12 ડિસેમ્બરના મહત્વના સમાચાર : મનપાની રોડ કમિટીમાં મોટો નિર્ણય! 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે હાઈટ બેરીયર, AMC એ 3.54 કરોડના ખર્ચે ટેન્ડર બહાર પાડ્યું
Gujarat Live Updates : આજ 12 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Gujarat Live Updates : આજ 12 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
વર્ષ 2027 ની વસ્તી ગણતરી માટે ₹11,718 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું, 30 લાખ કર્મચારીઓને રોજગારી આપવામાં આવશે
વર્ષ 2027 ની વસ્તી ગણતરી માટે ₹11,718 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે, વસ્તી ગણતરી પ્રથમ વખત ડિજિટલ રીતે હાથ ધરવામાં આવશે. ‘વસ્તી ગણતરી 2027’ બે તબક્કામાં પૂર્ણ થશે. પ્રથમ તબક્કામાં એપ્રિલ અને સપ્ટેમ્બર 2026 વચ્ચે ઘરની યાદી તેમજ ગણતરીનો સમાવેશ થશે.
ત્યારબાદ ફેબ્રુઆરી 2027 માં વસ્તી ગણતરી કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીમંડળે વર્ષ 2027 ની વસ્તી ગણતરી માટે ₹11,718 કરોડના બજેટને મંજૂરી આપી દીધી છે. આવું પ્રથમવાર બનશે કે, દેશભરમાં ડિજિટલ વસ્તી ગણતરી હાથ ધરાશે. આ હેતુ માટે 30 લાખ કર્મચારીઓને રોજગારી પણ આપવામાં આવશે.
-
સાયકલનું કૌભાંડ! શું સરકારી સાયકલ બારોબાર વેચાઈ છે? જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચેરીનું મૌન
રાજ્યમાં સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થિનીઓને મફતમાં સાયકલનું વિતરણ કરવામાં આવે છે પરંતુ જામનગર જિલ્લામાં આ યોજના હેઠળની સાયકલનું બારોબાર વેચાણ થતું હોવાનો આરોપ છે. જોડિયા તાલુકાના જસાપર ગામના પૂર્વ સરપંચના ઘરે આવી સાયકલ 2500 રૂપિયામાં વેચાતી હોવાનો આરોપ છે.
સાયકલ ખરીદનાર વ્યક્તિએ આ બાબતે કબૂલાત પણ કરી હતી. સમગ્ર મામલે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચેરીનું મૌન સામે આવ્યું છે, જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું છે કે, તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે. આમા જો કોઈ શાળા કે આચાર્યની સંડોવણી સામે આવશે તો નિયમ મુજબ કાર્યવાહી કરાશે.
-
-
આણંદ મનપાની મોટી કાર્યવાહી! નોનવેજ હોટલ ‘સનરાઈઝ’ સીલ કરવામાં આવી
આણંદમાં નોનવેજ હોટલ સનરાઈઝને સીલ કરવામાં આવી હતી. આ મહત્વપૂર્ણ કાર્યવાહી ‘આણંદ મનપા’ દ્વારા કરવામાં આવી હતી. એસ્ટેટ વિભાગની ટીમે હોટલ પર કાર્યવાહી હાથ ધરી, જે હોટલની ઉપર ચાલી રહેલી સરકારી શાળાને અસર કરી રહી હતી.
હોટલમાંથી નીકળતા ધૂમાડાથી બાળકોના આરોગ્યને જોખમ થવાની ભીતિ હતી. મનપાએ મિલકત પાછી મેળવવા પગલાં લીધા હતા અને હોટલને સીલ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, લગભગ 10 દિવસ પહેલા મનપાએ હોટલને નોટિસ પણ મોકલી હતી.
-
લ્રુકો પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ, 7 થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
વલસાડમાં ઉમરગામ તાલુકાના તુંબ ગામમાં લ્રુકો પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ લાગી. આગને જોઈને મેજર કોલ જાહેર કરાયો હતો અને 10 કિલોમીટર દૂરથી પણ આગનો ધુમાડો જોવા મળ્યો હતો. ઘટનાસ્થળે 7 થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી અને આગના ગોટા દૂર દૂર સુધી દેખાયા. જો કે, કંપનીના કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
-
16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે હાઈટ બેરીયર! અમદાવાદ મનપાની રોડ કમિટીએ મોટો નિર્ણય લીધો
અમદાવાદ મનપાની રોડ કમિટીએ મોટો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ, શહેરના 16 બ્રિજ પર હાઈટ બેરીયર લગાવવામાં આવશે, જેથી બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર બ્રેક લગાવવામાં આવશે. AMC એ આ કામ માટે 3.54 કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડ્યું છે.
