15 ઓગસ્ટના મહત્વના સમાચાર : અમરેલીના ચાંદગઢ ગામમાં સિંહણે વન કર્મચારી પર કર્યો હુમલો, શેત્રુંજી નદીના કાંઠે વન વિભાગની ટીમની હાજરીમાં જ ત્રાટકી સિંહણ, સિંહણ પર નજર રાખવા ટીમો તૈનાત
Gujarat Live Updates આજ 15 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

આજે 15 ઓગસ્ટને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
વડોદરાઃ મકરપુરામાં ટ્રકચાલકે યુવતીને અડફેટે લીધી
વડોદરાના મકરપુરા વિસ્તારમાં ટ્રકચાલકે રસ્તે ચાલતી યુવતીને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રકની અડફેટે આવ્યા બાદ યુવતી ટ્રક નીચે આવી જતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને યુવતીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ટ્રક યુવતીને અડફેટે લેતો જોવા મળી રહ્યો છે. બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ટ્રકચાલકને ઝડપી લીધો છે અને અકસ્માતની સમગ્ર ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરી છે.
-
અમદાવાદ: સગીરા સાથે દુષ્કર્મ કેસમાં પ્રેમીની ધરપકડ
અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કેસમાં પોલીસે તેના પ્રેમીની કરી છે ધરપકડ. પોલીસ સકંજામાં આવેલા પ્રેમીએ સગીરાને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે. એટલું જ નહીં પ્રેમીએ દુષ્કર્મનો વીડિયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપી સગીરા પર પોતાના મિત્ર સાથે સંબંધ બનાવવા માટે દબાણ કર્યું હતું. પીડિત સગીરાનો વીડિયો પોર્ન સાઇટ પર જોવા મળતા આરોપીનો ભાંડો ફૂટ્યો.
-
-
અમદાવાદ: TRB જવાનની PSI સાથે દાદાગીરી
અમદાવાદમાં TRB જવાન જાવેદખાન હુસેનખાન સામે PSIએ ગેરવર્તણૂક ફરિયાદ નોંધાવી છે. TRB જવાન જાવેદખાન હુસેનખાન વિશાલા ચાર રસ્તા પાસે ફરજ પર હતા. ફરજમાં ગેરહાજર રહેતા PSI ભરત પંડ્યાએ રિપોર્ટ કર્યો હતો. જેનો ખાર રાખી TRB જવાને PSIને અપશબ્દો બોલી “મારા વિરુદ્ધ કાર્યવાહી કરીશ તો આંતરડા બહાર કાઢી નાખીશ” તેવી ધમકી આપી. જેને લઈ PSI દ્વારા વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ત્યારે આરોપીને TRB માંથી રિમૂવ કરવા માટે તજવીજ હાથ ધરાઈ છે.
-
જામનગર: રેસિડેન્ટ ડોક્ટરો સાથે કથિત શોષણ થતું હોવાના આક્ષેપ
જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજ અને જી.જી. હોસ્પિટલ ફરી એક વખત ચર્ચામાં આવી. રેસિડેન્ટ ડોક્ટરો સાથે કથિત શોષણ થતું હોવાના ગંભીર આક્ષેપો કરતી એક અનામી ફરિયાદ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ. વાયરલ ફરિયાદમાં રેસિડેન્ટ ડોક્ટરો પાસે 40થી 44 કલાક સુધી સતત ડ્યૂટી કરાવાતી હોવાનો દાવો કરવામાં આવ્યો. એટલું જ નહીં, ઇમરજન્સી દરમિયાન 60 કલાક સુધી સતત ફરજ કરાવાતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા. રેસિડેન્ટ ડોક્ટરોને મહિને એક પણ દિવસની રજા મળતી નથી. પૂરતો આરામ અને સમયસર ખોરાક ન મળતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા.
