19 ઓગસ્ટના મહત્વના સમાચાર : ભાવનગર નકલી દારુની ઘટના મામલે DyCM- ગૃહપ્રધાન હર્ષ સંઘવીનું મૌન
આજે 19 ઓગસ્ટને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 19 ઓગસ્ટને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
ભાવનગર નકલી દારુની ઘટના મામલે DyCM- ગૃહપ્રધાન હર્ષ સંઘવીનું મૌન
ભાવનગરમાં નકલી દારૂ પીધા બાદ થયેલા મોતના મામલે, નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. TV9ના સવાલોના જવાબ આપવાથી પણ હર્ષ સંઘવી દૂર રહ્યા હતા. રાજ્યના મુખ્ય પોલીસ વડાએ પણ સમગ્ર મામલે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો. ભાવનગરમાં નકલી દારૂ પીધા બાદ 4 લોકોના મોત થયા હોવાના અહેવાલ વચ્ચે સરકાર અને પોલીસ તંત્રના વલણને લઈને સવાલો ઉઠી રહ્યા છે.
-
કેશોદમાં પત્નીની હત્યા કરીને યુવાને ટ્રેન નીચે ઝંપલાવી કર્યો આપઘાત
કેશોદના એરપોર્ટ ફાટક નજીક બાંદ્રા તરફ જતી એક્સપ્રેસ ટ્રેનની અડફેટે યુવાનના મોતના મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવાને પ્રથમ પોતાના ઘરે પત્નીની ગળે ટૂંપો આપી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ પત્નીની હત્યા કર્યા બાદ યુવાને ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હોવાની આશંકા છે. પોલીસ તપાસ માટે યુવાનના ઘરે પહોંચી ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો. મૃતક દંપતીએ પ્રેમલગ્ન કર્યા હતા અને તેમના લગ્નને ચાર વર્ષ થયા હતા. હાલ પોલીસે ઘટનાસ્થળે વધુ તપાસ હાથ ધરી છે.
-
-
સોમનાથ નજીક ઐતિહાસિક શિલાલેખ તોડવાના આક્ષેપથી વિવાદ
ગીર સોમનાથના વેરાવળમાં સોમનાથ મંદિર નજીક ડિમોલિશન દરમિયાન ફારસી લખાણ ધરાવતો ઐતિહાસિક શિલાલેખ તોડી પાડ્યાના આક્ષેપથી વિવાદ સર્જાયો છે. SDMના જણાવ્યા મુજબ 2 હજાર ચોરસ ગજ વિસ્તારમાં આવેલી 5 પ્રોપર્ટી તોડવાની સૂચના હતી, જેમાં દુકાન અને જમાતખાના અંદરની પ્રોપર્ટીનો પણ સમાવેશ થાય છે. શિલાલેખ કોના દ્વારા તોડાયો અને તેને તોડવાનો આદેશ હતો કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે. જોકે, પ્રશાસનના અધિકારીઓ કેમેરા સામે સ્પષ્ટ જવાબ આપવાથી દૂર રહ્યા છે. સમગ્ર મામલે વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ સવાલો ઉઠાવતાં વિવાદ વધુ ઘેરો બન્યો છે.
-
અમદાવાદ સ્ટેશન પર 3 મહિના માટે જોધપુર–હડપસર–જોધપુર ટ્રેનનું સ્ટોપેજ બંધ
અમદાવાદ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ કાર્યને કારણે ટ્રેન નંબર 20495/20496 જોધપુર–હડપસર–જોધપુર દૈનિક એક્સપ્રેસનું અમદાવાદ સ્ટેશન પરનું સ્ટોપેજ 21 ઓગસ્ટથી 21 નવેમ્બર 2026 સુધી અસ્થાયી રીતે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન મુસાફરોની સુવિધા માટે ટ્રેનને સાબરમતી સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે. પ્લેટફોર્મની મર્યાદિત ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા આ નિર્ણય લેવાયો છે.
