14 જુલાઈના મહત્વના સમાચાર : સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરમ વાયરસે મચાવ્યો કેર, વધુ એક 3 વર્ષના બાળકનું થયું મોત, અત્યાર સુધી 5ના જીવ ગયા
Gujarat Live Updates : આજ 14 જુલાઈના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
ભારતીય હવામાન વિભાગએ આજે 14 જુલાઈએ મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. થાણે જિલ્લા અને મુંબઈમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. રાયગઢ અને રત્નાગીરી માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓડિશા સરકાર 46 વર્ષ પછી રવિવારે પુરીમાં ભગવાન જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર ખોલશે, જેથી આભૂષણો અને અન્ય કીમતી ચીજવસ્તુઓ મળી શકે. રત્ના ભંડાર છેલ્લે 1978માં ખોલવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ‘એક પેડ મા કે નામ’ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મધ્યપ્રદેશના ઈન્દોરની મુલાકાત લેશે અને રાજ્યના 55 જિલ્લાઓ માટે 55 શ્રેષ્ઠ કોલેજોનું ઉદ્ઘાટન કરશે. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈને MVA નેતાઓની બેઠક યોજાશે. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો.
LIVE NEWS & UPDATES
-
છોટાઉદેપુરના પુનીયાવાંટ મોડેલ સ્કુલના રસોડામાં અખાદ્ય વસ્તુઓ મળી
છોટાઉદેપુરના પુનીયાવાંટ મોડેલ સ્કુલના રસોડામાં અખાદ્ય વસ્તુઓ મળી આવી. પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા સુખરામ રાઠવાએ શાળાની મુલાકાત લેતા રસોડામાંથી વાસી રોટલી, સડેલા શાકભાજી અને માર્કા વિનાનાં મસાલા મળી આવ્યા. લોટમાં પણ જીવાત ફરતી જોવા મળી હતી. સુખરામ રાઠવાએ સરકારની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે 11 જૂને લીધેલા રાત્રી ભોજન બાદ 100થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી.જેમાંથી હાલ 100થી વધુ બાળકો છોટાઉદેપુર, તેજગઢ અને પાવી-જેતપુરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ફૂડ પોઇઝનિંગથી વિદ્યાર્થીઓની તબિયત લથડી હોવાની આશંકા છે..જો કે સાચું કારણ તો રિપોર્ટ બાદ જ જાણવા મળશે..વડોદરાથી ડૉક્ટરની ટીમ બાળકોની સારવાર અને તપાસ માટે છોટાઉદેપુર પહોંચી હતી.
-
ગાંધીનગર: દહેગામના જુના પહાડિયા ગામ વેચવાની નોંધાઈ ફરિયાદ
ગાંધીનગર: દહેગામના જુના પહાડિયા ગામ વેચવાનો કેસમાં દહેગામના સબ રજીસ્ટ્રારે રખિયાલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. જેમા 2 સગીર સહિત કુલ 9 લોકો સામે ગુનો દાખલ કરાયો છે. દસ્તાવેજ કરતા સમયે નકલી પુરાવા રજૂ કર્યાનો આરોપ છે. જમીનનો સોદો કરનાર બંને પક્ષ સામે ફરિયાદ નોંધાઈ છે.
-
-
દ.આફ્રિકામાં રાજકોટના યુવાનને કસિનોમાં રૂપિયા હારી જતા બંધક બનાવ્યો હોવાનો આક્ષેપ
રાજકોટના જય કારીયા નામના યુવકને દક્ષિણ આફ્રિકામાં બંધક બનાવ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. કસિનોમાં રૂપિયા હારી જતા બંધક બનાવ્યો હોવાના આક્ષેપ કરાયા છે. લોધિકાનો યુવાન કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો. બંધક બનાવ્યા પાછળના કારણ અંગે શંકા કુશંકા સોવાઈ રહી છે. એકાઉન્ટની કંપનીમાં ચોરી કરી હોવાનો પણ કંપનીના માલિકે આરોપ લગાવ્યો છે અને યુવાનના પરિવાર પાસે રૂ.22.50 લાખની માંગણી કરી છે. ચોરીના પૈસા પરિવારના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હોવાનુ પરિવારે દાવો કર્યો છે. યુવાન મોબાઇલનો ધંધો કરતો હોવાનો પણ આક્ષેપ કરાયો છે. પરિવારે યુવકને છોડાવા માટે એમ્બેસીમાં જાણ કરી. જો કે રજૂઆત કરાઈ છતાં યુવાનને હજુ સુધી મુક્ત કરાયો નથી. દિલીપ આહીર નામનો શખ્સ પૈસાનો હવાલો લઈ પરિવારને ગાળો આપતો નજરે પડ્યો છે. યુવાને માનસિક ટોર્ચર તેમજ માર મારવામાં આવી રહ્યાનો પરિવારે આરોપ લગાવ્યો છે.