જોકે અનામી ફરિયાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ એમ.પી. શાહ મેડિકલ કોલેજ પ્રશાસને તપાસ હાથ ધરી.. અને તે બાદ ડીને દાવો કર્યો કે મેડિકલ કોલેજમાં કોઈ નકારાત્મક પ્રવૃત્તિ ચાલતી નથી.
-
અમરેલીઃ ચાંદગઢ ગામે વનકર્મી પર સિંહણનો હુમલો
અમરેલીના ચાંદગઢ ગામે વન્યપ્રાણી સંરક્ષણની રૂટિન કામગીરી દરમિયાન વનકર્મી પર સિંહણે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. શેત્રુંજી નદીના કાંઠે વન વિભાગની ટીમની હાજરીમાં સિંહણે અચાનક વનકર્મી પર હુમલો કર્યો હતો. ઘટનામાં વનકર્મીને ઈજા પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવની જાણ થતાં ACF સહિત વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. સિંહણની હિલચાલ અંગે પણ વન વિભાગ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. બીજી તરફ, વન વિભાગે સ્થાનિક લોકોને સાવચેતી રાખવા અને સિંહણથી દૂર રહેવા અપીલ કરી છે.
-
-
જસદણ: રોગ આવી જતા અધૂરા પાકે મગફળી ઉપાડવા ખેડૂતો લાચાર
જસદણના માધવીપુર ગામના ખેડૂતો અધૂરા પાકે મગફળી ઉપાડવા માટે મજબૂર બન્યા છે. માધવીપુર ગામે ખેડૂતો દ્વારા અંદાજે 1800 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. જોકે, ઓછા વરસાદ અને પીળીયો રોગ આવતા 70 ટકા મગફળીનો પાક નિષ્ફળ ગયો છે. એક તરફ ખેતી પાછળ કરેલો ખર્ચ અને બીજી તરફ પાકમાં થયેલા નુકસાનને કારણે ખેડૂતની કમર તૂટી ગઈ છે. ત્યારે ખેડૂતોને આર્થિક સંકટમાંથી બહાર લાવવા માટે સરકાર પાસે સરવે કરી સહાય ચૂકવવા માગ કરવામાં આવી છે.
-
મહેસાણાઃ વિસનગરના પુદગામમાં ચેકડેમમાં માછલીઓના મોત
મહેસાણાના વિસનગરના પુદગામમાં ચેકડેમમાં મોટી સંખ્યામાં માછલીઓના મોતથી ચકચાર મચી છે. ચેકડેમમાં ગટર અથવા કેમિકલયુક્ત પાણી ઠલવવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. માછલીઓ ઉપરાંત કાચબા અને દેડકાં જેવા અન્ય જળચર જીવો પણ મૃત હાલતમાં મળી આવ્યા છે. મોટી સંખ્યામાં માછલીઓના મોતને કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે, જેના પગલે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ સમગ્ર મામલે તાત્કાલિક તપાસ હાથ ધરી ચેકડેમમાં પ્રદૂષિત પાણી કોણે ઠાલવ્યું તેની તપાસ કરવાની માગ કરી છે. સાથે જ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે.
-
મૃતક ડૉક્ટરના પિતા ડૉ. સુભાષ પંડ્યાએ કર્યા ગંભીર આક્ષેપ
સુરતના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં નવા વળાંક સામે આવ્યો છે. મૃતક હર્ષ પંડ્યાના પિતા ડૉ. સુભાષ પંડ્યા ખટોદરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પુત્રના મોત અંગે ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે, “પુત્રનો આપઘાત છે કે મર્ડર, તેની તપાસ થવી જોઈએ. મારો પુત્ર મજબૂત મનોબળનો હતો, તે આપઘાત ન કરી શકે.” તેમણે આક્ષેપ કર્યો કે રેગિંગ બાદ પુત્રે આપઘાત કર્યો હતો, પરંતુ તેને રેગિંગ તરીકે ગણવામાં આવતું નથી. ઘટનાના બે દિવસ પહેલાં HODને લેખિત ફરિયાદ કરી હોવા છતાં કાર્યવાહી ન કરાઈ હોવાનો પણ આક્ષેપ કર્યો. તેમણે જવાબદારો સામે કડક કાર્યવાહી અને અન્ય કોઈ હર્ષને ગુમાવવો ન પડે તેવી માગ કરી છે.