કાલુપુર રેલવે ઓવરબ્રિજ, સરદાર પટેલ બ્રિજ અને જૂના ગાંધી બ્રિજ સહિત નહેરુ બ્રિજ, સુભાષ બ્રિજ, પરીક્ષિત બ્રિજ અને ગિરધરનગર બ્રિજ પર હાઈટ બેરીયર લગાવવામાં આવશે. ચીમનભાઈ પટેલ ઓવરબ્રિજ, કેડીલા બ્રિજ અને નાથાલાલ ઝઘડા બ્રિજને ભારે વાહનો માટે બંધ કરવામાં આવશે. બીજું કે, જે બ્રિજ પર હાઈટ બેરીયર લગાવવાના છે તેમાંથી મોટાભાગના બ્રિજ 30 થી 70 વર્ષ જૂના છે.
-
-
ખ્યાતિ હોસ્પિટલના સંજય પટોળીયા અને રાજશ્રી કોઠારીની ડિસ્ચાર્જ અરજી કોર્ટ ફગાવી
ખોટા ઓપરેશન કરીને નિર્દોષોનો જીવ લેવા માટે કુખ્યાત થયેલ ખ્યાતિ હોસ્પિટલના બે તબીબોને સેશન્સ કોર્ટથી ઝટકો લાગ્યો છે. સંજય પટોળીયા અને રાજશ્રી કોઠારીને સેશન્સ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. બંને આરોપીની ડિસ્ચાર્જ અરજી કોર્ટ ફગાવી છે. આરોપીઓની ડિસ્ચાર્જ અરજીને કારણે ચાર્જ ફ્રેમ પ્રક્રિયામાં થઈ રહ્યો હતો વિલંબ. અરજી ફગાવતા સમગ્ર પ્રક્રિયામાં ચાર્જ ફ્રેમનો માર્ગ થયો મોકળો.
-
અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગો એરલાઈન્સની વિમાનીસેવા પૂર્વવત થઈ, આજે એક પણ ફ્લાઈટ રદ નહીં
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી ઈન્ડિગોની એક પણ ફ્લાઈટ રદ થવા પામી નથી. આજે 12 ડિસેમ્બરના રોજ, સાંજના ચાર વાગ્યા સુધીમાં માત્ર ઈન્ડિગોની 88 ફ્લાઈટનું સંચાલન કરવામાં આવ્યું હતુ. જેમા 41 ફ્લાઈટ અન્યત્રથી અમદાવાદ આવી હતી. જ્યારે 47 ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટથી અન્યત્ર ગઈ હતી.
-
અમદાવાદના સાયન્સ સિટી રોડ પરના પરિશ્રમ elegant માં લાગી આગ
અમદાવાદના સાયન્સ સિટી રોડ પરના પરિશ્રમ elegant માં આગ લાગી હતી. ફાયર વિભાગના જવાનો દ્વારા આગને કાબૂમાં લેવા માટેના પ્રયાસ કરાયા છે. આગની ઘટના દરમિયાન 12 થી વધુ લોકો લિફ્ટમાં ફસાયેલા હતા, તેમનુ સફળતા પૂર્વક રેસ્કયુ કરાયું છે.
-
અમદાવાદના નવા નરોડામાં તરખાટ મચાવનાર કપિરાજ પાંજરે પુરાયા
અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં લોકોને બચકા ભરીને ઈજા પહોચાડનારા કપિરાજ આખરે પાંજરે પુરાયા છે. લોકોની વ્યાપક ફરિયાદ બાદ, ફોરેસ્ટ વિભાગે મુકેલા પાંજરમાં આ તોફાની કપિરાજ પુરાઈ ગયા છે. છેલ્લા 10 દિવસથી નવા નરોડા વિસ્તારમાં કપિરાજે 15 જેટલા લોકો પર હુમલો કરીને ઈજાગ્રસ્ત કર્યા હતા. ફોરેસ્ટ વિભાગની ટીમે મહામહેનતે કપિરાજને પાંજરે પૂર્યો છે.
