આવ્યા બાદ લેપટોપ પર મોડી રાત સુધી કામ કરતો હતો, જેને લઈને ATS વિવિધ ડિજિટલ પુરાવાઓની તપાસ કરી રહી છે. વધુમાં તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે બિલાલે અગાઉ આતંકી અમીનને જેહાદી સાહિત્ય ધરાવતી પેનડ્રાઇવ આપી હતી. હાલ ATS સમગ્ર નેટવર્ક, સંપર્કો અને આતંકી ગતિવિધિઓના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
-
નવસારીમાં પૂર જેવી સ્થિતિની આશંકા, તંત્રએ 2 હજારથી વધુ ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને પૂર્ણા નદીની સપાટીમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર એક્શનમાં આવ્યું છે. સંભવિત પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે નવસારીના રામજી મંદિર ખાતે 2 હજારથી વધુ ફૂડ પેકેટ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં જરૂરિયાત ઊભી થાય તો અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક ભોજન મળી રહે તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે રાહત અને બચાવ કામગીરી માટે જરૂરી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે તેમજ નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.
-
અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપનો દેખાવો
દિલ્હીમાં વડાપ્રધાનના નિવાસસ્થાન બહાર કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા દેખાવના વિરોધમાં અમદાવાદમાં ભાજપના કાર્યકરોએ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કોંગ્રેસ કાર્યાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બંને પક્ષોના કાર્યકરો વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણને ધ્યાનમાં રાખીને પોલીસે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી હતી.
-
PM મોદી અને શરદ પવારની દિલ્હીમાં મુલાકાત, સુપ્રિયા પણ તેમની સાથે હતી
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન વચ્ચે, NCP પ્રમુખ શરદ પવાર અને તેમની પુત્રી સુપ્રિયા સુલે બુધવારે સંસદ ભવનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ દરમિયાન પીએમ મોદી શરદ પવારનો હાથ પકડેલા જોવા મળ્યા હતા. વાસ્તવમાં, આ બેઠક એવા સમયે થઈ જ્યારે શરદ પવાર અને સુપ્રિયા સુલે એક દિવસ પહેલા જ જંતર-મંતર પહોંચ્યા હતા.
Rajya Sabha MP Shri @PawarSpeaks Ji and Lok Sabha MP Smt. @supriya_sule Ji called on PM @narendramodi in Parliament earlier today. pic.twitter.com/DwTspUA0th
— PMO India (@PMOIndia) July 22, 2026
-
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકી હુમલો
દક્ષિણ કાશ્મીરના અનંતનાગના લાલ ચોક વિસ્તારમાં કોકરનાગ રોડ પર પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ દળ પર આતંકવાદી હુમલો થયો. ગોળીબારમાં ગંભીર રીતે ઘાયલ થયેલા હેડ કોન્સ્ટેબલ આશિક હુસૈન કુરેશીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું.
-
અમદાવાદ: વટવાના વાંદરવટ તળાવમાં ડૂબેલા બે સગીરના મૃતદેહ મળ્યા
અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવમાં ડૂબી ગયેલા બે સગીર કિશોરોના મૃતદેહ મળી આવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રાથમિક માહિતી મુજબ 13 વર્ષીય અને 17 વર્ષીય બંને કિશોર તળાવમાં ન્હાવા માટે ગયા હતા, તે દરમિયાન તેઓ ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી શોધખોળ હાથ ધરી હતી અને ભારે જહેમત બાદ બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ત્યારબાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
-
ગીરા ધોધ ફરીથી વહેતો થતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ
-
અમદાવાદ: દિલ્લીમાં ગઈકાલે રાહુલ ગાંધીની અટકાયત મુદ્દે કોંગ્રેસનો દેખાવો