-
રાજસ્થાન: નાગૌરમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ
રાજસ્થાનના નાગૌરમાં ડ્રગ્સ બનાવતી ગેરકાયદે ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. પોલીસે ભાડાના મકાનમાં ચાલતી ફેક્ટરી પર દરોડો પાડી આશરે રૂ.100 કરોડની કિંમતનો ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દરોડા દરમિયાન 5 કિલોથી વધુ તૈયાર ડ્રગ્સ, અઢી કિલોથી વધુ કેફીન અને ડ્રગ્સ બનાવવામાં ઉપયોગમાં લેવાતા 24 પ્રકારના કેમિકલ સહિતનો સામાન મળી આવ્યો હતો. પોલીસે આ મામલે નેવીના પૂર્વ કર્મચારી સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ ભાડાના મકાનમાં ગેરકાયદે રીતે ડ્રગ્સનું ઉત્પાદન કરતા હોવાની માહિતી સામે આવી છે. પોલીસે જપ્ત કરાયેલા મુદ્દામાલની તપાસ સાથે ફેક્ટરીના નેટવર્ક અને આરોપીઓની ભૂમિકા અંગે વધુ તપાસ હાથ ધરી છે.
-
સુરેન્દ્રનગર: ચોટીલામાં યાત્રાળુ અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે ઝપાઝપી
સુરેન્દ્રનગરના ચોટીલામાં યાત્રાળુઓ અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે ઝપાઝપીની ઘટના સામે આવી છે. અજાણ્યા કારણોસર યાત્રાળુઓ અને સિક્યુરિટી વચ્ચે ઉગ્ર વિવાદ થયા બાદ મામલો બિચક્યો હતો. બંને પક્ષો વચ્ચે છુટ્ટાહાથની મારામારીના દ્રશ્યોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મારામારીની ઘટનામાં એક યાત્રાળુને ઈજા પહોંચી હોવાની માહિતી સામે આવી છે. સિક્યુરિટી ગાર્ડ દ્વારા મારામારી કરાઈ હોવાના આક્ષેપને પગલે યાત્રાળુઓમાં રોષ જોવા મળ્યો હતો. ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોલીસે વાયરલ વીડિયોના આધારે ઘટનાની હકીકત જાણવા અને સંડોવાયેલા લોકો અંગે તપાસ શરૂ કરી છે.
-
સુરતઃ કામરેજમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ
સુરતના કામરેજમાં LCB અને ફૂડ વિભાગની ટીમે નકલી ઘી બનાવતી ફેક્ટરી પર દરોડો પાડી મોટો પર્દાફાશ કર્યો છે. કામરેજની કૈવલ ફૂડ પ્રોડક્ટમાંથી પામ ઓઈલ અને વનસ્પતિ તેલમાંથી તૈયાર કરાયેલું 5 હજાર કિલોથી વધુ શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું છે. દરોડા દરમિયાન શંકાસ્પદ ઘી સહિત કુલ રૂ.52 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા ઘીના નમૂનાઓ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. નમૂનાનો રિપોર્ટ આવ્યા બાદ નકલી ઘીના ઉત્પાદન અને વેચાણ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
-
અમરેલી: 80 મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી
15 ઓગસ્ટે દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી અમરેલીમાં કરવામાં આવી રહી છે. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું. CMએ કહ્યું- ગુજરાતના લોકો એકસાથે મળીને કામ કરે તો કઈ અશક્ય નથી. આ ઉપરાંત તેમણે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા પાત્રતા ધરાવતાં પરિવારોને રહેણાંક માટે પ્લોટ વિના મૂલ્યે આપવાની યોજનાની જાહેરાત કરી
આ ઉપરાંત CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા આંગણવાડીના બાળકો માટે પણ મહત્ત્વની જાહેરાત કરી.જેમાં આંગણવાડીના બાળકોના પૌષ્ટિક આહાર અને ગરમ નાસ્તા માટેની સહાયની રકમમાં ધરખમ વધારો કરવામાં આવ્યો.આ યોજના અંતર્ગત રાજ્યની આંગણવાડીઓમાં આવતા 3થી 6 વર્ષની વય જૂથના 16 લાખ 71 હજારથી વધુ બાળકોને વર્ષના 300 દિવસ નિયમિતપણે ગરમ નાસ્તો પૂરો પાડવામાં આવશે.