-
વલસાડના ઉમરગામ તાલુકાના તુંબ ગામની ખાનગી કંપનીમાં ભભૂકી ઉઠી આગ
વલસાડના ઉમરગામ તાલુકાના તુંબ ગામની ખાનગી કંપનીમાં આગ ભભૂકી ઉઠી હતી. 7 થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ હતી. આગ એટવી વિકરાળ હતી કે, ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. કંપનીમાથી કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢયા હતા. હાલ આગ પર પાણી મારો ચાલુ છે.
-
એસજી હાઈવેને સૌથી સુંદર હાઈવે બનાવીને ગૃહપ્રધાન અમિત શાહનું સ્વપ્ન સાકાર કરાશેઃ હર્ષ સંઘવી
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, એસ જી હાઈવેને સૌથી સુંદર હાઈવે બનાવીને કેન્દ્રીય ગૃહપ્રધાન અને ગાંધીનગરના સાંસદ અમિત શાહનું સ્વપ્ન છે કે, એસજી હાઈવેને સૌથી સુંદર હાઈવે બનાવવો. ગુજરાત સરકાર આ દિશામાં કામ કરી રહી છે. ગુજરાતના સૌથી વ્યસ્ત હાઇવે એટલે કે એસ જી હાઇવેને દેશનો સર્વશ્રેષ્ઠ હાઇવે બનાવવાનું લક્ષ્યાંક સરકારે સેવ્યું છે. રૂપિયા 15000 કરોડના ખર્ચે એસજી હાઇવેનું બ્યુટીફિકેશન કરવાનું લક્ષ્યાંક છે. દેશની સર્વોચ્ચ સંસ્થાઓ દ્વારા હાલ આ પ્રોજેક્ટ પર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું સ્વપ્ન છે કે આ હાઇવે સૌથી સુંદર હાઇવે બને. તેથી જ દર અઠવાડિયે હું પણ આ પ્રોજેક્ટ અંગે રીવ્યુ બેઠક કરું છું. બ્યુટીફિકેશનના કાર્ય દરમિયાન ટ્રાફિક સહિતના પ્રશ્નો ઊભા ના થાય તે માટે પણ વિચારણા હાલ ચાલી રહી છે.
-
ભાગયા તરીકે ખેતર ખેડનારાઓને રાહત પેકેજમાં 25 ટકા ભાગ આપવા ખેત મજૂરોની માંગ
જસદણના પંથકના ખેત મજૂરો રાહત પેકેજમાં 25 ટકા ભાગ આપવાની માંગ સાથે એકઠાં થયા હતા. કમોસમી વરસાદમાં સરકારે ખેડૂતો માટે સહાય કરી છે જાહેર પરંતુ સરકારે જાહેર કરાય પેકેજમાં ખેત મજૂરોને કોઈ લાભ થવાનો નથી. ખેત મજૂરો ખેતરમાં ભાગયા તરીકે વાવેતર કરતા હોય છે. તેના નામે ખેતી કે જમીન હોતી નથી. આથી આવા ભાગયાને કમોસમી વરસાદથી નુકસાન થયું છે. જેથી ખેત મજૂરો કે જે ભાગયા તરીકે ખેતર ખેડતા હોય તેમને પણ સહાય પેકેજનો લાભ મળવો જોઈએ તેવી માંગ કરી છે. આજે SDM ને આવેદન પત્ર આપવા જતા, ખેત મજૂરોના ટોળાને પોલીસે વિખેરી નાખ્યા હતા. સરકારે જાહેર કરેલ પેકેજ માં ખેત મજૂરોને પણ 25 ટકા ભાગ આપવાની માંગ દોહરાવી છે. પોલીસે ખેત મજૂરો સાથે ગેરવર્તન કર્યો હોવાના આક્ષેપ કેટલાક ખેત મજૂરોએ કર્યો છે. બહોળી સંખ્યામાં ખેત મજૂરો એકઠા થતા મુખ્ય 4 આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી.
-
તાલાળામાં અનુભવાયો ભૂકંપનો આંચકો
ગીર સોમનાથના તાલાળામાં અનુભવાયો ભૂકંપનો આંચકો. 3.3 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાળાથી 14 km દૂર નોંધાયું છે.