-
અમદાવાદઃ સોલા પોલીસ સ્ટેશનમાંથી આરોપી ફરાર થતા ફરજમાં બેદરકારી બદલ PSOને કરાયા સસ્પેન્ડ
અમદાવાદમાં સોલા પોલીસ સ્ટેશનમાંથી આરોપી ફરાર થતા ફરજમાં બેદરકારી બદલ PSOને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસની ટીમે હાલ દાહોદમાં ધામા નાખ્યા છે. આરોપીના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે જેમા તે ગોતા નજીક આવેલા ફર્નિચરના ગોડાઉનથી ભાગતો નજરે પડ્યો છે. અપહરણ અને દુષ્કરણ જેવા જઘન્ય ગુનાનો આરોપી ફરાર થયા બાદ 24 કલાકથી પોલીસ પકડથી દૂર છે ત્યારે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે.
-
અમદાવાદના ઇતિહાસમાં પ્રથમ વખત એકસાથે 37 બ્રિજનું સમારકામ થશે
અમદાવાદમાં ઇતિહાસમાં પ્રથમ વાર એક સાથે 37 બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવનાર છે. 1892 થી અત્યાર સુધીમાં નિર્માણ કરવામાં આવેલા અને જર્જરીત થયેલા બ્રિજને રિપેર કરવામાં આવનાર છે. પૂર્વ વિસ્તારમાં આવેલા બ્રિજનું પ્રાથમિક તબક્કામાં સમારકામ હાથ ધરવામાં આવનાર છે. જેમાં રેલવે અન્ડરપાસ, રેલવે ઓવરબ્રિજ, માઈનોર બ્રિજ, ફ્લાય ઓવરબ્રિજના સમારકામ હાથ ધરવામાં આવનાર છે.
જોઈન્ટ એક્સપાનશન, પેરા પીટ વોલ, રિટેઈનિંગ વોલ સહિતના સમારકામ કરવામાં આવનાર છે. ગિરધરનગર, જમાલપુર, સારંગપુર અને અસારવા સહિતના મહત્વના બ્રિજના સમારકામ શરુ કરવામાં આવનાર છે. અમદાવાદ શહેરમાં કૂલ 88 બ્રિજ આવેલા છે. જેમાં 69 બ્રિજનું નિરીક્ષણ ગાઈડલાઈન પ્રમાણે કરવામાં આવેલ છે.