-
સુરત: 31 વર્ષ જૂના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો
સુરત ક્રાઈમ બ્રાન્ચે 31 વર્ષ જૂના મારામારીના ગુનામાં વોન્ટેડ આરોપી સંતરામસિંગ ઉર્ફે રામદેવરસિંગ યાદવની ધરપકડ કરી છે. મૂળ બિહારનો આરોપી વર્ષ 1995માં ફરિયાદી પર હુમલો કર્યા બાદ ફરાર થઈ ગયો હતો. પોલીસથી બચવા માટે તે સતત પોતાના ઠેકાણા બદલતો રહેતો હતો. છેલ્લા ત્રણ વર્ષથી તે નવી મુંબઈમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી અંગે મળેલી બાતમીના આધારે ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ટીમે નવી મુંબઈમાં વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ બાદ પોલીસે વર્ષો જૂના ગુનાની વધુ તપાસ હાથ ધરી છે.
-
ભાવનગરની સર ટી હોસ્પિટલમાં જામ્યા ગંદકીના થર, સ્વચ્છતાનો અભાવ
ભાવનગરની જાણીતી સર.ટી હોસ્પિટલમાં ઠેર ઠેર ગંદકી અને ભંગારના થર. દર્દીઓ સ્વસ્થ થવાને બદલે વધુ બીમાર પડે તેવી સ્થિતિ છે. એક તરફ રાજ્ય સરકાર સ્વચ્છતા પર વિષેશ ભાર મુકતી હોય ત્યાં ભાવનગર સહિત અમરેલી અને બોટાદના દર્દીઓને સારવાર આપતી સર.ટી હોસ્પિટલમાં સ્વચ્છતાના અભાવે દર્દીઓ સ્વસ્થ થવાને બદલે વધુ બીમાર પડે તેવી સ્થિતિ સર્જાઈ છે… લાંબા સમયથી ખુલ્લામાં પડેલો સામાન વરસાદમાં ભીનો થતાં મચ્છર-માખી જેવા જંતુઓનો ઉપદ્રવ થવાની ભીતિ વર્તાઈ રહી છે. તો અહીં આવતા દર્દીઓન પરિવારજનો પણ ગંદકીના કારણે પરેશાન છે અને સવાલ કરી રહ્યા છે કે દર્દીઓ સર.ટી હોસ્પિટલમાં સાજા થવા આવે કે વધુ બીમાર થવા.