-
અપહ્યત યુવતીને પરત લાવવા પોલીસ સ્ટેશનમાં ધરણા
મહેસાણામાં પ્રેમલગ્ન કરનાર તબીબ યુવતીના અપહરણ મામલે પરિવારજનોએ એ ડિવિઝન પોલીસ મથકે ધરણા શરૂ કર્યા છે. આરોપ મુજબ શિવ વાટિકા સોસાયટીમાંથી યુવતીના પિયરપક્ષના લોકો તેને બળજબરીથી લઈ ગયા હતા. અંતરજ્ઞાતિય લગ્નની અદાવતમાં અપહરણનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ બાદ 24 કલાક વીતી જવા છતાં યુવતીની ભાળ ના મળતા પીડિત પરિવારે પોલીસ સમક્ષ યુવતીને સહીસલામત પરત લાવવા અને ઝડપી તપાસ કરી ન્યાય આપવાની માંગ કરી છે.
-
-
ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે રાહત, 20 ઓગસ્ટથી સિંચાઈનું પાણી છોડાશે
ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોના ઊભા પાકને બચાવવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશ બાદ સુજલામ સુફલામ યોજના અંતર્ગત આવતીકાલ, 20 ઓગસ્ટથી ઉત્તર ગુજરાતમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીની રજૂઆતને પગલે મુખ્યમંત્રીએ અમેરિકાના પ્રવાસે હોવા છતાં તાત્કાલિક નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયથી ઉત્તર ગુજરાતના હજારો ખેડૂતોને રાહત મળશે અને પાકને નુકસાન થતું અટકશે.
-
અમદાવાદના વિરમગામ વિસ્તારોના ખેતરમાં હજુ પણ ભરાયેલા છે વરસાદી પાણી
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ વરસાદી પાણી ભરાઈ રહ્યાં હોવાની વિગતો સામે આવી છે. ભારે વરસાદ વરસ્યાને એક મહીના થવા આવ્યો હોવા છતા પણ હજુ વરસાદી પાણી નથી ઓસર્યા. વિરમગામ બાયપાસ રોડ પર આવેલા ખેતરો હજુ જળમગ્ન સ્થિતિમા છે. વિરમગામ-અમદાવાદ બાયપાસ રોડ પર FCI ગોડાઉન પાસેના 350 થી વધુ વિઘાના જમીનમાં હજુ ભરાઇ રહ્યા છે પાણી. ડાંગર સહિત ઉભા પાક મોટુ નુકશાન, ખેડુતોની પાણી નિકાલ અને પાક નૂકશાન વળતરની માંગ કરાઇ છે. વિરમગામ બાયપાસ રોડ પર ગરનાળા બંધ કરતા પાણીના નિકાલ નહી બાજુમા રેલવે ઓવરબ્રિજ ના કામકાજ વચ્ચે ગરનાળા બુરાણ થયુ હોવાની રજૂઆત કરાઈ રહી છે. વિરમગામ પાસેના ખેતરો પાણીથી પાક ફેઇલ થઇ,હાલ નવી ખેતી કરે તેવી સ્થિતિ ન થતા હાલાકી થઈ રહી છે. તંત્ર પાસે ખેડુતો માંગ પાણીનો તાત્કાલિક યોગ્ય નિકાલ કરવા માંગ કરાઇ છે.
-
જલાલપોરના ઓંજલ દરિયાકિનારે આસારામ આશ્રમનું ગેરકાયદે બાંધકામ તંત્ર દ્વારા તોડી પડાયું
નવસારીના જલાલપોરના ઓંજલ દરિયાકિનારે ગેરકાયદે બાંધકામ સામે તંત્રનું બુલડોઝર ચાલ્યુ છે. આસારામ આશ્રમનું ગેરકાયદે બાંધકામ તંત્ર દ્વારા તોડી પડાયું છેે. મહેસૂલ અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં 6 હજાર ચો.મી. જમીન દબાણ મુક્ત કરવામાં આવી છે. સરકારી ખારપાટની જમીન પરનું દબાણ તંત્રએ દૂર કર્યું છે. 2013માં દબાણ હટાવ્યા બાદ ફરી શેડ અને ફેન્સિંગ કરાયું હતું. કલેક્ટરના આદેશ બાદ મામલતદાર અને પોલીસ કાફલો સ્થળે પહોંચ્યો હતો. JCBની મદદથી શેડ, પેવર બ્લોક અને તાર ફેન્સિંગ દૂર કરાયા છે. હવન કુંડ સહિતનું ગેરકાયદે બાંધકામ પણ જમીનદોસ્ત કરાયું છે. સરકારી જમીન પર દબાણ કરનારાઓ સામે તંત્રની કડક કાર્યવાહી કરવામાં આવી છે.