-
-
અમદાવાદ અને ગાંધીધામ રેલવે સ્ટેશન પર મુકાયા એટમોસ્ફેરિક વોટર જનરેટર
રેલવે સ્ટેશન પર મુસાફરોની વધતી સંખ્યાને જોતા, તંત્રનો હંમેશા પ્રયાસ રહ્યો છે કે તેમના માટે મૂળભૂત સુવિધાઓની કોઈ કમી ના રહે. મુસાફરોને જરૂરિયાત મુજબ પાણી મળી રહે તે માટે હવે, અનોખો ફન્ડા અપનાવવામાં આવ્યો છે. અમદાવાદ અને ગાંધીધામ રેલવે સ્ટેશન પર હવામાંથી પાણી બનાવતા મશીન મૂકવામાં આવ્યા છે. આ મશીનનું નામ એટમોસ્ફેરિક વોટર જનરેટર અપાયું છે. જે, વાતાવરણના ભેજ અને હવામાંથી પાણી બનાવે છે. આ મશીનની ક્ષમતા દરરોજની 100 લીટર પાણી બનાવવાની છે. અમદાવાદમાં 3 જગ્યા. સાબરમતી રેલવે મથક, ઈન્ટીગ્રેટેડ કોચિંગ ડેપો સાબરમતી અને કાંકરીયામાં એરોવોટર મશીન મૂકાયા છે. અને એક મશીન ગાંધીધામમાં મૂકાયું છે. રેલવે સ્ટાફ અને મુસાફરોની દૈનિક પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે એટમોસ્ફેરિક વોટર જનરેટર સક્ષમ છે. જે ફિલ્ટર કરીને શુદ્ધ પાણી પૂરૂં પાડશે. ઉપરાંત, બોટલના પાણી પર નિર્ભરતા. તેમજ પ્લાસ્ટિક કચરાને ઘટાડવામાં પણ મદદરૂપ બનશે.
-
બનાસકાંઠા: પાલનપુરમાં ICU સંચાલક પર જીવલેણ હુમલો
બનાસકાંઠામાં પાલનપુરમાં ICU સંચાલક પર જીવલેણ હુમલો કરાયો. બાઈક પર આવેલા અજાણ્યા શખ્સોએ પાઈપ વડે હુમલો કર્યો. હુમલો કરનારાઓમાં 2 તબીબ સહિત અન્ય લોકો હોવાનો આક્ષેપ છે. ICU ચલાવવા વારંવાર 10 લાખની ખંડણી માગતા હોવાની રાવ છે. હુમલા બાદ હાલ ICU સંચાલકને ભરતપુરી ગોસ્વામીને ઈજા થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. પાલનપુર પશ્ચિમ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
-
ખંભાળિયામાં અંગ્રેજોના સમયનો 120 વર્ષ જૂનો કેનેડી પૂલ જર્જરીત થતા અવરજવર માટે કરાયો બંધ
ખંભાળિયામાં આવેલો અંગ્રેજોના જમાનાનો 120 વર્ષ જૂનો કેનેડી પુલ જર્જરિત છે..જેના કારણે પુલ પર અવર-જવર બંધ કરી દેવામાં આવી છે. નદીના પટમાં ડ્રાયવર્જન કાઠીને પુલ અચાનક બંધ કરી દેવાયો છે..હવે ચોમાસામાં નદીના પટમાં ડાયવર્જન આપવાથી વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે કારણ કે આ રસ્તા પર કિચડ જ કિચડ છે. રસ્તા પર ઠેર-ઠેર ખાડા અને ખાડમાં ભરેલું પાણી રસ્તો પાર કરતા-કરતા વાહનચાલકોને પરસેવો છૂટી જાય છે. જરા પણ ચૂક થાય તો વાહનચાલક કિચડમાં ગબડી પડે તેવી સ્થિતિ છે. આસપાસના ગ્રામજનો, શાળાએ જતા વિદ્યાર્થીઓ આ રસ્તા પર અવર-જવર કરે છે. ચોમાસા હોવાથી સતત પાણી રહે છે..આવી સ્થિતિમાં રસ્તો પાર કરવામાં અગવડ જ અગવડ છે. રસ્તામાં એટલું બધું કિચડ અને ખાડા છે કે. પગપાળા રસ્તો પાર કરવો શક્ય જ નથી. ત્યારે સ્થાનિકો માગણી કરી રહ્યા છે કે પુલ ટૂવ્હિલરચાલકો માટે ખૂલ્લો મુકવામાં આવે અથવા જલદી પાકો રસ્તો બનાવવામાં આવે.