-
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં પ્રથમ માળની ગેલેરી તુટી પડી
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં, કોલેજ રોડ પર આવેલ શક્તિ કોમ્પલેક્ષની પ્રથમ માળની ગેલેરી ધરાશાયી થઈ હતી. ગેલેરી તૂટીને કોમ્પલેક્ષની નીચે આવેલા ટી સ્ટોલના શેડ ઉપર પડી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. બીલીમોરા ફાયર બ્રિગેડના જવાનોને સ્થળ પર પહોંચી કાટમાળમાં ઉતારવાની કાર્યવાહી કરી હતી.
-
V.C.E. ને રાજ્ય સરકારના વિભાગો દ્વારા સોંપવામાં આવતી કામગીરી માટે યુનિટ દિઠ ઓછામાં ઓછા 20 રૂપિયા ચૂકવાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં કમિશન બેઝ પર વી.સી.ઈ. તરીકે કાર્ય કરતા યુવાઓને મહત્તમ આવક મળે તેવો સંવેદના સ્પર્શી અભિગમ અપનાવ્યો છે. તેમણે આ સંદર્ભમાં એવો નિર્ણય કર્યો છે કે, વી.સી.ઈ.ને રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા સોંપવામાં આવતી કામગીરી માટે ન્યુનતમ રૂપિયા 20 ચૂકવવામાં આવશે. મુખ્યમંત્રીના આ દિશા નિર્દેશોને પગલે પંચાયત વિભાગે પરિપત્ર કરીને રાજ્ય સરકારના વિભાગોને જણાવ્યું છે કે હવે કોઈપણ કામગીરી માટે વી.સી.ઇ.ને યુનિટ દિઠ ન્યુનતમ રૂ. 20નું મહેનતાણું આપવાનું રહેશે. એટલું જ નહીં, સંબંધિત વિભાગોએ વી.સી.ઈ.ને કામગીરી સોંપતા પહેલા પંચાયત વિભાગ તથા ઇ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીને જાણ પણ કરવાની રહેશે.
-
સુરત: ટ્રેનમાં નવજાત બાળકીને ત્યજી દેનારા આરોપીઓ ઝડપાયા
સુરતમાં ટ્રેનમાં નવજાત બાળકીને ત્યજી દેનારા આરોપીઓ ઝડપાયા છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ 2 મહિલા સહિત 3 આરોપીની ધરપકડ કરી છે. વડોદરા-વલસાડ પેસેન્જર ટ્રેનના શૌચાલયમાંથી નવજાત બાળકી મળી હતી. બાળકીનો અવાજ સાંભળીને મુસાફરોએ પોલીસને જાણ કરી હતી. આરોપીઓમાં નવજાત બાળકીની માતા સગીર હોવાનું સામે આવ્યું છે.
-
અમદાવાદ: નવા નરોડા વિસ્તારમાં કપિરાજનો આતંક, સ્થાનિકોમાં ભયનો માહોલ
અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં કપિરાજનો આતંક જોવા મળ્યો છે. શુકન એપાર્ટેન્ટ, આદિનાથ અને પંજરી સોસાયટીમાં ભયનો માહોલ સર્જાયો છે. તેમજ આકાશગંગા અને પ્રહલાદ રેસિડેન્સીનાં રહીશો પણ ભયભીત થયા છે. તો વનવિભાગની ટીમે અત્યાર સુધી 2 કપિરાજને પુર્યા પાંજરે છે. હજૂ પણ વિસ્તારમાં કપિરાજના હુમલા યથાવત છે.
-
ગુજરાત સહિત દેશભરમાં 25 સ્થળોએ EDનું સર્ચ ઑપરેશન
હજારો કરોડના કોડીન કફ સીરપ ઉત્પાદક પર EDની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાત સહિત દેશભરમાં 25 સ્થળોએ EDનું સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ, રાંચી, લખનૌ, વારાણસી, જૌનપુર અને સહારનપુરમાં પણ સર્ચની કામગીરી હાથની ધરી છે. મુખ્ય આરોપી શુભમ જયસ્વાલ, આલોક સિંહ, અમિત સિંહ અને અન્યોના ત્યાં રેડની કાર્યવાહી કરી છે. કોડીન કફ સીરપના ગેરકાયદેસર ઉત્પાદન સાથે સંકળાયેલા આરોપીઓ અને એમના મળતિયાઓને ત્યાં તપાસ હાથ ધરી છે. આરોપીઓ સામે અલગ અલગ 30 FIRના આધારે EDની કાર્યવાહી કરી છે. મુખ્ય આરોપી શુભમ જયસ્વાલ દુબઈ ભાગી ગયો હોવાની આશંકા છે. શુભમના પિતા અને 32 અન્ય આરોપીની UP પોલીસે ધરપકડ કરી લીધી છે. ઉત્તરપ્રદેશ સરકારે આ કેસમાં SITનું પણ ગઠન કર્યું છે.