-
ભાવનગરમાં ડુપ્લીકેટ રોયલ સ્ટેગ દારુ પીવાથી 4ના મોત, 18 વ્યક્તિઓ સારવાર હેઠળ, 2 દર્દીઓ ક્રિટિકલ, 4 આઇસીયુમાં દાખલ : ભાવનગર જિલ્લા કલેકટર
ભાવનગરમાં સર્જાયેલ કથિત લઠ્ઠાકાંડ મામલે જિલ્લા કલેકટરે કેટલીક વિગતો જાહેર કરી છે. ભાવનગરના જિલ્લા કલેકટર મનીષ બંસલે કહ્યું કે, ડુપ્લીકેટ રોયલ સ્ટેગ પીવાથી 4 વ્યક્તિઓના મોત થયા છે. કાર્તિક મકવાણા, ઉપેન્દ્રસિંહ ગોહીલ, ઘનશ્યામસિંહ, અને નરેન્દ્ર યાદવના મોત થયા છે. જોકે નરેન્દ્ર યાદવ શંકાસ્પદ છે. હાલ 18 વ્યક્તિઓ હાલ સારવાર નીચે છે. જે પૈકી 2 દર્દીઓ ક્રિટિકલ છે, 4 આઇસીયુંમાં દાખલ છે. 2 વેન્ટિલેટર ઉપર છે અને 10 નોર્મલ સ્થિતિમાં સારવાર લઈ રહ્યાં છે.
-
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં મેથાણમાં ગ્રામીણ બેંકમાં રૂ.1.72 કરોડના કૌભાંડનો પર્દાફાશ, તત્કાલીન બેંક મેનેજર નિખિલ પ્રજાપતિ ઝડપાયો
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં મેથાણમાં ગ્રામીણ બેંકમાં રૂ.1.72 કરોડના કૌભાંડનો પર્દાફાશ કરાયો છે. તત્કાલીન બેંક મેનેજર નિખિલ પ્રજાપતિ પોલીસના હાથે ઝડપાયો છે. ગ્રાહકોના નામે 67 બોગસ ખાતા ખોલી લોન ઉપાડ્યાનો આરોપ. મેથાણ સહિત રાજગઢ, દુદાપુર અને રાજચરાડીના ગ્રાહકોના નામે બોગસ ખાતા ખોલવામાં આવ્યા હતા. બોગસ ખાતા ખોલી રૂ.1.72 કરોડની લોન ઉપાડવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. કૌભાંડની રકમ બેંકમાં પરત જમા કરાવવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. ગ્રાહકોના નામે બોગસ ખાતા ખોલવાના ગંભીર આરોપો અંગે તપાસ કરવામાં આવી છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે.
-
વલસાડ ફૂડ સેફ્ટી વિભાગે, ગોપાલ ડેરીમાંથી 15 કિલો શંકાસ્પદ પનીર જપ્ત કર્યું
વલસાડ ફૂડ સેફ્ટી વિભાગની ભેળસેળિયા તત્વો સામે કાર્યવાહી હાથ ધરી છે. હાલર રોડ પર આવેલ ગોપાલ ડેરીમાંથી 15 કિલો શંકાસ્પદ પનીર જપ્ત કરવામાં આવ્યું છે. પનીરના સેમ્પલ લઈ પૃથક્કરણ માટે મોકલાયા છે. ધરમપુર રોડની સબ્જીવાલા રેસ્ટોરન્ટમાં અસ્વચ્છતા મળતા સીલ કરાઈ છે. જિલ્લામાં પાંચ જેટલી રેસ્ટોરન્ટને નોટિસ ફટકારાઈ. રેસ્ટોરન્ટ સંચાલકોને સ્વચ્છતાના નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે. ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓ સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
-
સાંતેજ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ બુટલેગરની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વોન્ટેડ બુટલેગરની કરી ધરપકડ. ગાંધીનગરના સાંતેજ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં આરોપી વોન્ટેડ હતો. બોડકદેવ આંબલી રોડ રેલવે સ્ટેશનના ગેટ પાસેથી ધરપકડ. આરોપી વિરુદ્ધ સાત થી વધુ પ્રોહિબિશનની ફરિયાદ નોંધાઈ ચૂકી છે.