અમદાવાદમાં દિલ્લીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમાં કોંગ્રેસ કાર્યકરોએ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય બહાર દેખાવો કર્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિત અનેક કાર્યકરો જોડાયા હતા. દેખાવો દરમિયાન કાર્યકરોએ વિદ્યાર્થી આંદોલનને સમર્થન જાહેર કરી શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ પણ ઉઠાવી હતી. વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતા પોલીસે કાર્યવાહી કરીને અમિત ચાવડા સહિત અનેક કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી. સમગ્ર ઘટનાને પગલે કોંગ્રેસ અને પોલીસ વચ્ચે થોડો સમય તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
-
વડોદરા: જૈશના બે આતંકીઓ વડોદરાની હોટલમાં રોકાયાનો ઘટસ્ફોટ
-
રાજ્યમાં વરસાદ બાદ જળાશયોમાં પાણીની આવક
-
અમદાવાદ: ACBના DIG સાથે ₹61 લાખની ઠગાઈ
અમદાવાદમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ના DIG અને સિનિયર IPS અધિકારી પી. એલ. માલ સાથે ફ્લેટના સોદામાં ₹61 લાખની છેતરપિંડી થયાનો મામલો સામે આવ્યો છે. ફરિયાદ મુજબ, ચાંદખેડામાં આવેલા ફ્લેટના વેચાણના નામે ₹61 લાખ ચૂકવ્યા હોવા છતાં ફ્લેટના દસ્તાવેજ કરી આપવામાં આવ્યા ન હતા. આ મામલે સિનિયર IPS અધિકારી પી. એલ. માલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અમિત જાની અને તેમની પત્ની સામે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હાલ પોલીસ સમગ્ર ફ્લેટ સોદાની તપાસ કરી રહી છે અને વધુ વિગતો મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.
-
આગામી એક કલાક ભારે વરસાદની આગાહી
આગામી એક કલાક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં આકાશી આફત ત્રાટકી શકે છે. 10 વાગ્યા સુધી હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું. સુરત, નવસારી, તાપી, વલસાડ, ડાંગમાં રેડ એલર્ટ છે.
-
નવસારી: ભારે વરસાદને પગલે ઠેર-ઠેર જળબંબાકાર
નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રેડ એલર્ટ વચ્ચે જિલ્લામાં તેમજ વિવિધ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત બન્યું છે. બીલીમોરાની દેવસર વેંકટેશ્વર સોસાયટીમાં કમર સમા પાણી ભરાઈ જતાં રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સોસાયટીમાં પાર્ક કરાયેલા અનેક વાહનો પાણીમાં ડૂબી ગયા હતા. વોટર લોગિંગના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને અનેક સ્થળોએ પાણી ભરાવાને કારણે વાહનો તેમજ અન્ય માલ-સામાનને પણ નુકસાન પહોંચ્યું છે.
-
સુરત અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ
સુરત અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. તાપી નદીમાં ઉપરવાસમાંથી નવા નીર આવતાં કોઝવેની સપાટી 6.66 મીટર સુધી પહોંચી હતી અને કોઝવે ઓવરફ્લો થતાં તેના પરથી પાણી વહેવા લાગ્યું હતું. બીજી તરફ, ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક વધી રહી છે, જેના પરિણામે ડેમની જળસપાટી વધીને 313.14 ફૂટ સુધી પહોંચી છે.
-
સિક્કિમઃ ટનલ પર ભૂસ્ખલન દુર્ઘટનામાં 20 શ્રમિકોના મોત
સિક્કિમમાં ભારે વરસાદને કારણે ટનલ પ્રોજેક્ટ પર થયેલા ભયાનક ભૂસ્ખલનમાં 20 શ્રમિકોના મોત થયા છે. રાહત અને બચાવ કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં 20 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે હજુ પણ 5 શ્રમિકો કાટમાળ નીચે ફસાયેલા હોવાનું માનવામાં આવે છે. સતત વરસાદ અને ભારે કાટમાળને કારણે બચાવ ટીમોને ફસાયેલા શ્રમિકો સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકથી એનડીઆરએફ અને અન્ય બચાવ દળો સતત રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહ્યા છે.
-
રાજ્યમાં 27 જુલાઈ સુધી વરસાદી માહોલની શક્યતા
રાજ્યમાં 27 જુલાઈ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. નવસારી અને વલસાડ માટે રેડ એલર્ટ, જ્યારે સુરત, તાપી અને ડાંગ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આવતીકાલે સારો વરસાદ પડી શકે છે, જ્યારે ખેડા, આણંદ અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
Published On - Jul 22,2026 7:41 AM