-
ખેડામાં કુરિયરની આડમાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ
ખેડામાં કુરિયરની આડમાં વિદેશી દારૂની હેરાફેરી LCB પોલીસે ઝડપી પાડી છે. કનેરા ગોડાઉનમાં ડિલિવરી કુરિયર કંપનીમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી છે. નેશનલ હાઈવે 48 પર આવેલ પેલેડિયમ લોજિસ્ટિક પાર્કમાંથી દારુ પકડાયો છે. અશ્વિકા નામના ગોડાઉનમાંથી 41 નંગ વિદેશી દારુની બોટલ પકડાઈ છે. ખેડા LCB એ 20,500ની કિંમતનો દારુ ઝડપ્યો છે. દિલ્હીથી લક્ષ્મી ગ્લાસ કંપનીએ વિજાપુરના રંજનસિંહ ચૌહાણના નામે મોકલ્યુ હતુ પાર્સલ. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
-
ગુજરાતમાં આજે કેટલાક જિલ્લામાં ભારે તો કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી
આજે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટની આગાહી આજે સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં આજે યેલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્રીજા દિવસથી ફરી સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાટે ઓરેન્જ એલર્ટની આગાહી કરાઈ છે. અમદાવાદમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે કરી છે. વેસટર્ન ડિસ્ટર્બન્સ, સાયકલોનિક સર્ક્યુલેશન અને ઓફશૉર ટ્રફ સક્રિય થતા રાજ્યમાં વરસાદ વરસવાની સંભાવના હોવાનું હવામાન વિભાગનું અનુમાન છે.
-
અંશુમન ગાયકવાડ માટે BCCI એ ફાળવ્યું એક કરોડ રુપિયાનું મેડિકલ ફંડ
અંશુમન ગાયકવાડ માટે BCCI એ ફંડ રીલિઝ કર્યુ છે. કેન્સરની ગંભીર બિમારીથી પિડાઈ રહેલા અંશુમાન ગાયકવાડે, પહેલા લંડનમાં સારવાર લીધા બાદ, વડોદરામાં ઈમરજન્સી સારવાર લેવાની ફરજ પડી હતી. બીસીસીઆઈએ અંશુમાન ગાયકવાડ માટે તાકીદે એક કરોડ રુપિયાનું મેડિકલ ફંડ રીલિઝ કર્યું છે. અંશુમન ગાયકવાડની કેન્સરને લઈ વડોદરામાં સારવાર ચાલી રહી છે.
-
સુરત ભાજપના કોર્પોરેટર પર કરોડોનો તોડ કર્યાનો બિલ્ડરે લગાવ્યો આક્ષેપ
સુરતમાં ભાજપના કોર્પોરેટર અમિત સીંગ પર ગંભીર આક્ષેપ લાગ્યા છે. બિલ્ડરને માર મારીને રૂપિયા 95 લાખ પડાવવા સાથે રૂપિયા ચાર કરોડની 9 દુકાન લખાવી લીધાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તો વધુ 36 લાખ માટે અમિત સીંગ અને તેના 7 સાગરીતોએ મળીને બિલ્ડરનું અપહરણ કર્યું હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ જવા પામી છે. અમિત સીંગ પૂર્વ શાસક પક્ષ નેતા છે. કારમાં અપહરણ કર્યા બાદ બિલ્ડરને માર મારી તેની પાસે લખાણ લખાવી લીધું હતું. બિલ્ડરે ગોડાદરા પોલીસ મથકે જઇ ફરિયાદ નોધાવાનું કહેતા પોલીસે અરજી કરવાનું કહ્યુ. જ્યાં પોલીસે તપાસ બાદ ગુનો કરવાનું કહ્યુ હોવાનુ બિલ્ડરે જણાવ્યું છે. બિલ્ડરે આક્ષેપ કર્યો છે કે, CCTVના પુરાવા હોવા છતાં પોલીસે ગુનો દાખલ નથી કર્યો.