-
દારુબંધી વાળા ગુજરાતમાં, અમદાવાદ જિલ્લા પોલીસ વડાએ સરપંચોને અપીલ કરી કહ્યું- કોઈ પણ રોયલ સ્ટેગ નામના વિદેશી દારૂનું સેવન ના કરે
ગુજરાતમાં રાજ્ય સરકાર અને પોલીસની આબરુને ઘૂળધાણી કરતો એક કિસ્સો ભાવનગરમાં બન્યો છે. ભાવનગરમાંથી કથિત લઠ્ઠાકાંડનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલો સામે આવ્યા બાદ, અમદાવાદની જિલ્લા પોલીસ વડાએ, ગામના સરપંચોને અપીલ કરી છે કે, તેમના ગામમાં કોઈ પણ વ્યક્તિ રોયલ સ્ટેગ બ્રાન્ડનો દારુ ના પીવે. આ દારુ પિવાથી ભાવનગરમાં 4ના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.
ગુજરાતમાં દારુ બંધીનો કડક અમલ થઈ રહ્યો હોવાનું સરકાર અને ગુજરાત પોલીસ વારંવાર છાતી ઠોકીને કહેતી આવી છે. આવી દારુબંધીની સ્થિતિમાં ભાવનગરમાં કથિત લઠ્ઠાકાંડ ક્યાથી થયો. લઠ્ઠાકાંડ થયો તો, અમદાવાદમાં પોલીસે કેમ ગામેગામના સરપંચોને એવું કહેવું પડ્યું કે, તેમના ગામમાં કોઈ રોયલ સ્ટેગ બ્રાન્ડનો દારુ ના પીવે.
ભાવનગરના કથિત લઠ્ઠાકાડની તપાસમાં એવી વિગતો સામે આવી છે કે, વિદેશી દારૂ બનાવવા મધ્યપ્રદેશથી આવેલ આરોપી અમદાવાદ ગ્રામ્યના રૂટથી ભાવનગર ગયો હોવાની આશંકા સેવાઈ રહી છે. નકલી દારૂનો જથ્થો અમદાવાદ ગ્રામ્યના કોઈ ગામમાં પહોંચ્યો હોવાની આશંકા. આ શંકાના આધારે પોલીસ દ્વારા અમદાવાદ ગ્રામ્યના તમામ સરપંચોની સાથે કરી ચર્ચા. કોઈપણ રોયલ સ્ટેગ નામનો વિદેશી દારૂ નું સેવન ના કરે તે માટેની અપીલ કરી. મોડી રાત્રે અમદાવાદ ગ્રામ્ય પોલીસે કોમ્બિંગ કરી 177 થી વધુ દારૂ ના કેસ કર્યા.
-
સુરતના પીપોદરા GIDCમાં સાત દુકાનોના તાળા તૂટ્યા
-
નવસારીમાં ગેરકાયદે દબાણો સામે મનપાની કાર્યવાહી
નવસારીમાં ગેરકાયદે દબાણો સામે મનપા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વલ્લભ એસ્ટેટ વિસ્તારમાં દબાણો દૂર કરી મુખ્ય માર્ગને ખુલ્લો કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી ટ્રાફિકની સમસ્યામાં રાહત મળી શકે. મનપાના મેયરે સ્થળ પર હાજર રહી સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. વાહનવ્યવહારને વધુ સરળ બનાવવા ટેકનિકલ કોલેજની કમ્પાઉન્ડ વોલ 10 ફૂટ અંદર લેવામાં આવશે અને રસ્તાઓ પહોળા કરવામાં આવશે. શહેરના અન્ય વિસ્તારોમાં પણ ગેરકાયદે દબાણો સામે કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
-
અમદાવાદમાં સાબરમતી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
અમદાવાદના સરસ્વતી વિભાગ-1માં આવેલા એક મકાનમાંથી સાબરમતી પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે વિજય બોડાણ નામના આરોપીની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન વિદેશી દારૂની 1,740 બોટલ સહિત કુલ રૂ.3 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેમજ સમગ્ર હેરાફેરીમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.