-
સુરતમાંથી દારૂની હાઈ પ્રોફાઈલ પાર્ટી ઝડપાઈ
દારૂબંધીના ધજાગરા ઉડાવતી ચાર ઘટના સામે આવી છે. સુરતમાંથી દારૂની હાઈ પ્રોફાઈલ પાર્ટી ઝડપાઈ છે. ડુમસમાં દારૂની મહેફિલ માણતા 22 યુવક-યુવતી ઝડપાયા. આ મહેફિલમાં વિદેશી ક્લબની જેમ “ગેમ” રમીને નક્કી થતું હતું કે કોણે કેટલો દારૂ પીવો ? આ તરફ અમદાવાદના ત્રાગડમાંથી દારૂનું આખેઆખું ગોડાઉન ઝડપાતા ચકચાર મચી છે. બે દિવસ પહેલાં જ ભાડે લેવાયેલા ગોડાઉનમાંથી વિદેશી દારૂની 11 હજાર બોટલ મળી આવી છે. તો વડોદરા જિલ્લામાં મુંબઈ-દિલ્લી એક્સપ્રેસ હાઈવે પરથી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો અને કુલ 29.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. તો આ તરફ રાજકોટમાં ભેજાબાજ બુટલેગરોએ પાણીના ટાંકામાં દારૂનો મોટો જથ્થો છુપાડી રાખ્યાનો ઘટસ્ફોટ થયો અને કુલ રૂપિયા 1.67 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો.
-
વડોદરા: નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં કેમિલકલ માફિયા બેફામ
વડોદરાના નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડાતા ભારે ખળભળાટ મચ્યો છે. NECLની કેનાલમાં લીલા રંગનું પ્રદૂષિત પાણી જોવા મળતા આસપાસના ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, ઝેરી પ્રવાહીને કારણે લોકોના આરોગ્ય સાથે પશુઓના જીવ સામે પણ ગંભીર જોખમ ઊભું થયું છે. ઔદ્યોગિક એકમોમાંથી પ્રદૂષિત પાણી છોડવા સામે નિયમનકારી તંત્રની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. GPCBની કથિત નિષ્કાળજી સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ કેનાલમાં કેમિકલયુક્ત પાણી છોડનાર જવાબદાર કંપની સામે તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. પ્રદૂષણના કારણે આસપાસના વિસ્તારમાં પર્યાવરણ અને પાણીના સ્ત્રોતોને નુકસાન થવાની ભીતિ વચ્ચે તંત્ર ક્યારે પગલાં લે છે તેના પર સૌની નજર છે.
-
મહેસાણા: અનુસૂચિત જાતિની યુવતીને મંદિરમાં ન પ્રવેશવા દેનાર દંપતીની ધરપકડ
મહેસાણા જિલ્લાના આંબલીયાસણમાં અનુસૂચિત જાતિની યુવતીઓને મહાદેવ મંદિરમાં પ્રવેશતા અટકાવવાના વિવાદમાં લાંઘણજ પોલીસે કૌશલ અને પિંકી ઉપાધ્યાયની ધરપકડ કરી છે. બંને સામે એટ્રોસિટી, પોક્સો સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. ફરિયાદ મુજબ, પૂજારી, તેમની પત્ની અને દીકરીએ સગીરા સાથે ગેરવર્તણૂક કરી, જાતિ વિરુદ્ધ અપશબ્દો કહ્યા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ, પૂજારીના પત્નીએ આક્ષેપો નકારી કાઢ્યા છે. તેમનો દાવો છે કે મંદિરની સફાઈ બાદ પોતું સુકાઈ જાય ત્યાં સુધી યુવતીને અંદર ન આવવા કહેવામાં આવ્યું હતું. યુવતીએ ઉશ્કેરાઈને ધક્કો મારતાં ઈજા થઈ હોવાનો પણ સામા પક્ષે દાવો કર્યો છે.
