Breaking News : દિલ્હી એરપોર્ટ પર સુરક્ષામાં મોટી ચૂક, ઇમિગ્રેશન ક્લિયરન્સ વિના રવાના થયા 3 ઇટાલિયન મુસાફરો
દિલ્હી એરપોર્ટ પર ઇમિગ્રેશન ક્લિયરન્સ વિના ત્રણ ઇટાલિયન મુસાફરો ભારતમાંથી રવાના થતા સુરક્ષામાં મોટી ચૂક સામે આવી. એર ઇન્ડિયાની SOP ભંગ અને મોનિટરિંગ સિસ્ટમની નિષ્ફળતાને કારણે આ ઘટના બની.

દિલ્હી એરપોર્ટ પર સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. ત્રણ ઇટાલિયન મુસાફરો જરૂરી ઇમિગ્રેશન ક્લિયરન્સ પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના જ ભારતમાંથી રવાના થઈ ગયા હતા. આ મામલે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એર ઇન્ડિયાને કારણદર્શક નોટિસ ફટકારી છે અને સાત દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે.
મળતી માહિતી મુજબ, ત્રણેય મુસાફરો અમૃતસરથી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં દિલ્હી આવ્યા હતા. ત્યારબાદ તેઓએ દિલ્હીથી લુફ્થાન્સાની ફ્લાઇટ મારફતે મ્યુનિક જવાનું હતું. જોકે, દિલ્હી એરપોર્ટ પર ઇમિગ્રેશન તપાસ પૂર્ણ કર્યા વિના જ તેઓ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં સવાર થઈ ગયા હતા.
સ્થાનિક બોર્ડિંગ પાસથી આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર એરિયા સુધી કેવી રીતે પહોંચ્યા?
નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા મુજબ, એર ઇન્ડિયાની SOP પ્રમાણે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે અલગ પ્રકારના બોર્ડિંગ પાસ આપવામાં આવે છે. સ્થાનિક મુસાફરો માટે ‘D’ જ્યારે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ‘I’ કેટેગરીનો બોર્ડિંગ પાસ હોય છે.
આ કેસમાં ત્રણેય મુસાફરોને અમૃતસરથી દિલ્હી માટે ‘D’ કેટેગરીનો સ્થાનિક બોર્ડિંગ પાસ આપવામાં આવ્યો હતો. જોકે, અમૃતસરમાં જ તેમને દિલ્હીથી મ્યુનિક જતી લુફ્થાન્સાની ફ્લાઇટનો બોર્ડિંગ પાસ પણ આપવામાં આવ્યો હતો. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, આ પ્રક્રિયા નક્કી કરાયેલી SOP સાથે સુસંગત નહોતી.
દિલ્હી પહોંચ્યા બાદ આ મુસાફરોને સ્થાનિક મુસાફરો સાથે અલગ કરવાની અને તેમને યોગ્ય પ્રક્રિયા હેઠળ ઇમિગ્રેશન તરફ મોકલવાની જરૂર હતી. તેના બદલે, તેઓ ગેટ 39 મારફતે ‘ઇન્ટરનેશનલ-ટુ-ઇન્ટરનેશનલ ટ્રાન્સફર એરિયા’ સુધી પહોંચી ગયા.
ઇમિગ્રેશન ચેક વિના લુફ્થાન્સાની ફ્લાઇટમાં સવાર
આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર વિસ્તારમાં પહોંચ્યા બાદ ત્રણેય મુસાફરો ડિપાર્ચર એરિયા તરફ ગયા અને જરૂરી ઇમિગ્રેશન ચેકપોઇન્ટમાંથી પસાર થયા વિના જ લુફ્થાન્સાની ફ્લાઇટમાં સવાર થઈ ગયા. ત્યારબાદ તેઓ દિલ્હીથી મ્યુનિક માટે રવાના થયા.
આ ઘટના સામે આવ્યા બાદ મંત્રાલયે એર ઇન્ડિયાની કામગીરી અને મુસાફરોની અવરજવર પર નજર રાખતી સિસ્ટમ અંગે પણ સવાલો ઉઠાવ્યા છે.
એર ઇન્ડિયાની હબ-એન્ડ-સ્પોક સિસ્ટમમાં ક્યાં થઈ ભૂલ?
ત્રણેય મુસાફરો એર ઇન્ડિયાની હબ-એન્ડ-સ્પોક સિસ્ટમ હેઠળ મુસાફરી કરી રહ્યા હતા. આ વ્યવસ્થામાં મુસાફરોને નાના અથવા પ્રાદેશિક એરપોર્ટ પરથી મુખ્ય હબ એરપોર્ટ સુધી પહોંચાડવામાં આવે છે અને ત્યાંથી તેઓ આગળની ફ્લાઇટ પકડે છે.