-
સુરતના સચિનમાં 20 વર્ષીય વિદ્યાર્થિનીના આપઘાતથી ચકચાર
સુરતના સચિન વિસ્તારમાં સત્યમ એપાર્ટમેન્ટમાં 20 વર્ષીય એન્જિનિયરિંગ વિદ્યાર્થિનીએ આપઘાત કરતા ચકચાર મચી છે. મૃતક વિદ્યાર્થિની નવસારીની કોલેજમાં અભ્યાસ કરતી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, અભ્યાસના તણાવને કારણે તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આપઘાત કરતા પહેલાં યુવતીએ પરિવારજનોને કેટલાક મેસેજ કર્યા હોવાની માહિતી પણ સામે આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે અને યુવતીએ આ પગલું કયા સંજોગોમાં ભર્યું તે જાણવા પરિવારજનો તેમજ અન્ય પાસાઓની તપાસ શરૂ કરી છે.
-
રાજ્યમાં અલનીનોની અસર નબળી પડવાની આગાહી, ફરી મેઘમહેરની શક્યતા
ગુજરાતમાં અલનીનોની અસર નબળી પડવાની સાથે આગામી સમયમાં સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં મેઘરાજાની એન્ટ્રીની શક્યતા વ્યક્ત કરી છે. હિંદ મહાસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પવન સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. હાલ મઘા નક્ષત્ર દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓછા વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. ખેડૂતોને આગામી સમયને ધ્યાનમાં રાખી પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરવા પણ સૂચન કરવામાં આવ્યું છે.
-
અમદાવાદમાં CNGના ભાવ વધારા સામે રિક્ષાચાલકોનો વિરોધ
અમદાવાદમાં CNG ગેસના ભાવમાં થયેલા વધારા સામે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. CNGના ભાવમાં રૂ.3.75નો વધારો થતાં જૂનો ભાવ રૂ.85.01થી વધીને રૂ.88.76 થયો છે. ભાવ વધારાને કારણે રિક્ષાચાલકોના દૈનિક ખર્ચમાં વધારો થવાની સાથે આવક પર પણ અસર થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રિક્ષાચાલકોએ CNG પર સબસિડી આપવાની અને વારંવાર થતા ભાવવધારા પર નિયંત્રણ લાવવાની માંગ કરી છે. સાથે જ વધારેલો ભાવ તાત્કાલિક પરત ખેંચવામાં આવે તેવી માંગ સાથે રિક્ષાચાલકોએ વિરોધ નોંધાવ્યો છે.
-
રાજ્યકક્ષાના પ્રધાન કાંતિ અમૃતિયાના ભાઈનો ધમકીભર્યો વીડિયો વાયરલ
રાજ્યકક્ષાના પ્રધાન કાંતિ અમૃતિયાના ભાઈ કારાભાઈ અમૃતિયાનો ખેતરમાં વીજપોલ નાખવાના મુદ્દે ધમકીભર્યો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ખેડૂતોને સંબોધતા કારાભાઈ અમૃતિયાએ વીજપોલ નાખવા માટે ખેતરમાં કોઈ આવે તો તેને માર મારવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ છે. તેમણે 15 દિવસમાં ખેતરમાંથી વીજપોલ નહીં હટાવવામાં આવે તો તેને ઉખાડી નાખવાની ચીમકી પણ આપી છે. વીડિયોમાં તેઓ કથિત રીતે, “કોઈ ખેતરમાં આવે એટલે ટાંટિયા ભાંગી જ નાખવાના” તેમજ “ભજન, ઢોલ નગારા બહુ વગાડ્યા, જરૂર હોય તો કહેજો 500 ગાડી લઈને આવીશું” જેવા ઉગ્ર શબ્દો બોલતા જોવા મળે છે. વીડિયો વાયરલ થયા બાદ મામલો ચર્ચામાં આવ્યો છે.