-
સાગબારાના ખેડૂતોના સમર્થનમાં સાંસદ મનસુખ વસાવા ફરી ધરણા પર બેઠા
નર્મદા જિલ્લાના સાગબારામાં જંગલ જમીનના મુદ્દે ખેડૂતોના સમર્થનમાં સાંસદ મનસુખ વસાવા ફરી ધરણા પર બેઠા છે. તેમણે ખેડૂતોની મુલાકાત લઈ તેમની રજૂઆતો સાંભળી અને વનકર્મીઓ દ્વારા ખેડાણમાં અવરોધ કરવામાં આવતો હોવાના આક્ષેપો કર્યા. મનસુખ વસાવાએ કોંગ્રેસના આક્ષેપોનો જવાબ આપતા કહ્યું કે, “મારા રાજીનામાથી સાગબારાનો જંગલ જમીન મુદ્દો ઉકેલાતો હોય તો હું રાજીનામું આપી દઈશ.” તેમણે કોંગ્રેસ પર રાજકીય રોટલા શેકવાનો આક્ષેપ પણ કર્યો. સાંસદે જણાવ્યું કે, પોતાની જ સરકાર હોવા છતાં તેઓ આદિવાસીઓના હક માટે સરકાર સામે લડી રહ્યા છે અને અગાઉ પણ આ મુદ્દે ધરણા કરી ચૂક્યા છે. બીજી તરફ ભાજપ આગેવાન લીલા વસાવાએ ઉમરપાડાના કેટલાક આગેવાનોને જવાબ આપ્યો હતો. સાગબારા-ઉમરપાડા વચ્ચે જંગલ જમીનનો વિવાદ વધુ ઉગ્ર બનતા ખેડૂતોમાં ન્યાયની માંગ તેજ બની છે.
-
શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ મંદિર પરિસરમાં તિરંગો લહેરાવવામાં આવ્યો
શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ ખાતે 80 માં સ્વાતંત્ર્ય પર્વે દેશભક્તિના રંગમાં રંગાયું. ધૂમમ્સ વાળા ખુશનુમા વાતાવરણમાં મંદિર ટ્રસ્ટ દ્વારા આન બાન અને શાનથી મંદિર પરિસરમાં તિરંગો લહેરાવવામાં આવ્યો. મોટી સંખ્યામાં ઉપસ્થિત માઇભક્તો, મંદિરના ટ્રસ્ટીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રગાન સાથે આપી રાષ્ટ્રધ્વજને સલામી આપી. ઉપસ્થિત માઇભક્તો દેશભક્તિના ગીતો સાથે ઝૂમી ઉઠતા સમગ્ર મંદિર પરિસર દેશભક્તિના નાદ થી ગુંજી ઉઠ્યું. વહેલી સવારથી જ પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં માઈભક્તો દર્શન માટે ઉમટ્યા.
-
વિસનગરના પુદગામ ચેકડેમમાં માછલી, કાચબા અને દેડકાં જેવા જળચર જીવોના મોત
મહેસાણાના વિસનગરના પુદગામ ચેકડેમમાં માછલીઓના મોત થયા છે. ચેકડેમમાં ગટર કે કેમિકલયુક્ત ઝેરી પાણી ઠલવાયાની ગ્રામ્યજનો પ્રબળ આશંકા સેવી રહ્યાં છે. માછલીઓ ઉપરાંત કાચબા અને દેડકાં જેવા જળચર જીવો મર્યા છે. મૃત માછલીઓના કારણે સમગ્ર ડેમ વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ છે. દુર્ગંધ અને પ્રદૂષણને કારણે સ્થાનિક લોકો ભારે ત્રાહિમામ પોકાર્યા. ઝેરી પાણીથી પશુઓના જીવ પર મોટું જોખમ ઊભું થયું છે. ગ્રામ્યજનોએ તંત્ર સમક્ષ તાત્કાલિક સ્થળ તપાસની મક્કમ માંગણી કરી.
-
પ્રદેશ કોંગ્રેસ કાર્યલયે નવા નિયમ અનુસારનુ છ ખંડવાળુ નહીં, જૂના નિયમનુ વંદેમાતરમ ગાન ગાયું
કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયમાં આજે યોજાયેલા 80માં સ્વતંત્ર્ય દિવસની ઉજવણી પ્રસંગે વંદેમાતરમનું અપમાન કરાયું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સરકારની નવી ગાઇડલાઇન મુજબ વંદેમાતરમ ગાવામાં ના આવ્યું. નવી માર્ગદર્શિકા મુજબ 3 મિનિટ 10 સેકન્ડનું વંદેમાતરમ ગવાય છે. નિયમ મુજબ સરકારી કાર્યક્રમો, શાળાઓ અને સત્તાવાર કાર્યક્રમમાં છ છંદ વાળું વંદેમાતરમ ગાવું જોઈએ. ગુજરાત કોંગ્રેસે 80 માં સ્વતંત્ર પર્વની ઉજવણીમાં જૂના નિયમ મુજબનું વંદેમાતરમ ગાયુ. ધ્વજવંદન કાર્યક્રમમાં અમિત ચાવડા સહિતના નેતાઓ હતા ઉપસ્થિત.