-
દક્ષિણ આફ્રિકામાં રાજકોટના યુવાનને બંધક બનાવાયો હોવાનો પરિવારજનોએ કર્યો દાવો
દક્ષિણ આફ્રિકામાં રાજકોટના યુવાનને છેલ્લા એક મહિનાથી બંધક બનાવાયો હોવાનો તેના પરિવારજનોએ દાવો કર્યો છે. લોધિકાના વ્યક્તિની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો, જ્યાં બંધક બનાવાયો હોવાનું પરિવારજનોએ કહ્યું છે. બંધક બનાવેલા યુવાન પર ચોરીનો આરોપ લગાવીને કંપનીના માલિક દ્વારા પરિવારજનો પાસે રૂ. 22 લાખની માંગણી કરી છે. જોકે પરિવાર દ્વારા બંધક પુત્રને છોડાવવા માટે એમ્બેસીમાં રજૂઆત કરાઈ હોવા છતાં હજુ સુધી મુક્ત કરાયો નથી. દક્ષિણ આફ્રિકાના કિનસાસા વિસ્તારની આ ઘટના છે. રાજકોટના વાવડી વિસ્તારમાં રહેતો જય દિનેશભાઈ કારિયા નામના યુવકને દક્ષિણ આફ્રિકામાં બંધક બનાવાયો હોવાનું પરિવારજનોએ કહ્યું છે.
-
ગીર સોમનાથના તાલાલામાં આવ્યો ભૂકંપ
ગીર સોમનાથના તાલાલામા આજે સવારે 8.18 કલાકે ભૂકંપનો આંચકો આવ્યો હતો. તાલાલામાં આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલથી 12 કિમી દૂર નોંધાયું હતું. રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.8 નોંધાઈ હતી.
-
અમદાવાદના એસજી હાઇવે પર 2 કાર વચ્ચે અકસ્માત,1નું મોત, 3 ઈજાગ્રસ્ત
અમદાવાદના એસજી હાઇવે પર આવેલા પેલેડિયમ મોલ પાસે, ગત મોડી રાત્રે 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 1નું મોત થયું હતું, જ્યારે 3 ને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
-
અમદાવાદમાં લગ્ન પ્રસંગે કોઈ ડખો ના થાય તે માટે સમજાવવા ગયેલા PSI પર કરાયો હુમલો
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં પીએસઆઇ પર હુમલો થયો છે. લગ્નમાં થનાર વિખવાદને લઇ સમજાવવા જતા હુમલો કરાયો છે. પીએસઆઇ મહેશકુમાર વર્મા પર કરાયેલા હુમલા અંગે શીવા મિશ્રા, પવન રાજપુત, હની રાજપુત અને નિરજ પાસી વિરુદ્ધ અમરાઈવાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
-
વિતેલા 24 કલાકમાં 77 તાલુકામાં વરસાદ, સૌથી વઘુ વાંસદામાં 6 ઈંચ
ગુજરાતમાં વિતેલા 24 કલાકમાં, રાજ્યના 21 જિલ્લાના 77 તાલુકામાં વરસાદ વરસ્યો છે. શનિવાર સવારના 6 વાગ્યાથી રવિવાર સવારના 6 વાગ્યા સુધીના 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના વાંસદામાં 158 મી.મી. વરસ્યો છે. વર્તમાન ચોમાસામાં રવિવારે સવારના 6 વાગ્યા સુધીમાં રાજ્યનો કુલ વરસાદ 29.17 ટકા થયો છે. કચ્છ વિસ્તારમાં 34.91 ટકા, ઉત્તર ગુજરાત ક્ષેત્રમાં 18.50 ટકા, પૂર્વ ગુજરાતમાં 18.95 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર વિસ્તારમાં 37.61 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 35 ટકા વરસાદ વરસ્યો છે.
-
પેન્સિલવેનિયામાં ડોનાલ્ડ ટ્ર્મ્પની રેલીમાં ગોળીબાર, ટ્રમ્પ સુરક્ષિત
યુનાઈટેડ સ્ટેટ્સ સિક્રેટ સર્વિસના કોમ્યુનિકેશન ચીફ એન્થોની ગુગ્લિએલમીએ ટ્વીટ કર્યું કે, 13 જુલાઈની સાંજે પેન્સિલવેનિયામાં ટ્રમ્પની રેલીમાં એક ઘટના બની. સિક્રેટ સર્વિસે સુરક્ષાના પગલાં ભર્યા છે અને પૂર્વ રાષ્ટ્રપતિ સુરક્ષિત છે. તપાસ બાદ જેમ વધુ માહિતી ઉપલબ્ધ થશે તેમ જાહેર કરવામાં આવશે.
Published On - Jul 14,2024 7:31 AM