-
વડોદરામાં દારૂની હેરાફેરીમાં પોલીસ કર્મચારી ઝડપાયો
વડોદરામાં દારૂની હેરાફેરીના મામલે પોલીસ કર્મચારી જ ઝડપાતા ચકચાર મચી છે. ગોધરા રેલવે પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને નંદેસરી પોલીસે રૂ.4.60 લાખની કિંમતના વિદેશી દારૂ સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલે બુટલેગર સાથે પોલીસ કર્મચારીની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કર્મચારીની દારૂની હેરાફેરીમાં સંડોવણી સામે આવતા સમગ્ર દારૂના નેટવર્ક અને તેમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પણ સવાલો ઊભા થયા છે. મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
-
જામનગરના 487મા સ્થાપના દિવસે ઐતિહાસિક ખાંભી પૂજન
-
બાલાસિનોરમાં મેગા ડિમોલિશન ડ્રાઈવ
મહિસાગરના બાલાસિનોરમાં વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. અમદાવાદી ઢાળથી ફગવા નાકા સુધીના વિસ્તારમાં એક હજારથી વધુ દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બુલડોઝર મારફતે કાચા-પાકા દબાણો હટાવવામાં આવી રહ્યા છે. દુકાનદારો દ્વારા કરાયેલા દબાણના કારણે અમદાવાદ-મહિસાગર મુખ્ય માર્ગ પર વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાની ફરિયાદો મળી હતી. જેને પગલે તંત્ર દ્વારા કાર્યવાહી કરી માર્ગ પરથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે.
-
ભાવનગરના ખરકડીમાં નકલી દારૂકાંડમાં 2નાં મોત
ભાવનગરના ખરકડી ગામમાં નકલી દારૂ પીધા બાદ બે યુવકોનાં મોત થતાં ચકચાર મચી છે. દારૂની પાર્ટી કર્યા બાદ છ યુવકોની તબિયત લથડી હતી, જેમાં સારવાર દરમિયાન બે યુવકોનાં મોત થયા છે, જ્યારે અન્ય યુવકો હાલ સારવાર હેઠળ છે. પોલીસ તપાસમાં બોટલમાં નકલી દારૂ હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી અત્યાર સુધીમાં 8થી વધુ બુટલેગરોની અટકાયત કરી છે. તમામને LCB કચેરી ખાતે રાખવામાં આવ્યા છે અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.
-
બનાસકાંઠા અને વાવ-થરાદના 65 CNG પંપ આજથી બંધ
IRM કંપની અને CNG પંપ ડીલરો વચ્ચે સમાધાન માટે યોજાયેલી બેઠક નિષ્ફળ જતા બનાસકાંઠા અને વાવ-થરાદના 65 CNG પંપ આજથી બંધ રાખવાનું સંચાલકોએ એલાન કર્યું છે. IRM કંપનીની ઓફિસે મળેલી બેઠકમાં બંને પક્ષો વચ્ચે કોઈ સમાધાન થયું નહોતું. પંપ સંચાલકોની વિવિધ માગણીઓ સ્વીકારવાનો IRM મેનેજમેન્ટે ઇનકાર કરતા સંચાલકોએ પંપ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
-
સોમનાથ મંદિર આસપાસ તંત્રની ડિમોલિશન કાર્યવાહી
સોમનાથ મંદિર આસપાસ તાણી બંધાયેલા મકાનો સામે વહેલી સવારે તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભોંયવાડા અને દિગ્વિજય નજીકના વિસ્તારમાં ધાર્મિક સ્થળ સહિત એક ધાર્મિક સ્થળ, ત્રણ દુકાન અને એક મકાનનું ડિમોલિશન કરાયું હતું. તમામ મિલકતો કોરિડોર પ્રોજેક્ટમાં આવતી હોવાની ચર્ચા છે અને મિલકતોના દસ્તાવેજ તેમજ વળતરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હોવાની માહિતી છે. કાર્યવાહી દરમિયાન DySP, 3 PI, 6 PSI સહિત 85 પોલીસકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. પોલીસ અને મામલતદાર સહિતની ટીમની હાજરીમાં સમગ્ર ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
-
ભાવનગરમાં ત્રણ યુવકોના રહસ્યમય મોતને લઈને તપાસ તેજ
ભાવનગરમાં કૂવામાં પડતાં ત્રણ યુવકોના રહસ્યમય મોતના મામલે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ અમદાવાદ એરપોર્ટ પર ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં DGP જી.એસ. મલિક, લો એન્ડ ઓર્ડર DGP રાજકુમાર પાંડિયન, IBના વડા અશોકકુમાર યાદવ અને અમદાવાદ પોલીસ કમિશનર સાથે સમગ્ર મામલે ચર્ચા કરવામાં આવી હતી. SMCના SPને તાત્કાલિક ભાવનગર મોકલવામાં આવ્યા છે. સમગ્ર તપાસ બાદ ગૃહ વિભાગ દ્વારા આજે કોઈ મોટો નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
-
ગુજરાતમાં આગામી 7 દિવસ મધ્યમથી ભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 7 દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. ગુજરાત પર હાલ 4 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.