-
મહેસાણા દૂધ સાગર ડેરીની જાહેરાત, ખેરાલુ, મહેસાણા અને પાટણ ખાતે ગોબર પ્રેસેસ પ્લાન્ટ નખાશે, સભાસદોને દસ ટકા લેખે શેર ડિવિડન્ડ ચૂકવાશે
મહેસાણા દૂધ સાગર ડેરીની 66મી સાધારણ સભા મળી હતી. આ સામાન્ય સભામાં ડેરીનો હિસાબકિતાબ રજૂ કરવામાં આવ્યો હતો. દૂધ સાગર ડેરીમાં ગત વર્ષ કરતા 2.50 લાખ લીટર દૂધની આવક વધવા પામી હતી. ખેરાલુ, મહેસાણા અને પાટણ ખાતે ગોબર પ્રેસેસ પ્લાન્ટ શરૂ કરાશે. દૂધ સાગર ડેરી પશુપાલક પાસેથી છાણ ખરીદશે. છાણમાંથી ખાતર અને ગેસ ઉત્પન્ન કરાશે. મહેસાણા દૂધસાગર ડેરીનું ટર્નઓવર વધીને 9043 કરોડ રૂપિયા થયું. પશુપાલકોને આ વર્ષે રેકોર્ડબ્રેક 455 કરોડનો ભાવવધારો ચૂકવવામાં આવ્યો. દૂધ ઉત્પાદકોને પાંચ વર્ષમાં કુલ 5200 કરોડનો મોટો ફાયદો. દૂધના ભાવ વધારીને પ્રતિ કિલો ફેટ 855 કર્યા. ડેરીની મિલકતોમાં 771 કરોડ રૂપિયાનો ધરખમ વધારો નોંધાયો. વાર્ષિક દૂધ સંપાદન વધીને 132 કરોડ કિલો થયું. સભાસદોને આ વર્ષે દસ ટકા લેખે શેર ડિવિડન્ડ ચૂકવાશે.
-
કામરેજમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
કામરેજમાં અસલીના નામે નકલીનો ખેલ યથાવત રહ્યો છે. કામરેજમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. પારડીના હિંદવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાંથી ઝડપાયું શંકાસ્પદ ઘી. સુરત જિલ્લા LCB એ ફૂડ વિભાગને સાથે રાખી રેડ કરતા ઘી ઝડપાયું. લગભગ 5157 લિટર જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 26 લાખથી વધુની કિંમતનો ઘીનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી. તંત્ર દ્વારા સ્થળ પરથી નમૂનાઓ લઈ પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવ્યા.
-
INDO PAK બોર્ડર પર નડાબેટ ખાતે 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ
વાવ થરાદના નડાબેટ કે જે INDO PAK બોર્ડર પર આવેલ છે ત્યાં 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. BSF ના IG અભિષેક પાઠકના વરદ હસ્તે કરાયું ઘ્વજ વંદન. BSF જવાનો સહિત અનેક શાળાઓના વિધાર્થીઓ રંગાયા રંગે. નડાબેટ ખાતે મોટી સંખ્યામાં નાગરિકો રહ્યા ઉપસ્થિત. નડાબેટ ટુરીઝમ ખાતેથી ઝીરો પોઇન્ટ સુધી યોજાઈ બાઇક રેલી. નડાબેટથી ઝીરો પોઇન્ટ સુધી વિવિધ દેશ ભક્તિના કાર્યક્રમો યોજાયા. INDO-PAK સરહદ પર આવી નાગરિકોએ ધન્યતા અનુભવી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના કુશળ નેતૃત્વમાં આપણા દેશે વિશ્વમાં અગલ જ ઓળખ ઉભી છે તેમ અભિષેક પાઠક (IG) એ જણાવ્યુ હતું.