આ કેસમાં અમૃતસરથી દિલ્હી સુધીની મુસાફરી સ્થાનિક ફ્લાઇટથી થઈ હતી. તેથી અમૃતસરમાં તેમને ‘D’ કેટેગરીનો બોર્ડિંગ પાસ આપવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટેની પ્રક્રિયામાં જરૂરી ચકાસણી યોગ્ય રીતે થઈ નહોતી.
મંત્રાલયના જણાવ્યા મુજબ, દિલ્હી જેવા હબ એરપોર્ટ પર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરોને યોગ્ય રીતે અલગ કરવાની વ્યવસ્થા હોવી જરૂરી છે. ઉપરાંત, આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર એરિયામાં માત્ર યોગ્ય કેટેગરીના બોર્ડિંગ પાસ ધરાવતા મુસાફરો જ પહોંચી શકે તેની ખાતરી કરવી જરૂરી છે.
24 કલાકની મોનિટરિંગ સિસ્ટમ પણ સવાલોના ઘેરામાં
નિયમો મુજબ હબ એરપોર્ટ પર 24 કલાક નોડલ ઓફિસરની હાજરી અને મોનિટરિંગ ટીમની વ્યવસ્થા હોવી જોઈએ. તેનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ મુસાફર જરૂરી ઇમિગ્રેશન અને અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા વિના આંતરરાષ્ટ્રીય પ્રસ્થાન વિસ્તારમાં પ્રવેશી ન જાય.
પરંતુ આ ઘટનામાં મોનિટરિંગ સિસ્ટમ પણ આ વિસંગતતા સમયસર શોધી શકી નહોતી. મુસાફરો ફ્લાઇટમાં સવાર થઈ ગયા બાદ મેન્યુઅલ રિકન્સિલિએશન દરમિયાન આ મામલો ધ્યાનમાં આવ્યો હતો.
એર ઇન્ડિયા પાસેથી મંત્રાલયે માંગ્યો જવાબ
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એર ઇન્ડિયા પાસેથી આ સમગ્ર ઘટનાને લઈને અનેક સવાલોના જવાબ માંગ્યા છે. ખાસ કરીને અમૃતસરમાં ત્રણેય મુસાફરોને લુફ્થાન્સાની ફ્લાઇટનો બોર્ડિંગ પાસ શા માટે આપવામાં આવ્યો, તે અંગે સ્પષ્ટતા માંગવામાં આવી છે.
આ ઉપરાંત, ‘D’ કેટેગરીના બોર્ડિંગ પાસ ધરાવતા મુસાફરો આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર વિસ્તારમાં કેવી રીતે પહોંચ્યા અને તે સમયે એર ઇન્ડિયા તથા SATSના કયા કર્મચારીઓ તેમની પ્રક્રિયા સંભાળી રહ્યા હતા, તે અંગે પણ માહિતી માંગવામાં આવી છે.

મંત્રાલયે ઘટના સમયે નોડલ ઓફિસર અને મોનિટરિંગ ટીમ ક્યાં હતી, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરોનું ફરજિયાત રિકન્સિલિએશન સમયસર કેમ ન થયું અને ઇમિગ્રેશન અધિકારીઓને પેસેન્જર મેનિફેસ્ટ, જનરલ ડિક્લેરેશન તેમજ API-PNR ડેટા યોગ્ય સમયે આપવામાં આવ્યા હતા કે નહીં, તે અંગે પણ જવાબ માંગ્યો છે.
સાત દિવસમાં જવાબ આપવાનો આદેશ
મંત્રાલયે એર ઇન્ડિયાને કારણદર્શક નોટિસ પાઠવીને સાત દિવસની અંદર જવાબ આપવા જણાવ્યું છે. જો એરલાઇન નિર્ધારિત સમયમર્યાદામાં સંતોષકારક જવાબ આપવામાં નિષ્ફળ જાય, તો ઉપલબ્ધ રેકોર્ડના આધારે વહીવટી અને નિયમનકારી કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.
આ ઘટનાએ દિલ્હી એરપોર્ટ પર સ્થાનિકથી આંતરરાષ્ટ્રીય મુસાફરોના ટ્રાન્સફર દરમિયાન થતી સુરક્ષા અને દસ્તાવેજ ચકાસણીની પ્રક્રિયા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
વડોદરા એમ.એસ. યુનિવર્સિટી હોસ્ટેલ રસોડામાંથી પ્રતિબંધિત એનાલોગ ચીઝ અને વાસી ખોરાક મળ્યો