-
ભરૂચ: બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત થયું છે. અકસ્માત બાદ બન્ને વાહનમાં આગ લાગતા મહિલા જીવતી ભૂંજાઈ ગઈ છે. અંકલેશ્વરના વાલિયા રોડ પર બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. અન્ય 4 લોકો દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ફાયર વિભાગે સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો છે. અકસ્માત બાદ કોસમડી ગામ નજીક ટ્રાફિક જામ થયો હતો.
-
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 જેટલા મજૂરો દબાયા
વલસાડ ના ઔરંગા નદીના બ્રિજ ઉપર બની ઘટના બની છે. કૈલાશ રોડ પર આવેલ ઔરંગ નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી થયો છે. બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી હતી તે સમયે ઘટના બની છે. બ્રિજના સ્લેબ ધરાશાઈ થતા 4 જેટલા મજૂરો દબાયા છે. સ્થાનિકો દ્રારા તાત્કાલિક દોડી આવી મજૂરોને બહાર કાઢવામાં આવ્યા છે. તમામને સારવાર અર્થે વલસાડ ની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
-
જાપાન: 6.5 ની તીવ્રતાનો ભૂકંપ, 34 લોકો ઇજાગ્રસ્ત
જાપાનના દરિયાકાંઠે 6.5 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો. તંત્રએ હાલ સુનામીની ચેતવણી જાહેર કરી છે. ફાયર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ આપેલી માહિતી મુજબ. ઓછામાં ઓછા 34 લોકો ઘાયલ થયા છે, જેમાંથી એકની હાલત ગંભીર છે. વડા પ્રધાન સનાઈ તકાઈચીએ જણાવ્યું હતું કે સ્થિતિની સમીક્ષા અને નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે એક કટોકટી કાર્ય દળની રચના કરાઇ છે.
-
રાજકોટઃ પોલીસ કમિશનર કચેરીના ગેટ પર SRP જવાને કર્યો આપઘાત
રાજકોટમાં પોલીસ કમિશનર કચેરીના ગેટ પર SRP જવાને આપઘાત કર્યો છે. ગજુભા રાઠોડ નામના SRP જવાને છાતીના ભાગે ગોળી મારી આપઘાત કર્યો હતો. રાત્રે ત્રણેક વાગ્યા આસપાસ ફરજ દરમિયાન જ આપઘાત કર્યા હતો. કયા કારણોસર આપઘાત કર્યો તે હજુ સ્પષ્ટ નહીં. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
-
અમેરિકાના વોશિંગ્ટનમાં પૂરની ભયાનક સ્થિતિ, 1 લાખ લોકો સ્થળાંતર કરવા મજબૂર
યુ.એસ.ના પેસિફિક નોર્થવેસ્ટ અને પશ્ચિમ કેનેડામાં કેટલાક દિવસોના ભારે વરસાદને કારણે સંખ્યાબંધ નદીઓ અને ઉપનદીઓમાં પૂર આવ્યું છે. નેશનલ વોટર સેન્ટરે વોશિંગ્ટનમાં સ્કેગીટ અને સ્નોહોમિશ નદીઓમાં ભારે પૂરની સ્થિતિ છે. આ સાથે કેનેડામાં, પૂર, કાટમાળ તણાઇ આવવો અને હિમપ્રપાતનું જોખમ વધ્યુ છે. જેથી વાનકુવરનો મુખ્ય હાઇવે બંધ કરાયો છે. જેના પગલે 1 લાખ લોકો સ્થળાંતર કરવા મજબૂર છે.
-
મહીસાગર: બાલાસિનોરમાં 2.37 કરોડનો ગાંજો ઝડપાયો
મહીસાગરના બાલાસિનોરમાં 2.37 કરોડનો ગાંજો ઝડપાયો છે. રત્નજીના મુવાડા ગામે એરંડાની આડમાં ગાંજાની ખેતી ઝડપાઈ છે. પોલીસના દરોડા દરમિયાન ગાંજાના 258 છોડ મળી આવ્યાં છે. 2 કરોડ 37 લાખની કિંમતનો 473 કિલો ગાંજો જપ્ત કર્યો છે. પોલીસે ગાંજાનું વાવેતર કરનારા આરોપીની ધરપકડ કરી છે.