-
સુરતના ડુમસમાં આવેલા એક ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટી કરતા 8 મહિલા સહિત 20 પકડાયા
સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા એક ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટી પકડાઈ. 14 ઓગસ્ટની મોડી રાત્રે જન્મદિવસની ચાલી રહેલી હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન દારૂ અને બિયરની મહેફિલ માણી રહેલા 8 મહિલાઓ સહિત 20થી વધુ લોકોની પોલીસે અટકાયત કરી છે. તમામ લોકોને મેડિકલ તપાસ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા. ડુમસ પોલીસે કુલ 35 લાખ ઉપરનો મુદ્દામાલ. જપ્ત કર્યો છે.
-
DyCM હર્ષ સંઘવીએ હાથમાં પકડ્યુ માઈક અને ગાયું એવુ દેશભક્તિનું ગીત કે યુવાનો ઉત્સાહીત થઈ ઉઠ્યા, જુઓ વીડિયો
ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંધવીએ, વડોદરાના એક કેફેમા યુવાનો સાથે મળીને દેશભક્તિનો માહોલ સર્જયો હતો. હર્ષ સંધવીએ, માઈકમાં દેશભક્તિનું ગીત ગાઈને યુવાનોને પોરસ ચડવ્યું હતું.
जब तिरंगा लहराए तो GEN-Z भी जोश में आए!#IndependenceDay pic.twitter.com/S0iaIpWMeg
— Harsh Sanghavi (@sanghaviharsh) August 14, 2026
-
80માં સ્વાતંત્રતા દિવસ નિમિત્તે દ્વારકાધીશ મંદિરના શિખરે લહેરાવ્યો ત્રિરંગો
સ્વતંત્રતા દિવસ નિમિતે દેવભૂમી દ્વારકામાં દેશ ભક્તિનો માહોલ જોવા મળ્યો. દ્વારકાધીશના મંદિરમાં કૃષ્ણ ભક્તિ સાથે દેશ ભક્તિની પણ ઝલક જોવા મળી. સ્વતંત્રતા દિવસ નિમિતે મંદિરના શિખર પર તિરંગો લહેરાવામાં આવ્યો. 52 ગજ કાપડમાંથી બનેલ તિરંગા કલરની ધજા ચઢાવામાં આવી.
-
સ્વાતંત્ર્ય દિને અમરેલી શહેરમા મેઘરાજાના અમીછાટંણા
સ્વાતંત્ર્ય દિને અમરેલી શહેરમા મેઘરાજાના અમીછાટંણા. ઝરમર વરસાદ વચ્ચે અદભૂત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અદ્દભૂત સમારોહ યોજાયો. થોડીવાર માટે ઝરમર વરસાદથી આહલાદક માહોલ સર્જાયો હતો.
-
ઇન્ડોનેશિયાના ફ્લોરેસ વિસ્તારમાં આવ્યો 6.2ની તીવ્રતાનો ભૂકંપ
ઇન્ડોનેશિયામાં આજે વહેલી સવારે 6.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. 3:43 વાગ્યે 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો જેની ઊંડાઈ 199 કિમી હતી. 3:58 વાગ્યે ફરી 6.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો.આ 6.1ની તીવ્રતાના ભૂકંપના આંચકાની ઊંડાઈ માત્ર 10 કિમી હતી. ફ્લોરેસ વિસ્તારમાં ટૂંકા અંતરમાં બે શક્તિશાળી આંચકા આવ્યા.
Published On - Aug 15,2026 10:50 AM