-
મહેસાણામાં આરોગ્ય સાથે ચેડાં કરનારાઓ સામે તંત્રની કાર્યવાહી
મહેસાણામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા હાઈવે પર આવેલી હોટલ અને રેસ્ટોરન્ટમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન અનેક રેસ્ટોરન્ટમાં ગંદકી અને રસોડામાં ભારે અસ્વચ્છતા જોવા મળતા તંત્ર લાલઘૂમ બન્યું હતું. લાયસન્સ વગર ચાલતી ત્રણ હોટલોને સીલ કરવામાં આવી હતી, જ્યારે નિયમોનું ઉલ્લંઘન કરનારા તમામ એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. બેદરકારી દાખવનારા હોટલ સંચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
-
UP: પ્રયાગરાજ સહિત અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ, 16ના મોત
ઉત્તર પ્રદેશમાં સતત વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં નદીઓ વહેવા લાગી છે. પ્રયાગરાજ, સોનભદ્ર, મિર્ઝાપુર, બાંદા, મહોબા, બિજનૌર અને અન્ય જિલ્લાઓમાં વરસાદ અને પૂરના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ છે. વરસાદ સંબંધિત અલગ-અલગ અકસ્માતોમાં, 6 લોકો નદીમાં વહી જવાના અહેવાલ અને જોરદાર પ્રવાહમાં, જ્યારે 10 લોકોએ જીવ ગુમાવ્યા. પ્રશાસન અને રાહત ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં સક્રિય છે.
-
કોલકાતા: હોટલમાં ભીષણ આગ, 9 લોકોના મોત
આજે વહેલી સવારે કોલકાતામાં એક મોટી દુર્ઘટના બની. ન્યુ માર્કેટ વિસ્તારમાં ફ્રી સ્કૂલ સ્ટ્રીટ પર એક હોટલમાં ભીષણ આગ લાગી હતી, જેમાં અંદર ફસાયેલા નવ લોકોના મોત થયા હતા.
-
નાઇજીરીયામાં ભારે વરસાદથી અફરાતફરી, હોસ્પિટલ ધરાશાયી
નાઇજીરીયામાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદી પાણીના ભારે પ્રવાહને કારણે હોસ્પિટલના પાયાનું ધોવાણ થતાં ઇમારત ધરાશાયી થઈ હતી. જોકે, સ્થાનિક તંત્રની સમયસૂચકતાના કારણે હોસ્પિટલને અગાઉ જ ખાલી કરાવી દેવામાં આવી હતી, જેના પગલે મોટી દુર્ઘટના ટળી હતી. હોસ્પિટલમાં તે સમયે અનેક દર્દીઓ સારવાર હેઠળ હતા.
-
શીતલ રેસ્ટોરન્ટ કાંડ બાદ સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગ એલર્ટ
શીતલ રેસ્ટોરન્ટમાં થયેલા ફૂડ પોઈઝનિંગ કાંડ બાદ સુરતનું આરોગ્ય અને ફૂડ સેફ્ટી વિભાગ એલર્ટ મોડમાં આવ્યું છે. શહેરના તમામ 9 ઝોનમાં અલગ-અલગ ટીમો બનાવી હોટલ-રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. કુલ 330 હોટલ-રેસ્ટોરન્ટની તપાસ દરમિયાન 1,641.7 કિલો નાશવંત ખાદ્ય પદાર્થો મળી આવ્યા હતા. નિયમોના ભંગ બદલ 208 નોટિસ ફટકારવામાં આવી, જ્યારે 17 હોટલ-રેસ્ટોરન્ટ બંધ કરાયા છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ ₹4,17,500નો દંડ વસૂલવામાં આવ્યો છે.
Published On - Aug 19,2026 7:45 AM