-
પૂર્વ કેન્દ્રીય ગૃહપ્રધાન શિવરાજ પાટીલનું નિધન, મહારાષ્ટ્રનાં લાતૂરમાં લીધા અંતિમ શ્વાસ
પૂર્વ કેન્દ્રીય ગૃહપ્રધાન શિવરાજ પાટીલનું નિધન થયું છે. મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રનાં લાતૂરમાં તેમને અંતિમ શ્વાસ લીધા છે. લાંબી માંદગી બાદ 91 વર્ષની ઉંમરે નિધન થયું છે.
-
અમદાવાદ: સ્વામી વિવેકાનંદ કોલેજને મનપાની ટીમે કરી સીલ,ફાયર NOC મુદ્દે હવે કોલેજો સામે પણ કાર્યવાહી
અમદાવાદમાં ફાયર NOC મુદ્દે હવે કોલેજો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્વામી વિવેકાનંદ કોલેજને મનપાની ટીમે સીલ કરી છે. ફાયર NOC અને વપરાશ પરવાનગી ન હોવાથી કાર્યવાહી કરી છે. ફાયર NOC રિન્યુ ન કરતા અનેક નોટિસ અપાઈ હતી. શાળાઓ બાદ કોલેજો સામે પણ મનપાએ કાર્યવાહી શરૂ કરી છે.
-
આંધ્રપ્રદેશ: ચિતૂર જિલ્લામાં બસને નડ્યો અકસ્માત, 9ના મોત
આંધ્રપ્રદેશના ચિતૂર જિલ્લામાં બસને અકસ્માત નડ્યો છે. ઘાટ પાસે બસ ખીણમાં ખાબકી હતી. ઘાટવાળા રસ્તા પણ બસ ખીણમાં ખાબકતા 9ના મોત નિપજ્યાં છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત 9 લોકોને ભદ્રાચલમ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.
Andhra Pradesh Tragedy: 9 Dead After Bus Overturns on Chinturu-Bhadrachalam Ghat Road | TV9Gujarati#AndhraPradesh #BusAccident #Chinturu #Bhadrachalam #GhatRoad #AlluriSitaramaRaju #BreakingNews #TV9Gujarati pic.twitter.com/4gdTxkLpVR
— Tv9 Gujarati (@tv9gujarati) December 12, 2025
-
સાયબર ક્રાઈમ સેલે 105 કરોડથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો
કચ્છમાં સાયબર ક્રાઈમ સેલે 105 કરોડથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. બેંક ખાતા ખોલી તેમાથી છેતરપિંડીથી મેળવતા હતા નાણા. જમા કરેલા નાણા ચેકથી ઉપાડી છેતરપિંડી આચરતા હતા. 3 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 105 કરોડથી વધુ નાણા મેળવી કમિશન મેળવતા હતા. પોલીસે 3 બેંકના કર્મચારીઓ સામે પણ ફરિયાદ નોંધી છે. શુભમ ડાભી નામના આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ
-
રાજ્યની તમામ 182 વિધાનસભામાં 100 ટકા કામગીરી પૂર્ણ
ગુજરાતમાં SIR પ્રક્રિયા વચ્ચે મોટા સમાચાર આવી રહ્યાં છે. રાજ્યની તમામ 182 વિધાનસભામાં 100 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. જેની ગુજરાત રાજ્યના ચૂંટણી પંચે પણ જાહેરાત કરી છે. SIR પ્રક્રિયામાં ગુજરાતનું શ્રેષ્ઠ પ્રદર્શન હોવાનો ચૂંટણી પંચનો દાવો છે. હજુ પણ યાદીમાં નામ ન હોય તો મતદારો 14 ડિસેમ્બર સુધી BLOનો સંપર્ક કરી શકાશે. 27 ઓક્ટોબરથી રાજ્યમાં શરૂ કરાઇ હતી SIR કામગીરી. SIR દરમિયાન 18,03,730 મૃતકોના નામ મતદાર યાદીમાં ચાલુ હોવાનું સામે આવ્યું છે.
Published On - Dec 12,2025 7:29 AM